________________
આ આકરગ્રંથના સંપાદક પ્રો. મધુસૂદન ઢાંકી સંશોધન-સંપાદન ક્ષેત્રની એક વિરાટ પ્રતિભા છે. તેમના માટે પ્રશંસા નહિ, પણ અહોભાવ અને આદર વ્યક્ત કરવા વધુ સહેલા પડે. તેમનું બહુમુખી, બહુ આયામી સંશોધનકાર્ય જીવનના અંતકાળ સુધી ચાલુ રહ્યું હતું. ૮૭ વર્ષની વયે અને અસ્વસ્થ શરીરે પણ આ પ્રકારના વિરાટ ગ્રંથ, ગ્રંથમાળાનું આયોજન કરી શકતા હોય તો તેમની સ્કૂર્તિ, નિષ્ઠા, મેધા અને વ્યાસંગ કઈ કક્ષાના ગણવા એ વાચક સ્વયં વિચારી લે. વિદ્યાદેવીના ઉપાસક, સ્વાધ્યાયના તપસ્વી,
સ્મૃતિ અને પ્રજ્ઞા બન્નેમાં સુસ્થિર એવા આ વરિષ્ઠ વિદ્વાન્ પોતાની પાસે હોવાનું ગૌરવ જૈન સંઘ સાધિકાર લઈ શકે છે.
સહ-સંપાદક પ્રો. જિતેન્દ્ર બી. શાહ વિદ્યાપ્રસાર અને શ્રુતસેવામાં નિરત, સ્વાધ્યાયશીલ વિદ્વાનું છે. પ્રો. ઢાંકીસાહેબના જમણા હાથ હતા, તે રીતે જ તેમણે પ્રસ્તુત ગ્રંથના નિર્માણને શક્ય બનાવ્યું છે. બન્ને વિદ્વાનોની શ્રુતસેવાનું અભિવાદન કરું છું.
– ઉપાધ્યાય ભુવનચંદ્ર