________________
(૧૧) કૃષ્ણર્ષિગચ્છીય જયસિંહસૂરિષ્કૃત ધર્મોપદેશમાલાવિવરણ અંતર્ગત જિનઅરિષ્ટનેમિસ્તુતિ (ઇસ્વી ૮૫૯)
કૃષ્ણર્ષિના શિષ્ય અને હિરગુપ્ત વાચકની પરંપરામાં થઈ ગયેલા ગ્રંથકાર જયસિંહસૂરિના ધર્મોપદેશમાલાવિવરણ અંતર્ગત ‘જય’ શબ્દથી પ્રારંભાતી, ૧૨ પદ્યયુક્ત, ઉજ્જયંતગિરિસ્થજિન નેમિની આ સ્તુતિ સાહિત્યની દૃષ્ટિએ મધ્યમ કોટિની છે.
(૧૨) ધર્મોપદેશમાલાવિવરણ અંતર્ગત શ્રીચતુર્વિશતિજિનસ્તુતિ
આ પણ ‘જય’ શબ્દથી શરૂ થાય છે. ૨૫ પદ્યયુક્ત આ રચનામાં ઋષભથી લઈ મુનિસુવ્રત સુધીના ૨૦ જિનવરોની સ્તુતિ છે.
(૧૩-૧૮) શીલાચાર્યકૃત ચઉપન્નમહાપુરિસયચરિય અંતર્ગત સ્તુતિઓ (ઇ.સ.૮૬૯)
પ્રસ્તુત ગ્રંથની રચના બૃહદ્દિપનિકા (સંકલન ૧૬મી શતાબ્દી પ્રારંભ) નામના પ્રમાણભૂત સૂચીરૂપ લઘુગ્રંથમાં સં.૯૨૫/ઇ.સ.૮૬૯ આપી છે, જે વાસ્તવિક જણાય છે. ગ્રંથપ્રશસ્તિમાં કર્તાનાં ‘વિમલમતિ’ તથા ‘શીલાચાર્ય' અભિધાનો દીધેલાં છે, અને એમના ગુરુરૂપે નિવૃત્તિકુલના માનદેવસૂરિ હોવાનું દર્શાવ્યું છે. આ જ સમયમાં, જેમના ગુરુ વિષે માહિતી નથી તેવા, નિવૃત્તિકુલના જ એક અન્ય ‘શીલાચાર્ય’ અપરનામ ‘તત્ત્વાદિત્ય’ નામના આગમિક વિદ્વાન્ થયા છે, જેમની આચારાંગ-વૃત્તિ તથા સૂત્રકૃતાંગ-વૃત્તિ (પ્રાયઃ ઇ.સ.૮૫૯-૮૭૫) સુવિશ્રુત છે. સ્વ.મુનિવર પુણ્યવિજયજીએ આ બન્ને શીલાચાર્યોને ભિન્ન માન્યા હતા, અને એમના આધારે અમૃતલાલ ભોજક, ગુલાબચન્દ્ર ચૌધરી આદિ વિદ્વાનોએ પણ આ મુદ્દા પર (લાંબો ઊહાપોહ કર્યા વિના) માની લીધેલું કે બન્ને જુદા છે. વિચારવા જેવી વાત એ છે કે ૧૧મી સદી પૂર્વે અને વિશેષે પ્રામધ્યકાળમાં પશ્ચિમ ભારતમાં શ્વેતાંબર સાધુઓ અને તેમના અનુયાયીઓની સંખ્યા અલ્પ હતી. એ તથ્ય લક્ષમાં લેતાં એક જ પ્રદેશમાં, એક જ મુનિ-કુલના, એક નામધારી બે વિદ્વાનો એક જ કાળમાં થયા હોવાનો સંભવ ઘણો ઓછો છે. અમારે મતે નોખા મનાતા પણ એક જ કાળમાં થઈ ગયેલા બન્ને શીલાચાર્ય અભિન્ન વ્યક્તિ છે. બન્નેનાં બિરુદો અલગ છે એટલે બન્ને નોખા હોવા જોઈએ એ દલીલ જોરદાર નથી.
ચઉપન્નમહાપુરિસચરિયમાં ટૂંકા ટુંકા સ્તુત્યાત્મક પદ્યો તો ઠીક સંખ્યામાં મળે છે પણ તે ઉપરાંત થોડીક સ્તુતિઓ વ્યવસ્થિતરૂપે અને થોડા વિસ્તારવાળી મળે છે, જેમાંથી છનો અહીં સમાવેશ કર્યો છે. પ્રથમ સ્તુતિ ભરતચક્રી દ્વારા સ્તવિત યુગાદિદેવ ઋષભની અને ષટક્ રૂપે છે; તે પછી આવે ચતુષ્કરૂપે નૈમિજિન સ્તુતિ અને ત્યારબાદ ૧૫ પદ્યોમાં સુરગણ દ્વારા થયેલી જિન અરિષ્ટનેમિની સ્તુતિ, અને પછી ફણીન્દ્ર એટલે કે નાગરાજ ધરણેન્દ્ર કારિત અર્હત્ પાર્શ્વની અષ્ટકરૂપે સ્તુતિ. ત્યારબાદ સુરેન્દ્રકથિત ૧૨ પદ્યયુક્ત પાર્થસ્તુતિ અને છેલ્લે ઇન્દ્રપ્રણીત વર્ધમાનજિનની અષ્ટક સ્તુતિ. પહેલી બે સ્તુતિ સામાન્ય કોટિની છે; પછીની ચાર સ્તુતિઓ સાહિત્યની દૃષ્ટિએ મધ્યમ કોટિની ગણાય. વસ્તુતયા શીલાચાર્યની કવિકોટિ મધ્યમ કક્ષાની છે. એથી એમની પાસેથી કવિતાની દૃષ્ટિએ વિશેષ આશા રાખી શકાય નહીં. આમાંની કેટલીકનો આરંભ ‘જય' શબ્દથી થયેલો છે.
८०