________________
દૃષ્ટિએ તેને ઉચ્ચ કોટીની રચના ભાગ્યે જ કહી શકાય; પરંતુ પદ્યબંધમાં પ્રાસાનુપ્રાસ આશ્રિત શબ્દશૃંખલા ગતિશીલ અને શક્તિપૂત સ્વરૂપમાં રજૂ થઈ છે. સંપ્રદાયમાં આ સ્તુતિ પ્રથમ પાદલિપ્તસૂરિની મનાય છે; પણ તે તો નરી ભ્રાંતિ છે. સ્તુતિની શૈલી, આંતરિક વસ્તુ અને વિભાવો, અભિગમ, શબ્દોની પસંદગી તેમજ લગાવ પ્રસ્તુત રચના કુષાણકાલીન હોવાને બદલે અનુગુપ્તકાળના અંત સમયની અને એથી મૈત્રકયુગની સંધ્યાના સમયની હોવાનો ભાસ ધરાવે છે. તેના ટીકાકાર ખરતરગચ્છીય જિનપ્રભસૂરિ પ્રસ્તુત સ્તુતિ મંત્રગર્ભિત હોવાનું બતાવે છે; અને તેમાં સુવર્ણસિદ્ધિનો મંત્ર સંગોપિત હોવાનું કહેવાય છે. દેખીતી રીતે જ આ તિલસ્મપરસ્ત ચૈત્યવાસી જતિની કૃતિ છે. આ સ્તુતિનો પઠનાદિમાં કે વિધિવિધાનમાં પ્રચાર હોવાનું જ્ઞાત નથી. (૮) યાકિનીસૂનુ હરિભદ્રસૂરિકૃત રૈલોક્યજિનવન્દનસ્તવ (પ્રાયઃ ઇસ્વી ૭૨૫-૭૭૫)
પ્રાકૃત અને સંસ્કૃતમાં અનેક ગ્રંથોના રચયિતા આદિમ હરિભદ્રસૂરિ (કર્મકાળ પ્રાયઃ ઇસ્વી ૭૪૫-૭૭૦ યા ૭૮૫) સ્તુતિ-સ્તોત્રના પ્રણયનમાં એમનાં અન્ય સર્જનો-ઉપદેશાત્મક તેમ જ દાર્શનિકાદિને મુકાબલે-એકંદરે ઉદાસ રહ્યા લાગે છે. એમની અહીં પ્રસ્તુત બે પ્રાકૃત તથા આ પછીના સંસ્કૃત સ્તુતિ-સ્તોત્ર વિભાગમાં સમાવિષ્ટ કરેલી બે સમસંસ્કૃત અને એક સંસ્કૃતમાં “અષ્ટક’ એમ પાંચ જ રચનાઓ મળી આવી છે. સાંપ્રત રચનામાં નિગ્રંથ-દર્શનની ભૂગોળ અને વિશ્વ સંબંધી કલ્પના અનુસારના વિવિધ દ્વીપો-દ્વીપાંતરો, અધલોક તથા ઊર્ધ્વલોકમાં મનાતાં જિનાલયોના જિનોને શૃંખલાબદ્ધ વંદના દીધી છે. બહુ જ ટૂંકી હોવા અતિરિક્ત તેમાં કાવ્યત્વની પણ ખાસ કોઈ ઝલક દેખીતી નથી. પ્રારંભના પદમાં એમની લાક્ષણિક રીતે પંચપરમેષ્ઠિને નમસ્કાર કર્યા છે અને અંતિમ પદ્ય એમની મુદ્રા–“ભવવિરહ –થી અંકિત હોઈ રચના તેમની છે એટલું તો સુનિશ્ચિત છે. આ ગ્રંથમાં પ્રસ્તુત સ્તવને સમાવિષ્ટ કરવાનું કારણ એટલું જ છે કે તે મહાન હરિભદ્રસૂરિની કૃતિ છે. વસ્તુતયા રચનાઓમાં હરિભદ્રસૂરિ પ્રાકૃત કરતાં સંસ્કૃત ભાષામાં વિશેષ ખીલી ઊઠતા એ વાત વિષે આગળ ત્રીજા વિભાગમાં ચર્ચા કરવામાં આવી છે. (૯) હરિભદ્રસૂરિકૃત ધૂમાવલી-પ્રકરણ (પ્રાયઃ ઈસ્વી ૭૨પ-૭૭૦ વા ૭૮૫)
તાજેતરમાં જ પ્રકાશિત થયેલી પ્રસ્તુત કૃતિ પૂજાવિધિ સંબંધની હોઈ આમ તો તે સ્તુત્યાત્મક રચના નથી. પરંતુ તેનો પ્રારંભ હરિભદ્રની નિજી કાવ્યશૈલી પ્રકટ કરે છે, અને તેમાં ધૂપની ધૂમ્રસેરનો લોકમાં રહેલાં જિનભવનો સુધી ફેલાવો થવાની કાવ્યમય કલ્પના કરી હોઈ અને કાવ્યાંતે “ભવવિરહ' એવી યાકિનીસૂનુની મુદ્રા દર્શાવી હોઈ અહીં સમાવી લીધી છે. પાછળની કૃતિ સાથે સરખાવતાં પ્રમાણમાં આ વધારે સારી રચના હોવાનું દેખાઈ આવે છે. જાણે ધૂમ્રસેર પ્રગટ થતી હોય અને છવાઈ જતી હોય તેવો ભાસ થાય છે. (૧૦) ઉદ્યોતનસૂરિકૃત કુવલયમાલા અંતર્ગત વિશેષકરૂપી જિનસ્તુતિ (ઇ.સ.૭૭૮)
ત્રણ જ પડ્યો ધરાવતી આ સ્તુતિમાં ઉદ્યોતન સૂરિની લલિત કાવ્ય-છટા પ્રગટ થાય છે. પ્રથમ પદ્યમાં ભક્તામર સ્તોત્રના પ્રથમ પદ્યનો આછો શો પ્રભાવ વરતાય છે.
૭૯