________________
તો વિરલ કહી શકાય તેવી સંઘસ્તુતિ’ પણ તેમાં સમાવિષ્ટ હોઈ અહીં સંગ્રહમાં કેવળ અભ્યાસોપયોગ ખાતર, ઐતિહાસિક દષ્ટિકોણથી શામિલ કરી છે.
સ્તુતિની વર્તમાન પ્રાપ્ત ભાષા તો ભારોભાર મહારાષ્ટ્રી પ્રાકૃતના પુટથી તરબોળ છે; પણ ચૂર્ણિકાર જિનદાસગણિમહત્તરે પાઠાંતરમાં એક સ્થાને ટાંકેલ એની ગાથાઓ બહુધા તેના અસલી અર્ધમાગધી સ્વરૂપને વ્યક્ત કરે છે. સંભવ છે કે ઇસ્વી ૪૫૦ અને ૬૭૫ના વચ્ચેના ગાળામાં ભાષાને જાણી જોઈને, બળાત્કારપૂર્વક બદલી નાંખવામાં આવી હોય. અમે અહીં તેને અર્ધમાગધી વર્ગમાં મૂકી તો છે, પણ પ્રતોમાં અન્ય ઉપયુક્ત પાઠાંતરોના અભાવે તેને મૂળ અર્ધમાગધીમાં સાંગોપાંગ પરિવર્તિત કરી શકાય તેમ હતું નહીં. આથી મોટે ભાગે પ્રકાશિત છે તેવા સ્વરૂપમાં જ સ્વીકારીને તેનો કાલાનુસાર ચોથા ક્રમમાં સમાવેશ કર્યો છે. દેવવાચકના સમયમાં મહારાષ્ટ્રી પ્રાકૃત પ્રયોગમાં આવી ગયેલી હતી. એટલે નંદિસૂત્રની અસલી ભાષાનો પ્રશ્ન વિશેષ ગવેષણા માગી લે છે. (અમે એને “અર્ધમાગધી” વર્ગમાં કામચલાઉ રૂપે જ મૂકી છે.) (અહીં તેનાં બધાં જ પદ્યો નથી લીધાં : વાચકવંશાવળીવાળો છેલ્લો ભાગ છોડી દીધો છે.)
મહારાષ્ટ્ર પ્રાકૃત સ્તુતિ-સ્તોત્રો (૧) વિમલસૂરિકૃત પઉમચરિય’નું ચતુર્વિશતિ-સ્તુતિ મંગલ (પ્રાયઃ ઇસ્વી ૪૭૩)
મહારાષ્ટ્રી પ્રાકૃત ભાષા મહારાષ્ટ્રાધીશ સાતવાહનના અભિલેખોમાં બીજી શતાબ્દી ઉત્તરાર્ધ યા અંત પૂર્વે જોવા મળતી નથી. સાહિત્યમાં પણ આદિ પાદલિપ્તસૂરિની વિલુપ્ત “તરંગવઈકહા' (તરંગવતીકથા)નાં બચેલા અંશો તેમજ રાજા “હાલની રચના મનાતા ગાથાસપ્તશતી ગ્રંથમાં પ્રથમવાર દેખા દે છે.
નિર્ઝન્થદર્શનની દૃષ્ટિ એવું કલ્પનાઓ તેમ જ તેનાં સિદ્ધાંતો, ગૃહીતો, અને માન્યતાઓને વફાદાર રહીને, પ્રાયઃ ઇસ્વી ૪૭૩ના અરસામાં ઉત્તરની પરંપરાની (વજીશાખા)ના નાગૅદ્રકુલના વિમલસૂરિએ (તેની પ્રશસ્તિ અનુસાર વીરાતુ પ૩૦માં) મહારાષ્ટ્રી પ્રાકૃતમાં પઉમચરિય નામક રામકથાની રચના કરેલી. પરંતુ પ્રસ્તુત ગ્રંથ તેની ભાષા, સંરચના, શૈલી અને વસ્તુ તેમ જ વિભાવોની અને તેમાં પ્રગટ થતી સાંસ્કૃતિક પરિસ્થિતિની દૃષ્ટિએ તો આગમયુગથી આગળ વધેલી અને અમુકાશે ગુપ્તકાળના કાવ્યાદર્શો લક્ષમાં રાખીને ઘડાયેલી પ્રશિષ્ટ પ્રાકૃત-નિબદ્ધ રચના છે. આથી તેમાં અપાયેલા વીરનિર્વાણ સંવતને વિક્રમ સંવત્ ગણી તેનો કાળ નિશ્ચિત કરવા અંગે એક જોરદાર મત છે, જેનો અહીં સ્વીકાર કર્યો છે. કુવલયમાલાકાકાર ઉદ્યોતનસૂરિ (ઇ.સ.૭૭૮) દ્વારા થયેલા વિમલસૂરિના ઉલ્લેખ અતિરિક્ત એના પલ્લવિત અને અમુકાશે પરિવર્તિતરૂપે રચાયેલા દિગંબર (યા યાપનીય) રવિષેણાચાર્યના સંસ્કૃત પાચરિત યા પદ્મપુરાણ (ઇ.સ.૬૭૬)થી પ્રસ્તુત રચના નિશ્ચયતયા પૂર્વેની છે. તેમાં અંદરના હિસ્સામાં જોવા મળતી સાંસ્કૃતિક સામગ્રી પણ ગુપ્તયુગ પહેલાની હોવાના નિર્દેશો ઉપલબ્ધ નથી. આમ આંતરિક તેમ જ બાહ્ય એમ બધાં જ પ્રમાણો લક્ષમાં લેતાં પઉમચરિયની રચના, ઉપર બતાવ્યું તેમ, ઇ.સ.૪૭૩માં થઈ હોવાનો પ્રબળ સંભવ છે.