________________
અને એ કાળની અજ્ઞાત કર્તાઓની કૃતિઓમાં પ્રતિબિંબિત થતા ભાવો અને સંગ્રથન-ઢંગથી આ સ્તવ જુદું તરી આવે છે. વળી આટલા બધા છંદોનો, અને તે પણ એક જ નાની કૃતિમાં, પ્રયોગ પણ કાલિદાસ, સિદ્ધસેનાદિનાં કાવ્યોમાં થયો નથી. અલબત્ત છઠ્ઠી-સાતમા સૈકાના ભારવી, સમંતભદ્ર, માઘ, દંડી આદિ કવિઓને પ્રિય તેવી ક્લિષ્ટ અલંકારલીલાનો અહીં અભાવ છે. એની વટક કવિએ જાણે કે છંદવૈવિધ્યમાં જ વાળી દીધી છે ! આમ સ્તવ ગુપ્તયુગના શ્રેષ્ઠ દશકાઓ પછીનું, પણ અલંકારપ્રવણવલણના આવિર્ભાવ પૂર્વેનું, દેખાય છે. આથી તેને ઇસ્વી ૪૭૫-૫૦૦ના ગાળામાં મૂકી શકાય. રચયિતા નંદિષેણ કોણ હતા, પ્રાચીન મુનિઓના કયા ગણ, શાખા, કુલમાં થઈ ગયા, તે તથ્યનો ફોડ તો ભવિષ્યમાં કોઈ ઉપયુક્ત સાધનો જડી આવે ત્યારે જ પડે.
સ્તવનાં કેટલાંયે પદ્યો કાવ્યગુણોથી પરિપૂર્ણ છે. અંતિમ પદ્યમાં કર્તાનું નામ પ્રગટ થાય છે. (૪) શ્રી તીર્થાવકાલિક-પ્રકીર્ણક અંતર્ગત શ્રી મંગલ-વિશેષક (પ્રાયઃ ઇસ્વી. પ૫૦)
તીર્થાવકાલિક (તીત્યોગાલિય)–પ્રકીર્ણકની ત્રણ પદ્યયુક્ત આદિમંગલ-સ્તુતિમાં પ્રથમ પદ્યમાં આદિ જિન ઋષભ, પછીના પદ્યમાં “બાવીસ જિન”, અને ત્રીજા પદ્યમાં ચરમ તીર્થકર મહાવીરની સ્તુતિ છે. પદ્યોમાં કાવ્યતત્ત્વ છે. આ ગ્રંથની રચના વ્યવહારભાષ્ય (પ્રાયઃ ઇસ્વી.પ૭૫-૬૦૦)થી પૂર્વે થયેલી હોઈ લગભગ ઇસ્વી પ૫૦ની (શૈલીની દૃષ્ટિએ પણ) હોવી ઘટે. (જોકે સંપાદકો તો તેને ઇસ્વીસનના પાંચમા શતકમાં મકવાના મતના છે. પણ તે માન્યતા સિદ્ધ થઈ શકે તેવાં આંતરિક પ્રમાણો અમને જોવા મળ્યાં નથી.) (૫) તિલોયપણી અંતર્ગત શ્રીપંચપરમેષ્ઠિતુતિરૂપેણ આદિમંગલ (પ્રાયઃ ઇસ્વી.૫૫૦)
પાંચ પદ્યોમાં શૌરસેનના જરા-શા સ્પર્શવાળું આ પ્રાકૃત મંગલ આગમિક શૈલીમાં હોવા સાથે સાહિત્યિક સ્પર્શ પણ દર્શાવી રહે છે. યતિવૃષભના મનાતા આ ગ્રંથનો સમય પ્રાયઃ ઇસ્વી છઠ્ઠીનો મધ્યભાગ મનાય છે. આ અન્યથા દિગંબરમાન્ય આગમસ્થાનીય ગ્રંથમાં દેવલોકોની સંખ્યા ૧૨ની બતાવી હોઈ (અને ૧૬ની સંખ્યા અન્યની માન્યતા હોવાનું ત્યાં કહ્યું હોઈ) તે મૂળે યાપનીય-માન્ય ગ્રંથ હોવાનો સંભવ છે. યતિવૃષભ યાપનીય સંઘના મૂલગ્નોતરૂપ અને ઉત્તરમાં ઈસ્વીસનની બીજી સદીમાં આર્ય શિવભૂતિએ સ્થાપેલ ક્ષપણક (બોટિક) સંપ્રદાયના, ઉત્તર તરફના, આચાર્ય હોય તેમ જણાય છે. (૬) માનતુંગાચાર્ય પ્રણીત પાર્શ્વનાથસ્તોત્ર અમરનામ ભયહરસ્તોત્ર (પ્રાયઃ ઇસ્વી છઠ્ઠી શતી ઉત્તરાર્ધ)
માનતુંગાચાર્ય એમના સુવિકૃત સંસ્કૃતમાં નિબદ્ધ ભક્તામર સ્તોત્રથી મહાકવિરૂપે સુપ્રસિદ્ધ છે. એમના વિષે વિચારણા આગળ સંસ્કૃત વિભાગમાં વિસ્તારથી થનાર હોઈ અહીં તો તેમના આ પ્રાકૃતભાષા-નિબદ્ધ સ્તોત્ર વિશે જ વિચારીશું. પ્રસ્તુત સ્તોત્ર ખરતરગચ્છના સપ્તસ્મરણ અને તપાગચ્છના નવસ્મરણમાં, સંપ્રદાયમાં મશહૂર કેટલાંક અન્ય સ્તુતિ-સ્તોત્રો સાથે, સંકલિત થયું છે. ૧૫મા-૧૬મા શતકની પટ્ટાવલીઓ-ગુર્નાવલીઓ ઉપરાંત ગુણાકરસૂરિની ભક્તામર સ્તોત્રવૃત્તિ (ઇ.સ. ૧૩૭૦)માં અને એનાથી પૂર્વે રાજગચ્છીય પ્રભાચન્દ્રાચાર્યના પ્રભાવકચરિત (ઇ.સં.૧૨૭૭)માં,