________________
સ્તુત્યારંભે શ્રમણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, આગરિક (સંસારીઓ) અને અન્ય તીર્થિકોએ કોઈ ભિક્ષુ (નિર્ગસ્થ મુનિ)ને જ્ઞાતૃપુત્ર મહાવીરનાં જ્ઞાન, દર્શન, શીલ (આચાર) વિશે પૃચ્છા કરતાં તેના એક પ્રકારે ઉત્તરરૂપે મહાવીરનાં વ્યક્તિત્વ, ચારિત્ર્ય, વિશેષ ગુણોનો પ્રભાવ, અને તેમના ઉપદેશ વિષે પ્રશંસાત્મક ઉદ્ગારો આદિ વિષયે ભાવપ્રધાન શૈલીમાં કહેવાયું છે. જિન વીરને ક્ષેત્રજ્ઞ(જ્ઞાતા), કુશલ, આશુપ્રજ્ઞ, અનંતજ્ઞાની, અનંતદર્શી અને યશસ્વી સરખાં વિશેષણોથી સમલંકૃત કર્યા છે. તદુપરાંત તેમને માટે અહેતુ, જિન, મુનિ, મહર્ષિ, નેતા એવાં સન્માનવાચક સંબોધનો પણ સ્તુતિમાં જુદે જુદે સ્થળે નજરે પડે છે. તેઓને ત્રણ સ્થાવરનાં નિત્યાનિત્ય સ્વરૂપોના જ્ઞાતા અને ધર્મના ઉદ્દગાતા કહ્યા છે. તેમને સર્વદર્શી અતિરિક્ત, અભિભૂતજ્ઞાની, નિરામગંધી (અહિંસક અને નિર્માસાહારી), ધૃતિમાન, સ્થિતાત્મા, પૂરા જગતમાં અનુત્તર વિદ્વાનું, અને ગ્રંથ્યાતીત (પરિગ્રહ રહિત) પણ કહ્યા છે.
આગળ ચાલતાં સ્તોત્રકર્તાએ મહાવીરની મહાનતા, મહત્તા અને શ્રેષ્ઠતા દર્શક કથન અનેક સરસ અને ઉચિત ઉપમાઓ દ્વારા કર્યું છે. મહાવીરને સુમેરુ પર્વત સમાન કહ્યા છે, તેમ જ લમ્બપર્વતોમાં જેમ “નિષધ અને વર્તુળાકાર શૈલોમાં જેમ “રુચક' તેમ ભૂતિપ્રાજ્ઞોમાં મહાવીર શ્રેષ્ઠ હોવાનું કહ્યું છે. એમનું ધ્યાન શંખ અને ચંદ્રમા સમાન શ્રેષ્ઠ હતું, ઊજળું હતું. એમણે જ્ઞાન, શીલ, અને દર્શનના પ્રભાવે કર્મોનું વિશોધન કરી સિદ્ધિ (મોક્ષસ્થિતિ) પ્રાપ્ત કરેલી. જેમ વૃક્ષોમાં “શાલ્મલી” શ્રેષ્ઠ છે, જેમ (ભવનપતિ) દેવોમાં “સુપર્ણ' (ગરુડરાજ) આનંદમય સ્થિતિનો અનુભવ કરે છે, જેમ વનોમાં નંદનવન' શ્રેષ્ઠ છે, તે પ્રમાણે જ્ઞાન અને શીલમાં (મહાવીર) પ્રધાન છે. ધ્વનિઓમાં જેમ “મેઘગર્જન', તારાઓમાં જેમ “ચંદ્રમા', ગંધોમાં જેમ ચંદન (નો પરિમલ) શ્રેષ્ઠ છે, તેમ મુનિઓમાં (મહાવીર) શ્રેષ્ઠ છે; જેમ સમુદ્રોમાં “સ્વયંભૂરમણ', ને નાગોમાં “ધરણનાગ' (શેષનાગ) શ્રેષ્ઠ છે, રસયુક્ત સમુદ્રોમાં જેમ ઇશુરસોદક પતાકા સમાન છે, તેમ ઉપધાનતપને કારણે મહાવીર) મુનિઓમાં શ્રેષ્ઠ છે. હાથીઓમાં જેમ ઐરાવત’, પ્રાણીઓમાં જેમ “સિંહ” પ્રધાન છે, જલરાશિઓમાં(નદીઓ)માં જેમ “ગંગા', પક્ષીઓમાં જેમ “વૈનતેય(ગરુડ)' શ્રેષ્ઠ છે, તેમ નિર્વાણવાદીઓમાં જ્ઞાતપુત્ર શ્રેષ્ઠ છે. જેમ યોદ્ધાઓમાં વિશ્વકસેન' (વાસુદેવ-શ્રીકૃષ્ણ), પુષ્પોમાં “અરવિંદ-કમળ', અને ક્ષત્રિયોમાં “દંતવક્ર' શ્રેષ્ઠ છે તેમ ઋષિઓમાં વર્ધમાન શ્રેષ્ઠ છે. જેમ દાનોમાં “અભયદાન', સત્યવચનોમાં “અનવદ્ય વચન', અને તપોમાં જેમ બ્રહ્મચર્ય” શ્રેષ્ઠ છે તેમ લોકને વિષે શ્રમણ જ્ઞાતૃપુત્ર શ્રેષ્ઠ છે. સર્વ-સ્થિતિ-(આયુ)યુક્તોમાં જેમ સાત લવયુક્ત (‘અનુત્તર’ વિમાનવાસી દેવ) શ્રેષ્ઠ છે, સભાઓમાં જેમ “સુધર્માસભા' શ્રેષ્ઠ છે, સર્વ ધર્મોમાં જેમ “નિર્વાણ' શ્રેષ્ઠ છે, તેમ પરમાર્થી જ્ઞાનીઓમાં જ્ઞાતૃપુત્ર શ્રેષ્ઠ છે. તેઓ પૃથ્વી સમાન હોવાથી કર્મમલ દૂર કરે છે; આસક્તિ ધરાવતા નથી : આશુપ્રજ્ઞ છે. સંસારસમુદ્ર તરી ગયા છે એવા એ ભયંકર (અભય કર્ણ) વીર અનંતચક્ષુરૂપ છે. ક્રોધ, માન, માયા, લોભ આદિ આંતરિક દોષોનું (કષાયોનું) વમન(શમન) કરી તેઓ અહિંતુ, મહર્ષિ બની ગયા છે; તેઓ પોતે પાપાચરણ કરતા નથી, કરાવતા નથી. તેઓ ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ ઉપરાંત અન્ય વાદોને સમ્યરૂપે જાણી, એવં સમસ્ત વાદોને સમજી, સંયમમાં સ્થિર રહ્યા છે. તેઓ રાત્રિભોજન અને સ્ત્રીસંસર્ગનો ત્યાગ કરી, દુઃખક્ષયાર્થે તપ વિષે ઉદ્યત રહેતા હતા. લોક(બ્રહ્માંડ)ના વિષયમાં પારગામી જ્ઞાન પ્રાપ્ત કરી સર્વ પ્રકારનાં પાપોને એમણે ત્યાગ કરેલો ઇત્યાદિ.
૬૩