________________
ભૂમિકા
૧. સામાન્ય અવલોકન
ભારતીય સંસ્કૃત એવં પ્રાકૃતોનાં કાવ્યમય વાલ્મય અંતર્ગત સ્તુતિ-સ્તોત્ર-સ્તવાદિનું અનોખું સ્થાન છે. સંસ્કૃત સાહિત્યના બૃહદ્ ઇતિહાસ વિષયક પુસ્તકોમાં તેમ જ સ્તોત્ર-સ્તવનાદિ સંબદ્ધ સાંપ્રતકાલીન પ્રકાશનોમાં ક્યારેક પ્રસ્તુત વર્ગના સાહિત્યના મહત્ત્વ વિષે ઉપોદ્ધાતોમાં અવલોકનો તથા ચર્ચા-વિવેચનાદિ થતાં રહ્યાં છે. એ વિષય પર થોડાક ઉપયોગી લેખો પણ ગંભીર સામયિકોમાં પ્રકાશિત થયેલાં છે. પરંતુ એકંદરે જોતાં આ વિશિષ્ટ પ્રકારનાં સાહિત્ય પર, તેનાં સમગ્ર પાસાંઓને આવરી લેતી, અર્થાત્ સર્વાગીણ અને ઝીણવટભરી ચર્ચા થયાના દાખલા જૂજવા છે.
સ્તુતિ-સ્તોત્ર વર્ગનું સાહિત્ય બ્રાહ્મણીય (વૈદિક, શૈવ, વૈષ્ણવ, શાક્ત, સૌરાદિ), નિગ્રંથ (જૈનઃ અલ્પચેલ, શ્વેતાંબર, દિગંબર, અને સંભવતયા બોટિક કિંવા અચેલ-ક્ષપણક એવં તગ્નિષ્પન્ન થાપનીય) અને બૌદ્ધ (મુખ્યત્વે મહાયાનિક તથા વિજયાનિક) એમ ત્રણ પ્રમુખ દર્શનોમાં રચાયેલું છે, અને તે પણ વિવિધ એવં વિપુલ પ્રમાણમાં અને સમયની દૃષ્ટિએ સેંકડો વર્ષોને આવરી લે છે. એ ત્રણે સ્રોતોમાં મળી આવતી, ધ્યાન ખેંચે તેવી, પ્રથમ કોટીની કૃતિઓને એક સ્થળે એકત્રિત રૂપે પ્રસ્તુત કરવાનો કોઈ જ પ્રયત્ન અદ્યાવધિ થયો હોવાનું જ્ઞાત નથી, એટલું જ નહિ પણ એક જ મુખ્ય ધર્મસંપ્રદાયની રચનાઓને પણ તેની વાસ્તવિક ઐતિહાસિક પશ્ચાદ્ભૂમાં અને કાલક્રમ-વિકાસક્રમની દૃષ્ટિએ વ્યવસ્થિત રીતે, ગુણવત્તાને લક્ષમાં રાખીને, ક્રમબદ્ધરૂપે પ્રસ્તુત કરી, તેના પર સવિવેચન-સવિસ્તર અને સમીક્ષાત્મક ચર્ચા થયેલી નથી. બ્રાહ્મણીય તેમ જ નિર્ગસ્થ સ્તોત્રાત્મક સાહિત્યના નાના મોટા ઘણા સંગ્રહગ્રંથો પ્રકાશિત તો થઈ ચૂક્યા છે, અને તેમાંના કેટલાક નિત્યપઠનમાં ઉપયોગમાં પણ લેવાય છે; પરંતુ સમાંતર બૌદ્ધ સાહિત્ય વિષે અલ્પ પ્રમાણમાં જાણ છે અને ત્યાં એવા સંગ્રહો પ્રગટ કરવાનું કાર્ય તાજેતરમાં જ આરંભાયેલું છે.'
આવી સ્થિતિમાં કંઈ નહીં તો ય નિર્ગસ્થ સ્તોત્રાત્મક સાહિત્યનો તેના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં, તેમ જ રચનાઓના પ્રકારોને અને તદંતભૂત વસ્તુ, લક્ષણ તથા વિભાવને લક્ષમાં રાખીને, સાંપ્રત સંકલનમાં એની ચુનંદી કૃતિઓ અહીં કોશાકારે રજૂ કરવા વિચાર્યું છે; ખાસ તો એટલા માટે કે તેના જુદા જુદા સમયના મળીને કુડીબંધ સંગ્રહો આજે ઉપલબ્ધ છે અને તેમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ કોટિની મળી સેંકડો રચનાઓ પ્રકાશમાં આવી જ ગયેલી છે, જેથી લાંબે શોધવા જવું પડે તેમ નથી; પણ ઉત્તમ છે તે બધી કૃતિઓ એક સ્થાને છપાયેલી નથી : વધુમાં એ સંગ્રહોમાં સ્તોત્રાદિના ક્રમયોજનમાં બહુધા ઠેકાણાં દેખાતાં નથી. એક વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે શ્વેતાંબર અને દિગંબર એમ બન્ને મુખ્ય નિર્ચન્થ સંપ્રદાયોમાં ઉચ્ચ કોટિનાં સ્તોત્ર-સ્તવાદિની રચના થયેલી છે; પણ શ્વેતાંબર સમાજ