________________
એ વાત નક્કી સ્વીકારવી કે વર્તમાનમાં આપણા આધ્યાત્મિક પુણ્યનો ઉદયકાળ પ્રવર્તે છે, અને માટે જ આપણા વ્યક્તિગત જીવનમાં આધ્યાત્મિક ક્ષેત્રે અપૂર્વ અને અકથ્ય વિકાસ થયો છે. ધર્મરાગ વૃદ્ધિ, સ્વાધ્યાય રૂચિ, ચારિત્ર પ્રીતિ, આચરણમાં રમણતા આદિ લક્ષણો આપણા વિકાસના છે. આ હૂડા અવસર્પિણી કાળમાં આપણા આધ્યાત્મિક પુણ્યનો ઉદય થવો, એનાથી અધિક શ્રેયસ્ક બીજું શું હોઈ શકે? પંચમ આરો આપણને સૌને પંચમ ગતિની સમીપ લઈ જવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે તેમ છે. પાંચમા આરાનું મૂલ્ય, અપેક્ષાએ, હેજ પણ ઓછું આંકવા જેવું નથી. આ આરાના અંત સુધી એકાવતારીપણું વિદ્યમાન છે. સંસારની મુક્તિનું મુખ્ય સાધન આત્મજ્ઞાન છે.
જૈનદર્શને આપેલો શાસ્ત્રખજાનો મજાનો છે. આગમિક અને પંચાંગી (સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા અને ચૂર્ણિ) સાહિત્ય ઉપરાંત પ્રકરણ ગ્રંથો, વિપુલ વ્યાકરણ સાહિત્ય, રસાળ કાવ્યશાસ્ત્રો, અલંકાર-છંદ, કોષ-ગ્રંથો, દિલચસ્પી ચરિત્રગ્રંથો, અકાટ્ય તર્ક ગ્રંથો, સ્તુતિ-ગ્રંથો, અવિસ્તર આચારગ્રંથો, યોગ અને અધ્યાત્મના ગ્રંથોની ગલીઓથી શોભતું જૈનોનું સાહિત્યનગર એટલું બધું રમણીય છે કે ખરો જિજ્ઞાસુ આ નગરની એકાદ ગલીમાં ધરાઈને જાણવા-માણવામાં જ સમગ્ર જીવન વ્યતીત કરી શકે છે. ભાવનાભાવિત હૃદયનું અદ્ભુત સત્ત્વ કેળવવા અને અંતઃકરણનું અનુપમ સુખ મેળવવા માટે બસ આટલું જ પૂરતું છે. - જિનશાસનની તમામ આરાધના-સાધના-ઉપાસના-અનુષ્ઠાનના અંતે આત્મશીતલતા પ્રગટ થવી જ જોઈએ. આપણામાં થયેલ શીતલતારૂપી ફેરફારની અનુભૂતિ આપણા પરિવારને અને સ્નેહીવર્ગને થવી જ જોઈએ. વિષય અને કષાયોની ગરમીનો અભાવ તેમ જ ઇચ્છાઓ અને બાહ્ય પરિગ્રહમાં મંદતા એ જ આત્મશીતલતા. તપની સાથે ભાવાનુસંધાન કરી આત્માની મૌલિકતા પ્રગટે એ જ તપની યથાર્થ નિષ્પત્તિ છે, ફળ છે, પરિણામ છે. “તપ” નામની દવા કર્મ-નિર્જરા માટે તો આપણે લઈએ છીએ, પણ સાથે સાથે આત્માની તબિયત પણ આપણે અવારનવાર તપાસતા રહેવી જોઈએ. દેહની સાથે સાથે આત્મારામને પણ ચંદન લગાડી ચંદ્રવતું, શીતલ, શાંત, સૌમ્ય અને સમતામય બનાવવાનું લક્ષ્ય આપણે સૌએ રાખવાનું છે.
'साम्यं समस्त धर्माणाम्, सारं ज्ञात्वा ततो बुधः । बाह्यं दृष्टि ग्रहं मुक्त्वा , चित्तं कुरुत निर्मलम् ॥'
- યોગસાર અર્થ : સર્વ ધર્મોનો સાર સમતા છે, એવું જાણીને બુધ જનો (ડાહ્યા માણસો) બાહ્ય દષ્ટિરાગને છોડી દઈને ચિત્ત નિર્મળ બનાવવાના કામે લાગી જાય છે.
'अनुपमतीर्थमिदं स्मर चेतन ! अन्तः स्थितमभिरामम् रे ।
विरतिभाव विशद परिणाम, लभसे सुखमविरामं रे ।' અર્થ : હે ચેતન ! તારી અંદર એક અનુપમ તીર્થ છે, રમણીય છે, તે છે વિરતિભાવનો શ્રેષ્ઠ આવિર્ભાવ!
તું એને યાદ કર. તું અવિરામ નિરંતર સુખ પામીશ.
પત્રાવલિ Jain Education International 2010_03
૩૨૫ For Private & Personal Use Only
શ્રુતસરિતા www.jainelibrary.org