________________
કોઈ ગમે તેવા અપરાધ કરે છતાં મન મોકળું રાખીને ક્ષમા આપે જ રાખવી તે મનની ઉદારતા છે. સ્વસ્થ અને શાંતિપૂર્ણ જીવન માટે, અન્યની ભૂલોને ભૂલી જવાની આ ઉદારતા ખૂબ જ જરૂરી બને છે. ‘ભૂલ’ની વ્યાખ્યા પણ સમજીને યાદ રાખવા જેવી છે-જે ભૂલી જવા યોગ્ય હોય તેનું નામ ભૂલ.’ ભાઈ, ભૂલ તો કોનાથી નથી થતી ? ખુદ તીર્થંકર મહાવીરદેવના આત્માએ પણ મરિચીના ભવમાં કુળનો ગર્વ કરવાની ભયંકર ભૂલ નહોતી કરી ? તે જ ભવમાં પેલા કપિલ નામના કુમાર આગળ (શ્રી ગૌતમ સ્વામીનો જીવ તે કપિલ) ‘ધર્મ અહીંયાં પણ છે' આવી ઉત્સૂત્ર પ્રરૂપણા કરવાની બીજી ભયંકર ભૂલ તેમનાથી નહોતી થઈ ? સુવર્ણમૃગનું ચામડું લેવા દોડવાની શ્રી રામચંદ્રજીએ ભૂલ નહોતી કરી ? સીતાજીને એકલાં મૂકીને ભાઈની મદદે ચાલ્યા જવાની ભૂલ લક્ષ્મણજીએ પણ કાં નહોતી કરી ? લક્ષ્મણજીએ દોરેલી રેખાને ઓળંગી જવાની ભૂલ સીતાજીએ પણ કરી જ હતી ને ! કામલતા ગણિકાને ધનલાભ બતાવી દેવાની ભૂલ મહામુનિ નંદીષેણે પણ કરી હતી જ ને ?
ભાઈ, આપણે સૌ સંસારમાં સબડતા જીવો છીએ, તેથી વીતરાગ નથી; માટે દોષયુક્ત તો આપણે બધા રહેવાના જ. સ્મરણશક્તિના અભાવમાં કદાચ એટલું મોટું નુકસાન નહિ થતું હોય જેટલું અન્યની ભૂલોનું વિસ્મરણ કરવાની શક્તિના અભાવમાં થાય છે. કર્મ પ્રકૃતિથી આ કથન સમજાવું તો, ભાઈ, સ્મરણશક્તિનો અભાવ એ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી હોય છે અને બીજાની ભૂલોને ભૂલી જવાની અક્ષમતા એ મોહનીય કર્મના ઉદય સ્વરૂપ છે, માટે વધુ ઘાતક
છે.
જીવન એક વહેતી સરિતા છે. અનેક પ્રસંગોનો જીવનપ્રવાહ સતત વહી રહ્યો છે. આપણે કિનારે ઊભા રહીને પ્રેક્ષક બની બધું જોયા કરવાનું છે. આ દ્રષ્ટાભાવ છે.
પણ મોટા ભાગે, આપણે આ દ્રષ્ટાભાવ રાખી શકતા નથી. આપણે તો એ પ્રસંગપ્રવાહમાં કૂદી પડીએ છીએ અને તેમાં તણાઈએ છીએ. આપની ધર્મવિષયક આશાતનાની વાતની સત્યતાને નકારી શકાય તેમ નથી. પરંતુ, એક વખત ધ્યાન દોર્યા પછી સંઘના કાર્યકરો તદ્નુસાર વર્તે કે ના વર્તે તેમાં આપણે ‘માધ્યસ્થ ભાવ' કેળવવો જ જોઈએ.
વહેતું લોહી સ્વસ્થતાની નિશાની છે. લોહી વહેલું અટકે અને એક સ્થાને એકઠું થાય તો ગંઠાય છે અને અનેક વ્યાધિઓ જન્મે છે. જીવનના સર્વ પ્રસંગ વહી દેવા જોઈએ, તો જ જીવન સ્વસ્થ રહે. અન્યની ભૂલનો એકાદ પ્રસંગ વહી જવાને બદલે દિલમાં અટકી જાય તો તેમાંથી પૂર્વગ્રહની ગાંઠ બંધાશે, અને તે ગાંઠ વકરતા ‘વૈર’નો મહા વ્યાધિ થશે. પછી ખામેમિ સવ્વજીવે' કેવી રીતે આપણે ખોલી શકીશું ?
બીજાના ગુણો કે ઉપકારોને વિસ્મૃતિની ખાઈમાં ધકેલી દેવા અને બીજાની ભૂલો કે અપરાધો પર પૂર્વગ્રહનું મંદિર રચવાની આપણા સૌની અનાદિની આદત છે. જે દાંતમાં કાંઈ ભરાયું હોય તેના પર જીભ વારંવાર ફર્યા કરે છે, પણ બાકીના દાંતના તો અસ્તિત્વની નોંધ પણ જીભ લેતી નથી.
આપણા સંઘપતિના રત્નત્રયી આરાધનાના અપૂર્વ ગુણોની અપાર અનુમોદના કરશો, અને ક્ષમાની સિદ્ધિ માટે ચાર અંગો (પુરુષાર્થ, સતત પુરુષાર્થ, સખત પુરુષાર્થ અને ધીરજ)નો પરિપૂર્ણ અભ્યાસનો પ્રારંભ કરવાની આપને મારી ખાસ ભલામણ છે.
જ્ઞાની ભગવંતો કહે છે :
પત્રાવલિ
Jain Education International 2010_03
૪૦૯
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org