________________ 20 પ્રાચીન સ્તર-૪ : આ થર કુદરતી મોટી અને કાંપનું બનેલું છે. જેમાં ઉત્તરના 2/3 ભાગમાં પીળી મટોડી અને કંકર જોવા મળે છે અને દક્ષિણના 1/3 ભાગે કાળી ચીકણી માટી છે. અતિરિક્ત ઉત્તરિય અડધાભાગમાં 18 સે.મી. X 1 મી.નો લાંબો પટો અને મધ્યે ઇંટના ટુકડાનો જડાયેલો શેષ અવશેષ જોવા મળે છે. થર-૪ ભરતીના પાણીના લેવલથી નીચે સુધી જાય છે. વળી એ કુદરતી માટી (Natural Soil)નું થર છે. આથી જ હવે વધુ ખનનકાર્યની જરૂર રહેતી ન હોવાથી એ બંધ કરવામાં આવ્યું. અર્થઘટન અને નિષ્કર્ષ એમ લાગે છે કે આ સ્થળે વસાહતીઓ શરૂઆતના ઐતિહાસિકકાલે (Early Historic Period)માં આવ્યાં હતાં. અહીં જ વસવાટનું આકર્ષણ શું? સ્થળ પસંદગીનું કારણ શું? જેના પ્રત્યુત્તરો જોઈએ. પ્રથમ તો આ અંગે પરિસર (Environment) જ યોગ્ય કારણ હોવું જોઈએ. આ ઉપરાન્ત નર્મદા જેવી મોટી સરિતા આકર્ષણ હોય. કારણ નદી સાન્નિધ્યને લીધે દક્ષિણે ઉત્તમ કહી શકાય એવી ફળદ્રુપ ખેતી માટેની જમીન મળી. અફાટ સાગર જેવી નદીથી મત્સ્યોદ્યોગનો વિકાસ સંભવીત હતો. વળી વહેપારી નાવીકો માટે દરિયાનું ખેડાણ દરિયાપારના દેશો અર્થે સંપર્ક-વ્યાપારનું આદર્શકેન્દ્ર હતું. જે નીચેની વિગતોથી સ્પષ્ટ થાય છે. વિસોદથી લાલ ચળકતાં વાસણો (R.P.W) મળ્યાં. જે પશ્ચિમનો રોમન જગત સાથેનો વ્યાપારિક સંબંધ બતાવે છે. તો પૂર્વીય ચીનદેશના મીંગવંશના રાજય સાથેના વાસણો તત્કાલના એ દેશ સાથેના બહોળા વ્યાપારના સૂચક છે. અહીં મણકો બનાવવાનો ઉદ્યોગ પણ ફૂલ્યોફાલ્યો હતો. વસાહતીઓ પકવેલી માટી (Teracotta)ના વાસણો બનાવવામાં ખૂબ માહેર હતાં. એક અર્ધઘડાયેલ પોલો, વક્રી તૂટેલો શેષ ઓપવાળો છે. (Glaze ware) જે ઓપવાળા વાસણ ઉદ્યોગ કે કાચ બનાવટ (Glass Industry) ઉદ્યોગ હોવાનું સૂચવે છે. એક અન્ય લાક્ષણિક મૃત્પાત્ર નમૂનો પણ રસપ્રદ છે. જેની બહારની બાજુ સુંદર ચળકાટવાળી છે અને અંદરથી તપાસતાં અત્યંત સુરેખ પોત જણાયું છે. આ તમામ વિગતોથી લાગે છે કે પકવેલી માટીના વાસણો, ઓપવાળા માટીના વાસણો, મણકા, કાચ ઉદ્યોગ અને કલા કારીગરી તમામ વિસોદમાં સુપરે વિકસેલા હોવાનું ઉજાગર થાય છે. વળી ખોદકામમાંથી તૂટેલી શંખની બંગડીઓના કકડા પ્રાપ્ત થયાં છે. જે તત્કાલીન દૂરદૂરના દરિયાપારના દેશો અંતર્ગત આવેલા ઉત્પાદન કેન્દ્રો સાથેના સંબંધ અને સંપર્ક તો બતાવે છે જ. પણ આપણા વ્યાપારિક અને સાંસ્કૃતિક વ્યવહારો સાથે સાથે ઉજાગર કરે છે. અન્તમાં બે અગત્યની વસ્તુઓનો ઉલ્લેખ પણ જરૂરી છે.