________________ 24 પ્રાચીન શામળાજી ગણેશ અંગે વિચારીએ તે પહેલાં સારાંશરૂપે શામળાજી શિલ્પ સમૂહની વિગતો જોઈએ. તત્કાલીન ઇડર સંસ્થાનના શામળાજી-ટીંટોઈ આસપાસના વિસ્તારોમાંથી અગાઉ ક્ષત્રપ, ગુપ્ત અને અનુગુપ્તકાલીન પારેવા પથ્થરની પ્રતિમાઓ પ્રાપ્ત થઈ હતી. જે હિંમતનગર મ્યુઝિયમમાં સુરક્ષિત હતી. ઇ.સ.૧૯૫૩માં નાણાંને અભાવે આ મ્યુઝિયમ બંધ થતાં, આ અમૂલ્ય શિલ્પસંગ્રહ બરોડા સંગ્રહાલય અને ચિત્રાલય, વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો.૨૩ જ્યાં આજે એ રક્ષિત છે. શામળાજી, અકોટા અને દેવની મોરીના મૃણમય શિલ્પો ભારતીય કલાક્ષેત્રે આગવું સ્થાન તો ધરાવે છે પણ આંતરરાષ્ટ્રીય કલા-ફલકે પણ એ ભારતના ગૌરવન્વિત વારસારૂપ ગણાય છે. જે ઉમાકાન્ત શાહ અને રમણલાલ મહેતાના વિશિષ્ટ અધ્યયનને કારણે શક્ય બન્યું છે. આ અતિરિક્ત શામળાજીના શિલ્પોની શાસ્ત્રીય ચર્ચા ગોએન્સ, સાંકળિયા, મજમુદાર, ઢાંકી, સૂર્યકાન્ત ચૌધરી અને રવિ હજરનીસે કરેલી છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ અવારનવાર અન્યો દ્વારા વિવેચના થતી રહે છે. 24 જેમકે સારા લી એ કરેલું શામળાજીના શિલ્પો પરનું કામ. પ્રસ્તુત ગણેશ કુષાણ-ક્ષત્રપ પરિપાટીની પરંપરામાં ઘડાયેલાં છે. જે લલિત ત્રિભંગે ઉભા સ્વરૂપે પરિપુષ્ટ ઉદર અને સ્ટેજ સ્થળ પણ આકર્ષક દેહયષ્ટિવાળા લાગે છે. એમના ગજશીર્ષ મણીબંધનું સુરેખ મસ્તકાભરણ શોભી રહ્યું છે. જેના બેય તરફના ચમરીયુક્ત છેડાઓ લટકણીયાની જેમ લંબહસ્તીકણે ઝુલતા મનોહર લાગે છે. બે ચપળ નયનો અને કપોલે ત્રિનેત્ર છે. સૂંઢ ડાબી તરફ જઈને કલાત્મક રીતે વચ્ચેથી વાળી ઉર્ધ્વ તરફ સરકતી બતાવી છે. દેવે અન્ય આભૂષણોમાં કંક્યહાર અને ઘંટીકામાલા ધારણ કરેલાં છે તેમજ નાગ ઉપવીત અને દેવપાદે સિંહમુખયુક્ત ઝાંઝર ગ્રહેલાં છે. 25 (જુઓઃ ચિત્ર-૯) સર્પ ઉપવીતનો આગળનો નાગમુખ ભાગ ઊંચીફેણથી જોતો દેવના જમણા સ્કંધ પાસે દેખાય છે. દેવના બેય બાહુ કોણીથી આગળ ખંડિત છે. આથી ગ્રહેલાં આયુધો અંગે જાણી શકાય નહીં. ડાબી ભુજાના તૂટેલાં છતાં શેષભાગથી એ ઢીંગણા ગણ જેવાં ભાસતાં અનુચરના સ્કંધ અને શીર્ષભાગ આગળ આકર્ષક રીતે ટેકવેલો હશે એ સમજી શકાય છે. આ ઠીંગણો સેવક નગ્ન તો છે. પણ એના શરીરનો છાતીથી પરિપૃષ્ટ ઉદરનો ઉપલો કેટલોક ભાગ તૂટેલો છે. આ જ રીતે એનો જમણો પગ ઘૂંટણથી ખંડિત લાગે છે. દુંદાળા દેવના ખંડિત બાહુના બચેલા શેષભાગે સુંદર સ્કાર્ફ અને એના બેય તરફના લટકતા ઝીઝેક-ગોમૂત્રિક ઘાટના છેડાઓ સુરેખ છે. પરિધાન કરેલી ટૂંકી ધોતીના પાટલીનો છેડો પણ ઝૂલતો ગોમૂત્રિક ઘાટનો છે. ધોતીવસ્ત્ર પરની-વલ્લીઓ (folds) અને ગોમૂત્રિકઘાટના છેડાઓ વગેરે તત્કાલના ક્ષત્રપ-ગુપ્તકાલમાં સામાન્ય છે. દેવ મસ્તક પાછળનું ગોળ ભા-મંડલ તત્કાલીન અને અનુકાલીન શિલ્પોમાં સામાન્ય છે. શિલ્પ બેઠક (pedestal) પર કંડારેલું સ્પષ્ટ છે. (જુઓ: ચિત્ર-૯) આગળ જોઈ ગયાં એ મુજબ ડૉ. ધવલીકરે સાકરધાર-કાબૂલ, અફઘાનીસ્તાનના ગણેશ ચોથા શતકના હોવાનું જણાવેલું હતું. પરન્તુ સાકરધાર ગણેશ ચોથા સૈકાના શરૂઆતના મધ્યના કે અંતભાગના સમયાંકનના છે ? આ બાબત તેઓએ જણાવી નથી. શામળાજીના દ્વિબાહુ ગણેશ ચોથી શતાબ્દીના અંત ભાગે મૂકી શકાય અને આથી હાલ અન્ય પુરાવાઓના અભાવે તમામ જ્ઞાત ગણેશ પ્રાચીન પ્રતિમાઓ પૈકીની એક ગણવામાં હરકત નથી અને હાલ તો ગુજરાતમાં શામળાજીના દ્વિબાહુ