________________ 15. વૃષભ-નંદી, સાહિત્ય અને કલામાં (ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં) મધ્યપૂર્વના દેશોમાં પ્રાગૂ-ઐતિહાસિકયુગે વૃષભપૂજા પ્રચલિત હતી. વિશ્વનાં ઘણે સ્થળે એના અસ્તિત્વના પ્રમાણો મળેલાં છે. અસીરીયનકલામાં પાંખાળા બળદનું નિર્માણ થયું. પાંખો દેવત્વની સૂચક હતી. પ્રાચીન મિસરના (ઇજિપ્ત) સીરીસ દેવનો અવતાર એપીસવૃષ ગણાતો. પ્રાગૈતિહાસિક આફ્રીકનકલામાં વૃષભને સૂર્યની ઓળખ મળી ચૂકી હતી. આ પારંપારિક માન્યતા મિસરની કલામાં વૃષના બે શૃંગ વચ્ચે સૂર્યનો ગોળાકાર બતાવવાની રીતે ચાલુ રહ્યાનું જોવા મળે છે. પ્રાચીન, મધ્ય અને આજસુધી વૃષભનું સામર્થ્ય એના શિંગડામાં સમાયેલું હોવાની માન્યતા છે અને આ કારણે જ વૃષશૃંગ બલાઢયત્વ અને સામર્થ્યનું પ્રતીક ગણાય છે. ક્રીટન લોકો શિંગડામાં સામર્થ્ય સાથે ફળદ્રુપતા પણ સમાયેલી હોવાનું માને છે. વિશ્વના આધાર સૂર્યને વૃષપ્રકાશ તરીકે બેબીલોનીયન લોકો ઓળખે છે.* તામ્રાશ્મકાલમાં (chalcolithic Period) વૃષભપંથ - Cult of Bull નું અસ્તિત્વ સિંધ, પંજાબ, બલુચીસ્તાન અને ગુજરાતમાં હોવાના એંધાણ મળ્યાં છે. હડપ્પન અને અન્ય તામ્રાશ્મયુગીન વસાહતોમાંથી પ્રાપ્ત મુદ્રાઓ પર મોટી સંખ્યામાં આખલો અંકીત કરેલો છે. ગુજરાતની પ્રાગૈતિહાસિક શૈલચિત્રકલામાં ભારતના અન્ય ભાગની જેમ આખા લાલરંગ ભરેલાં (Red washed) પશુચિત્રો મળેલાં છે. આ અંતર્ગત આ લેખકે શોધેલાં સાબરકાંઠાના ચિત્રો પૈકી સાપાવાડાના ગુફા નં.૩માં અન્ય પશુ અને પ્રતીક ચિહ્નો સમીપે એક બાયસન-જંગલી વૃષનો દેહ કાઢેલો છે. જેના ડાબા શિંગડા પર સૂર્યનો ગોળાકાર બતાવ્યો છે. ગુજરાતના આ અદ્દભૂત પ્રસ્તર ચિત્ર સરખુ મિસરને બાદ કરતા દુનિયાના કોઈ ગુફાચિત્રોમાં મળ્યાંનું જાણમાં નથી. શું? મિસરની જેમ આફ્રીકન કલાની વૃષ-સૂર્યની કલ્પના સાંપાવાડામાં સાકાર થઈ છે કે જે વૃષભપંથનો ચિત્ર નિર્દેશ કરે છે. આજ ગુફામાંથી લેખકને અલ્પમાત્રામાં લઘુઅશ્મ ઓજારો (microliths) જડ્યાં હતાં. (જુઓ ચિત્ર-૧). હડપ્પા સભ્યતા પહેલાંની તામ્રાશ્મયુગીન બલુચિસ્તાનના ઉત્તર-દક્ષિણની ઝેબ અને કુલ્લી સંસ્કૃતિઓ અનેરી મહત્ત્વની ગણાય છે. કૃષિ આધારીત બેય સંસ્કૃતિઓ એમની ઉત્તરઅવસ્થામાં સિંધુસભ્યતામાં લય પામી. અને આથી જ ઝેબ-કુલ્લીની અસર હડપ્પા સભ્યતા પર પડી. સમગ્ર વિશ્વને પહેલવહેલા સુઘાટ્યકલા (plastic art)ના દર્શન ઝેબ અને કુલ્લીની કલામાં જોવા મળ્યાં. અને સુઘાટ્યકલાનો સંપૂર્ણ વિકાસ આવનાર હડપ્પીયકલામાં જોવા મળ્યો.