________________ 72 પ્રાચીના ખૂંધવાળા અને ખૂધ વગરના ઝેબૂ આખલા અને કુલ્લીની વૃષભકૃતિઓજ હડપ્પીય ગોધા(ox)ના નિઃસંશય મોડેલ હતાં. જે આધારે જ સિંધુકલામાં પણ બે પ્રકારે ગોધાનું સર્જન થયું. આ અંતર્ગત પ્રથમ પ્રકારે કદાવર બ્રહ્માણી આખલા અને બીજા યુવાનવયના દેખાતા ગોધા. બ્રહ્માણી આખલા એમની મોટી આગળ આવતી ખાંધ અને લાંબા, ઉર્ધ્વ જઈ અંતે ગોળ વળેલા શીંગડા તેમજ કદાવર દેખાવ માટે જાણીતા હતાં. આ અતિરિક્ત ડોક નીચેની ગોદડી અને એ પરની પડતી કરચલીઓ વાસ્તવદર્શી છે. જ્યારે બીજા પ્રકારે ઘડાયેલા વૃષભ કિશોરવયના દેખાતા હોઈ એ ખૂંધ વગરના છે. એના ટૂંકા કાન અને નાના શીંગડા પણ યુવાવયનો નિર્દેશ કરે છે. એમનો એકંદરે દેખાવ જુસ્સાપૂર્ણ, તરવરાટવાળો, જાણે કે હમણાં જ ગોથુ મારે એવા કંડારાયેલા છે. આ અતિરિક્ત બળદ આકૃતિ વિપુલ પ્રમાણમાં હડપ્પન મુદ્રાઓ પર કાઢેલી છે. રમકડાં જેવા પુરાવશેષો પણ વૃષભકૃતિઓ વાળા જોવા મળે છે. તત્કાલે સિંધ, બલુચિસ્તાન, પંજાબ, ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી વૃષભપંથ (cult of Bull)ના નિર્દેશ મળેલાં છે. ઋગ્વદમાં ઇન્દ્રને વારંવાર વૃષભ કહેવામાં આવ્યો છે. તો ક્યારેક અગ્નિ અને પ્રસંગોપાત દસ્યુસ અને અન્ય દેવો માટે પણ વૃષભ સંબોધન છે. ઋગ્વદમાં વૃષભ વિશેષણ રૂદ્ર માટે પણ વપરાયું છે. એક વેદિક યજ્ઞમાં તો વૃષભને રૂદ્ર પ્રતિનિધિના સ્થાને ગણવામાં આવ્યો છે. વળી અર્થવવેદ અને સપ્તપદ બ્રાહ્મણમાં વૃષભને ઇન્દ્રરૂપ ગણવામાં આવ્યો છે. આ તમામ વિવેચનાથી સ્પષ્ટ થાય છે, કે વૃષભ શબ્દપ્રયોગ રૂદ્ર અતિરિક્ત ઇન્દ્ર, અગ્નિ, દસ્યુસ અને અન્ય દેવો માટે પણ વાપરવામાં આવ્યો છે. ઉપરોક્ત તમામ અસમંજસતાનો અંત અનુવેદકાલે (Post Vedic Period) આવી જાય છે. એટલું જ નહીં આ કાલે શિવ અને વૃષભનો અરસપરસનો સંબંધ પ્રસ્થાપિત થઈ ચુક્યો છે. મહાકાવ્યો અને પુરાણોમાં મળતા વર્ણનોનુસાર વૃષભ શિવવાહન નન્દી છે. એનો અર્થ એ થાય છે કે આ સમય સુધીમાં વૃષભે શિવવાહન નન્દી તરીકે શૈવ પરિવારમાં પોતાનું આગવું સ્થાન, મતલબ કે શિવગણોના પ્રમુખ તેમજ મુખ્ય શિવસેવક તરીકે મેળવી લીધું હતું. એટલું જ નહીં, હવે એમને નન્દીન, નન્દીકેશ્વર, કે અધિકાર નન્દી જેવા નામાભિધાન પણ મળી ચુક્યાં હતાં. આ તમામ નામ સ્વરૂપોના વૃત્તાંતો મળે છે. લિંગપુરાણ, વિષ્ણુધર્મોત્તર, શિવમહાપુરાણ, ભાગવતપુરાણ અને રામાયણના વર્ણનોનુસાર નન્દીકેશ્વરને શિવસરખા (Anthropomorphic Form) કે પછી વૃષભમુખ-નન્દીમુખ માનવ (Therio-Anthropomorphic Form) જેવા દર્શાવવા ના જોઈએ પણ નન્દીને સંપૂર્ણ પ્રાણીસ્વરૂપે (Theriopomorphic Form)માં જ બતાવવાનો આદેશ છે અને આ નન્દી સ્વરૂપનું વર્ણન આ ઉક્ત સાહિત્યમાંથી મળી રહે છે. એટલું જ નહીં ધાર્મિક ગ્રંથો અતિરિક્ત સાહિત્યમાં પણ વિગતો મળી રહે છે. કુમારસંભવમાં કાલિદાસ અનુસાર શિવના તથાકથિત કૈલાસ સ્થાનકના પ્રવેશ આગળનો ક્ષેત્રરક્ષક અને સંત્રી નદી છે. આથી બધાને શાંતિ જાળવવાના સૂચન અર્થે એ જમણાકરની અંગુલી સ્વમુખે રાખે છે અને કોણીથી વાળેલા વામ બાહુમાં સોનાનો દંડૂકો પણ રાખે છે. રામાયણની વિગતો