________________ 16. નવલખા મંદિર - ઘુમલી ભાતીગળ સૌરાષ્ટ્ર ભોમકાના પારંપારિક રંગોત્સવની તાજગી તરણેતર અને અન્યત્રના લોકમેળામાં સુપેરે વરતાય છે. આ ભૂમિ પુરાતત્ત્વની તો ખાણ છે. માનવનો પ્રાગિતિહાસ આદ્યઐતિહાસ, ઐતિહાસિકયુગ તેમજ આધુનિક સ્વતંત્રતા અને પછીનો ઇતિહાસ અહીં ભર્યો પડ્યો છે. શિલ્પ, સ્થાપત્ય અને પાળિયા મુક પણે તત્કાલની કથની કહી જાય છે. ઉપરોક્ત પૈકી અહીં પ્રાસાદ સ્થાપત્યમાં શિરમોર સમા નવલખા મંદિર-ઘુમલીનો પરિચય આપવાનો પ્રયાસ કર્યો છે. નવલખા મંદિરો ઘુમલી સિવાય, સૌરાષ્ટ્રમાં સેજકપુર અને આણંદપુરમાં પણ જોવા મળે છે. ઘુમલી જામનગર જિલ્લાના ભાણવડ તાલુકામાં ભાણવડથી સાત કિલોમીટર દૂર બરડાના ડુંગરાળ વિસ્તારમાં આવેલું છે. સ્થળનામ જોતાં ભૂમિલિકા, ભૂતામ્બિલિકા, ભૂભૂતપલ્લી, ભૂતની આંબલી અને અંતે ભૂમલી તેમજ અપભ્રંશે આજે એ ઘુમલી કહેવાતું હોય મૂળે તો એ સેન્ડવકાલનું નગર-રાજધાની હોવાનું નિશ્ચિતપણે માનવામાં આવે છે. એક વખતનું માનવપ્રવૃત્તિથી ધબકતું પાટનગર આજે તો ખંડિત શેષ બચેલા સ્થાપત્ય અને શિલ્પોથી અતીતના નિબિડ ખંડેરસમુ ભાસે છે. બરડા ડુંગરના બે શિખરો વેણુ અને આભપરો નામે ઓળખાય છે. જે લોકવાયકા અને કિવંદતીઓમાં સ્થાન પામ્યા છે. બરડો ડુંગર વૈદિક વનસ્પતિ માટે વિખ્યાત છે. ઘુમલીના પ્રાચીન શિવાલયને લોકો નવલખા મંદિર તરીકે ઓળખે છે. એના બાંધકામના રૂપસ્થાપત્ય ખર્ચાયેલા અઢળક ધનને કારણે એ નવલખા કહેવાયું. જેને માટે નવલાખ વપરાય એ નવલખો પ્રાસાદ એ અર્થ એમાં અભિપ્રેત લાગે છે. સ્થાપત્યની દૃષ્ટિએ જોઈએ તો એ પંચાંગી ભવ્ય સાંધાર પ્રકારનું દેવાલય છે. જેના પ્રદક્ષિણાપથે ત્રણ બાજુએ બે ફૂટ નિર્ગમિત એક એક ઝરુખાની રચના કરેલી છે. મંદિરની વિશિષ્ટતા તો એની વિસ્તૃત જગતીને કારણે છે. સોલંકીકાલીન તમામ મંદિરો કરતા એ ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈમાં વિશાળ છે. ચોતરફની વેદિકા કે પ્રાકાર કાળની ગર્તમાં નષ્ટ થયેલાં છે. જગતીની સોપાનશ્રેણી આગળની બે સ્તંભકુંભીના શેષ બચેલાં અવશેષો દેવાલય સન્મુખના કીર્તિતોરણની અટકળ તો કરી જ જાય છે. જગતની ઉભણીમાં ચોતરફ ગવાક્ષ કંડાર્યા છે. જેમાં દિપાલાદિ શિલ્પો છે. મૂલપ્રાસાદની રચના મોઢેરા તથા સોમનાથના દેવાલયો જેવી છે. જ્યારે શિખર મોઢેરા અને સૂણકના મંદિરોને મળતું આવે છે. બે માળની પ્રવેશ ચોકી કે શૃંગારચોકી પૈકી પૂર્વની નષ્ટ થઈ છે. મંડપ કરોટકનો કેટલોક