________________ 8. બે દેવી શિલ્પ મસ્તકો ગુજરાત રાજ્ય પુરાતત્ત્વખાતાની સર્વેક્ષણ યોજના હેઠળ શોધાયેલા અને હાલ ખાતાના સંગ્રહમાં સુરક્ષિત એવા વેલુકા પાષાણના બે દેવી શિલ્પના ખંડિત પણ મનોહર શીર્ષભાગ પ્રસ્તુત છે.' 1. દેવી શીર્ષ-સુલતાનપુર : બનાસકાંઠા જિલ્લાના રાધનપુર તાલુકાના સુલતાનપુર ગામે દેવનોગઢ કે ઝારોળાગઢથી ઓળખાતા ટીંબા પરથી આ ખંડિત મસ્તક મળ્યું હતું. જેનું માપ 025 x 017 સે.મી. છે. આ મસ્તક વગર શિલ્પના અન્ય કોઈ ભાગ મળેલા નથી, જેથી આ પ્રતિમા કોની છે, એ કહેવું મુશ્કેલ છે. મસ્તક ઘસાયેલું છે. શીર્ષ પર ધારણ કરેલ મુકુટ પરનું ગ્રાસમુખ અંકન અગત્યનું છે. પશ્ચિમ ભારતમાં તત્કાલે અગીયારમી શતાબ્દીમાં મુકુટ પર અને કેટલીક વાર પટ્ટા પર ગ્રાસમુખ અંકન જાણીતું હતું. પ્રસ્તુત શિલ્પખંડ મસ્તક પરની ગ્રાસમુખ આકૃતિને વડોદરાની તબીબી કોલેજના મકાનનો પાયો ખોદતાં પ્રાંગણમાંથી મળેલ નવમા શતકની સૂર્યપ્રતિમાના મુકુટ પરના આવા સુશોભન-અંકન સાથે સરખાવી શકાય છે. જો કે વડોદરાની પ્રતિમાના અંકન કરતાં સુલતાનપુરના શિલ્પનું ગ્રાસમુખ અંકન કંઈક વહેલાંના સમયનું છે. કપોલ પર બે સરી મોતીમાળાની પટ્ટિકા અને એના બેય છેડા છૂટા રાખેલા છેડાથી શિલ્પની મોહકતામાં ઉમેરો થાય છે. જમણી તરફનો થોડોક કર્ણભાગ બટકેલો દેખાય છે. તો ડાબી તરફના કર્ણ ગોળ કુંડળ ધારણ કરેલાં છે. ચહેરો લંબગોળ અને ભરેલા ગાલવાળો છે. નયનો, નાસિકા અને મુખભાગ ઘસાયેલો હોવા છતાં, મુખમંડળ પર અજબ માવ, નજાકત અને દેવત્વવાળી પ્રસન્ન તેજસ્વીતા દેખાય છે. કંઠભાગે ત્રિવલ્લી છે. જે સામાન્યરીતે દેવી-દેવતાઓની પ્રતિમાઓમાં બતાવવામાં આવે છે. ચહેરા પરની કોમળ દેવી આભા, કપોલ પરની મોતી પટ્ટિકાનું આભરણ અને મુકુટભાત જોતાં એ નિઃસંશય કોઈ દેવી મસ્તક હોવું જોઈએ. રાજસ્થાનના નાગાઉર જિલ્લાના છોટીખાટુ ગામની વાવની ભીત્તીમાં જડેલાં કેટલાંક પ્રતીહાર શૈલીના શિલ્પો ડૉ.રત્નચંદ્ર અગ્રવાલે પ્રકાશિત કરેલાં હતાં. આ શિલ્પો પૈકી એક ત્રિભંગે સ્થિત સ્ત્રીમૂર્તિના ચહેરા સાથે ઝારોળાગઢના દેવીશિરને સહેજે સરખાવી શકાય છે. આપણા શીર્ષ શિલ્પનું કપોલ, અલંકારો અને ભાવપૂર્ણ મુખ પ્રતીહારકલાનું સૂચક છે. તત્કાલ ગુજરાત અને રાજસ્થાનનો રાજકીય અને સાંસ્કૃતિક સંબંધ એકમરૂપ હતો. વળી આનર્ત-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પરનું પ્રતીહારોનું અધિપત્ય ઇતિહાસમાં જાણીતું છે.