________________ 10. શરૂઆતના ખ્રિસ્તકાલથી નોર્મનકાલ સુધીનું યુરોપિયન ચર્ચ-સ્થાપત્ય યુરોપના ચર્ચ-સ્થાપત્યનો વિષય વિસ્તૃત અને ગહન છે. આપણે ત્યાં એની પ્રમાણમાં ઓછી માહિતી ઉપલબ્ધ છે. પ્રસ્તુત લેખમાં શરૂઆતના ખ્રિસ્તકાલથી લઈ નોર્મન સમય સુધીના યુરોપના ચર્ચસ્થાપત્યનો સંક્ષિપ્તમાં અવલોકન કરવાનો પ્રયાસ કર્યો છે. ગ્રીક સંસ્કૃતિનો ઉદય ઇશુ પૂર્વ 1500 આસપાસ યુરોપખંડના અગ્નિ દિશામાં આવેલા નાના દ્વિીપો જેને ગ્રિશિયા કે ગ્રીસ કહેતા ત્યાં થયો હતો. યુરોપિયનકલા, તત્ત્વજ્ઞાન અને રાજ્યપદ્ધતિ વગેરે અનેક બાબતોનું મૂળ સ્ત્રોત્ર ગ્રીક સંસ્કૃતિ છે. ગ્રીક પ્રજા પોતાની ભૂમીને ‘હેલાસ' કહે છે. આથી સંસ્કૃતિને હેલનિક સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. ભારત પર પણ હેલનિક કલાપ્રભાવ હતો. ગાંધારશૈલી એનું આગવું ઉદાહરણ છે. ઇશુ પૂર્વેની પહેલી શતાબ્દીમાં રોમના જુલિયસ સીઝરે ગ્રીસ, મિસર(ઇજિપ્ત) અને ગોલ (દક્ષિણ ફ્રાન્સ)ના દેશો જીતીને રોમન પ્રજાસત્તાકને રોમન સામ્રાજ્યમાં પલટી નાખ્યું. આમ તત્કાલીન રોમન સામ્રાજય વિશ્વનું વિશાળ સામ્રાજય બની ચુક્યું હતું. ઇતિહાસમાં રોમનોની વીરતા, નિપુણતા, કલાના અજોડ વારસાવાળા ભવ્ય સામ્રાજયને “ગ્રેટ રોમન્સ' કહેવામાં આવે છે. કાલાન્તરે ઇસ્વીસન 450 આસપાસ હૂણ, ગોપ વગેરેના આક્રમણથી પશ્ચિમી રોમન સામ્રાજ્યનો અંત આવતા પૂર્વીય રોમન સામ્રાજ્યનો ઉદય થયો.ઇ.સ.૩૩૦માં રોમન સમ્રાટ કૉન્સ્ટન્ટાઈને પૂર્વના બાયઝેન્ટિયમના કૉસ્ટેન્ટિનોપલ શહેરને રોમન સામ્રાજ્યની દ્વિતીય રાજધાનીનો દરજ્જો આપેલો હતો જ. આ પછી કૉન્સેન્ટિનોપલનું રાજય બાયઝેન્ટાઈન કે પૂર્વીય રોમન સામ્રાજ્ય તરીકે ઓળખાવા લાગ્યું હતું. પ્રાચીન ગ્રીક અને મધ્યયુગીન પીરસ્ય સંસ્કૃતિના સમન્વયથી એક આગવી સંસ્કૃતિનો આ સામ્રાજયમાં ઉદય અને વિકાસ થયો. નવમી શતાબ્દીમાં બાયઝેન્ટાઈન સંસ્કૃતિકલા સર્વોચ્ચ શિખરે હતી. પરંતુ દસમા સૈકામાં તેનો હ્રાસ શરૂ થયો અને ઈ.સ. ૧૪૫૩માં ઓટોમન તૂર્કોએ કૉન્સેન્ટિનોપલ જીતી લેતા બાયઝેન્ટાઈન સામ્રાજ્યનો અંત આવ્યો. આ કૉન્સેન્ટિનોપલ શહેર એટલે આજનું ઇસ્તંબુલ શહેર. - રોમનકલાનાં શિલ્પ-સ્થાપત્ય ગ્રીકકલાની પ્રબળ અસર હેઠળ વિકાસ પામ્યાં હતાં. તેમ છતાં રોમનોએ પોતાની સૂઝબૂઝથી કેટલીક નવીન બાબતોનો રોમનકલામાં ઉમેરો કર્યો હતો. રોમનોએ ઘુમ્મટ અને કોતરકામનાં થોડાં નવીન લક્ષણો સમાવિષ્ટ કર્યા. “રોમન કોલોઝિયમ' (સ્ટેડિયમ) હજારો પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતાવાળાં રોમને સ્થાપત્યકલાના સર્વોત્તમ નમૂના છે.