________________ 13. મધ્ય અને અનુમધ્યકાલીન ગુજરાતનાં ભીંતચિત્રો પ્રારંભિક મૃભાંડો પર આલેખાયેલાં હડપ્પાકાલીન ચિત્રોથી ચિત્રકલાની શરૂઆત ગણાતી હતી. આ તર્ક કે કલ્પનામાં, ક્રાન્તિકારી બદલાવ 1975 આસપાસની સાબરકાંઠાના શૈલચિત્રોની શોધથી આવ્યો.૨ પછી તો આ સીમાચિહ્નરૂપે શોધને આનુષંગીક સર્વેક્ષણ-ખોજ અભિયાનનો સિલસિલો આગળ વધતો જ રહ્યો. પરિણામરૂપ તરસંગ(પંચમહાલ), ચમારડી (ભાવનગર જિલ્લો), છોટા-ઉદેપુર તેજગઢ વિસ્તારમાં તેમજ પાવી-જેતપુરક્ષેત્ર માં(વડોદરા જિલ્લો) વધુ ચિત્રીત શૈલાશ્રયો મળી આવ્યાં. જે અંતર્ગત પ્રાગૈતિહાસિકયુગથી લઈ ખડકચિત્રોની પરંપરા છેક ૧૯મી શતાબ્દી સુધીની મળી આવી. ઉપલબ્ધ નવીન પ્રમાણોથી ચિત્રકલાનો પ્રારંભ હવે પ્રાગૈતિહાસિકયુગથી શરૂઆત થઈ હોવાનું સર્વત્ર સ્વીકૃત થયું. શૈલાશ્રયચિત્રો ભીંતચિત્રોનો જ એક પ્રકાર છે. જો કે ખડક-કલા (Rock Art)ની અને તેમાયે ગુજરાતના શૈલચિત્રોની પર્યાપ્ત ચર્ચા અગાઉ થઈ છે. આથી ફરીને પુનરુક્તિ કરી નથી. ભીતચિત્ર અતિરિક્ત ચિત્રકલાના અન્ય પ્રકારોમાં ચિત્રપટ, ચિત્રફલક અને ગ્રંથસ્થ લઘુચિત્રો વગેરે મુખત્વે છે. પરંતુ લેખ ભીંતચિત્રો પરંપરા અંગેનો હોવાથી અન્ય ચિત્રકલાના પ્રકારોની ચર્ચા અત્રે અસ્થાને છે. ભીંતચિત્રો પરંપરાએ કથાકથન નિરૂપણનો અર્થપૂર્ણ ઉપયોગ અજંતાથી શરૂ થયો. અંજતાના ઓજસ ગુજરાતના મૈત્રકકલાના નિર્દેશ આપતાં તત્કાલીન સમયના એટલે ઇસ્વીસનના સાતમા શતકના અંતભાગના બાધચિત્રોમાં દેખાય છે. ગુજરાતના સીમાડે અને હાલના મધ્યપ્રદેશના બાધગામે ડુંગર પર આ ગુફાચિત્રો જોવા મળે છે. ત્યારબાદ આટલા ઉચ્ચકોટીના અંજતા બાધ સરખા ચિત્રાવશેષો જોવા મળતાં નથી છતાં સાહિત્યિક ઉલ્લેખો પ્રાચીન છે. સાહિત્યમાં પ્રાપ્ત વિગતો : ભરત નાટ્યશાસ્ત્રમાં પ્રેક્ષાગૃહ ભીંતો શૃંગારીક સૌંદર્યપૂર્ણ ચિત્રોથી સજાવવાનું સૂચન કરેલું છે. તો રામાયણ-મહાભારત અને પુરાણકાલે વર્ણિત નગરોના રાજગૃહો, ઉમરાવ હવેલીઓ-મકાનો ભીંતચિત્રોવાળા હોવાનું કહ્યું છે. આથી આગળ જઈ તત્કાલની નાટ્યનાટિકાઓમાં મહેલ પરિસરે ચિત્રશાલા હોવાનું કહે છે. ચતુર્ભાણી ભાણસંગ્રહમાં તો લાટના ચિત્રકારો-ચિતારાઓ અહીંતહીં કુચડા લઈ લોકોના મકાનની ભીંત ચિત્રીત કરતા હોવાનો ભંગ થયો છે.