________________ 11. મોઢેરાના મહાગૂર્જર શૈલીના શિલ્પખંડો ડૉ.ગૌદાની અને શ્રી મધુસૂદન ઢાંકીએ સ્વાધ્યાય પુસ્તક-૧૦, અંક-૨ ફેબ્રુઆરી ૧૯૭૩નાં અંકમાં ગુજરાતની કેટલીક નવી શોધાયેલી મૈત્રક, મહાગૂર્જર અને આદ્ય સોલંકીકાલીન પ્રતિમાઓ નામનો લેખ પ્રસિદ્ધ કરેલો હતો. જે અંતર્ગત પૃષ્ઠ.૨૦૪ થી 206 પર મોઢેરાના બે શિલ્પખંડોની ચર્ચા કરેલી હતી. 1. ચમરા નાયિકા- અંકના મુખપૃષ્ઠ પરનું ચિત્ર-૮ તથા 2. વિષ્ણુપરિકરનો ટુકડો - અંકના પાછળના પૂઠાં પરનું ચિત્ર-૯ વધુ વિગત માટે આ શોધલેખ વાંચવા ભલામણ છે. અહીં તુલનાત્મક અભ્યાસ અર્થે જુઓ ચિત્ર-૧૮. ગુજરાત રાજય પુરાતત્ત્વખાતાના તત્કાલીન સહાયક નિયામકશ્રી મુકુંદ રાવલે કેટલોક સમય અગાઉ મોઢેરાથી પારેવા પથ્થરના (schist stone) બે શિલ્પખંડો શોધ્યા હતાં. જે રાજય પુરાતત્ત્વખાતામાં એમણે સુરક્ષિત રાખ્યાં. તજજ્ઞ તરીકે આ લેખકને આ શિલ્પોની ઓળખ, શૈલી અને સમયાંકન બાબતે જણાવવાની વિનંતિ થતાં; આ અભ્યાસથી ફલીત થયું કે આ શિલ્પો અને મોઢેરાની ઉપર જણાવેલ સંદર્ભિત લેખની પ્રતિમાઓની કલાશૈલી એક જ છે અને તે એના સમકાલીન કે કંઈક વહેલાં જણાયા છે. મોઢેરાનાં ઉપર જણાવેલ પ્રસિદ્ધ થયેલાં શિલ્પોને ઇશુના દશમા શતકના મધ્યભાગે મુકેલાં હતાં. પરંતુ પૂર્વોક્ત લેખ લખાયો તે પછીથી આગળ વધેલી અન્વેષણાના ઉદ્યોતમાં એ શિલ્પોને દશમી શતાબ્દીના મધ્યને બદલે પ્રારંભમાં કે નવમા સૈકાના અંતભાગે મુકવાનો મૂળ લેખકોનો સાંપ્રત અભિપ્રાય છે.૧ આજ શૈલીનો એક અન્ય શિલ્પખંડનો ભાગ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના પુરારક્ષણ સહાયકશ્રીની અમદાવાદ કચેરીના સંગ્રહમાં હોવાનું આ લેખકે જોયાનું સ્મરણમાં છે. પરન્તુ ફોટોગ્રાફને અભાવે તેનું વિવેચન રજૂ થઈ શકેલ નથી. અદ્યાપિ ઓછા જાણીતા પણ કલાના ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવતાં, મોઢેરાના મહાગૂર્જરશૈલીના બે મનોહર શિલ્પખંડોની વિગત પ્રસ્તુત છે. આ બે સુરેખશિલ્પો ચામરધારી, કુમાર અને વિષ્ણુના છે.