________________ 31 નવા શોધાયેલા અને ઓછા જાણીતા શામળાજીના શિલ્પો પણ પંજાના ભાગથી તૂટેલો છે તો જમણો એક કર અભયમુદ્રામાં છે. જ્યારે વામ કઢાવલંબીત હાથમાં કુકુટ રહેલું છે. પૂર્ણપણે ટાંકણું અને સંપૂર્ણ કંડારણના થયું હોય, તો પણ ગુપ્તકલારૂપ કંઠે એકાવલી, એકાવલી બાજુબંધ, વલય તેમજ કમરબંધ જે અંતે આમળા આકારમાં પરીણમે, એ માત્ર પ્રથમ એના ચપટારૂપે ટાંકણાંથી બનાવેલો છે. જે પૂર્ણરૂપ પહેલાના પ્રાથમિક સ્વરૂપે છે. આ જ પ્રમાણે ધોતીવસ્ત્ર એની વચ્ચેનો પોટલીનો છેડો વગેરે તમામ માત્ર શરુઆતનું ઘડતરકામ છે. જે આખાયે શિલ્પ પરના ટાંકણાના ઘા સ્પષ્ટ કરે છે. જો તક્ષણ કાર્ય પૂર્ણરૂપે થયેલું હોત તો એક સુંદર પ્રતિમાનું નિર્માણ થઈ શક્યું હોત મૂળ લેખકે આ શિલ્પને પાંચમાં સૈકાના પ્રારંભમાં મૂકેલું છે. 17 પરન્તુ શિલ્પમાં લાંબા પગ અને શૈલી જોતા એ પાંચમી શતાબ્દીના અંતભાગ કે છઠ્ઠી સદીની શરુઆતનું ગણવામાં હરકત નથી. યક્ષ કે બોધિસત્ત્વઃ યક્ષ કે બોધિસત્ત્વનું એક ખંડિત છતાં નયનરમ્ય શિલ્પ અગાઉ મળેલું હતું. આર. સી. અગ્રવાલને અમીઝરા (રાજસ્થાન)થી મળેલ યક્ષ કે બોધિસત્ત્વનું એ શિલ્પ ગુપ્તકાલીન છે. અહીં પ્રસ્તુત પ્રતિમા સ્પષ્ટપણે ગાંધાર અસર સૂચવે છે. દ્વિબાહુઓ પૈકી જમણો ખભા નીચેના ભાગથી, તો ડાબીભૂજા કાંડા આગળથી તૂટેલી છે. સાધારણ ચોરસ મિત આપતો પ્રસન્ન ચહેરો, ભવ્ય કપોલ, વળ ધરાવતાં કેશ જે સાધારણ રીતે બુદ્ધમૂર્તિઓમાં દેખા દે છે. ભ્રમરભંગી, મોટા નયનો, અને એ પરની અર્ધનિમિલિત ભારે પાંપણો, તૂટેલી નાસિકા, ઓષ્ટ-અધરો, ચિબૂક અને ભરેલા ગાલ વગેરે તત્કાલીનકલાના દ્યોતક છે. એ તમામ ધસારો પામેલા હોય તો પણ મૂળે એ આથી વધુ સુંદર દેખાતા હશે. વળ જેવા કેશને કારણે કાનના આભૂષણ જોઈ શકાતા નથી. અલંકારોમાં કંઠે ગુપ્ત એકાવલી અને બીજો અલંકૃત સુવર્ણહાર, એવા જ અલંકૃત બાહુ પર બાહુબલ, ઉપવીત, કટિસૂત્ર વગેરે ધારણ કરેલાં છે. ધોતી વસ્ત્રને અલંકૃત મેખલાથી બાંધેલું છે. છાતી, પેટ ઇત્યાદિ ભરાવદાર છે. ડાબા સ્કંધ પરથી નીચેની તરફ જતો સ્કાર્ફ સુરેખ છે. સ્કાર્ફ અને ધોતી પરની વલ્લીઓ તત્કાલના શામળાજીના શિલ્પો સાથે સરખાવી શકાય છે. સપ્રમાણ પણ સ્ટેજ સ્થૂળ અંગ કાઠીવાળા દેવની પ્રતિમાના પાદ ઘૂંટણ નીચેના ભાગેથી ખંડિત છે. પ્રતિમાને પાંચમા શતકના પૂર્વાર્ધ મૂકી શકાશે.૧૮ (જુઓ ચિત્ર-૧૨) મહિષમર્દિની મહિષમર્દિનીનું ખંડિત પણ કમનીય શિલ્પ મળેલું હતું. જેનો કેડ ઉપરનો સમગ્ર ભાગ- તૂટેલો અપ્રાપ્ય છે. આથી કેડ ઉપરના ભાગ અંગે કશુ કહી શકાય એમ નથી. તેમ છતાં, પ્રાચીન લઢણના સ્તનાગ્રે વચ્ચેથી સરકતાં હારનું ગોળ મોટુ પદક અને સંલગ્ન હારભાગ નાભી-પેટ પર સચવાયેલું જોવા મળે છે. તે જ પ્રમાણે મોતીની કટિમેખલા વચ્ચેનું બક્કલ ઉલ્લેખનીય છે. મહિષમસ્તક પર દેવીની આવેગ પૂર્ણ રીતે પગ મૂકવાની ભંગીમાં અને અત્યંત જુસ્સાપૂર્ણ રીતે પ્રહાર કરેલ ત્રિશૂળ વગેરે ધ્યાનાકર્ષક છે. ત્રિશૂળનો પાંખિયાનો ઉપલો છેડો તૂટેલો છે. વેદનાયુક્ત મહિષનું શીર્ષ વાસ્તવિક છે. દેવીએ પાદમાં કડલા ધારણ કરેલા છે. અતી બારીક વસ્ત્ર અને બેય દેવીચરણ પાસે ઝુલતા વસ્ત્રના ગોમૂત્રિકઘાટના છેડાઓ વગેરે તત્કાલના શિલ્પોની જેમ જોવા મળે છે. મહિષે પહેરેલ ઘૂઘરમાળના ઘૂઘરા (Rattles) સિંહમુખ કે કીર્તિમુખ આકારના છે. જો આ શિલ્પ કેડ ઉપરના ભાગ સાથે સંપૂર્ણ મળ્યું હોત તો, નિઃશંકપણે ગુજરાતના તત્કાલીન સમયના સુંદર શિલ્પોમાં સ્થાન પામ્યું હોત. મહિષમર્દિનીની આ પ્રતિમાને છઠ્ઠી શતાબ્દીમાં મૂકી શકાશે. 19