________________ 4. શામળાજીની દ્વિબાહુ ગણેશપ્રતિમા સમયાંકન અને વિચારણા ગણેશપૂજા, ઉત્પત્તિ અને વિકાસ અંગે આપણે ત્યાં ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે. આથી સ્થળસંકોચે પુનરાવર્તન કર્યું નથી. પ્રસ્તુત શોધલેખનો આશય દુદાળાદેવના સૌથી પ્રાચીનતમ શિલ્પોની સંક્ષિપ્ત સમીક્ષા કરી, આ પરિપ્રેક્ષ્યમાં શામળાજીના દ્વિબાહુ ગણેશની વિચારણાનો છે. ઇશુની બીજી શતાબ્દીના સમયકાલના અમરાવતી સ્તૂપના શિલ્પપટ્ટમાં ગજમસ્તકવાળી આકૃતિ જોવા મળી છે. જે સાથે નિકટનું સામ્ય ધરાવતી એક ગણેશાકૃતિ શ્રીલંકાના મિહીનતલસૂપ પર પણ અંકિત છે. વિદ્વાનો આ ગજમુખદેવને સંક્રાન્તિકાલનું ગણેશનું રૂપ કે એથી પણ વહેલું એવું પ્રાથમિક સ્વરૂપ માને છે. ડૉ. હસમુખ સાંકળિયાના મત અનુસાર તો ગુપ્તકાલ સુધી ગણેશનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન હતું. આ માટે સાંપ્રત લેખકે રાજસ્થાનના મંડોરથી પ્રાપ્ત શિલાપટ્ટનો આધાર લીધો છે. જે અંતર્ગત મંડોર શિલાપટ્ટે માતૃકાઓ સાથે પ્રથમ શિવ અને બીજા નંબરે ગણેશ કડાંરેલા છે. વધુમાં સાંકળિયા જણાવે છે કે ગણેશપૂજાનો કોઈ પુરાવો ઇસ્વીસનના પાંચમાં-છઠ્ઠા શતક પૂર્વેનો મળતો નથી.' ઉક્ત અભિપ્રાય સામે જણાવવાનું કે ઇશુની પ્રથમ સદીના હર્સિયસના એક સિક્કા પર ગણેશનામ સાથેની ગણેશ આકૃતિ કાઢેલી છે. આથી સ્પષ્ટ થાય છે કે તત્કાલ અથવા એથી કંઈક વહેલાં સમયથી ગણેશપૂજા અસ્તિત્વમાં હતી. એ જ રીતે ગણેશનામ સહ દેવાકૃતિ એક અન્ય ઈન્ડો-ગ્રીક સિક્કા પર પણ જોવા મળી છે. જો કે આ તમામ પ્રમાણોથી આગળનો ભારત બહારથી મળેલો પુરાવો ઇસાપૂર્વ 1200 થી 10OO ઇસ્વીસન પૂર્વનો પ્રાચીન લુરીસસ્થાનનો છે.’ લુરીસસ્થાન એ હાલનું પશ્ચિમ ઈરાન છે. આ સ્થળથી પ્રાપ્ત ઉખનીત પુરાવશેષોમાં આગળ જણાવી ગયા છે, એ સમયાંકનકાલની એક તકતી પણ મળી હતી. જે પર ગજમુખ દ્વિબાહુદેવ આકૃત છે. જેમનાં ડાબા હસ્તમાં તલવાર અને જમણાં કરમાં નાગ ધારણ કરેલાં છે. તત્કાલીન સમયે પ્રશિયા, સપ્તસિંધુ અને મધ્યેનો મધ્યવિસ્તાર મળીને એક સાંસ્કૃતિકપટ્ટ બની ચુક્યો હતો. જે આગળ જણાવી ગયા છે તે મુજબ હવે પશ્ચિમ ઇરાન તરીકે ઓળખાય છે. આથી કહી શકાશે કે આ સાંસ્કૃતિક પટ્ટ પ્રદેશ તત્કાલે વસતાં આર્ય-હિન્દુપ્રજામાં ગણેશપૂજા અસ્તિત્વ ધરાવતી હતી.19 ગુજરાતમાં ચૌલુક્ય કે સોલંકીકાલે ગણેશપૂજન આરાધના ખૂબ વ્યાપક હતી. 11