________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈ.સ.ના અગિયારમા, બારમા અને તેરમા શતકમાં પાટણનું રાજકીય મહત્ત્વ ચરમ સીમાએ પહોંચ્યું હતું અને આચાર્ય હેમચંદ્રસૂરિના પ્રભાવથી વિદ્યાપ્રવૃત્તિને રાજયાશ્રય તથા ઉત્તેજન મળતાં હતાં ત્યારે ઇતિહાસ, ધર્મ, નીતિ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય વગેરે વિષયોના ગ્રંથોની રચનાને ઘણો જ વેગ મળ્યો હતો. આ સમયે રચાયેલા ગ્રંથો ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં ખૂબ મહત્ત્વના નીવડ્યા. વળી જૈન ધર્મને જે રાજયાશ્રય મળ્યો, તેથી જૈન સાધુઓ અને બાચાર્યોએ જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ વિકસાવવામાં ખૂબ જ રસ લીધો. આવી સાહિત્યિક પ્રવૃત્તિથી મોટા મોટા જ્ઞાનભંડારો અસ્તિત્વમાં આવ્યા અને એમાં પ્રાચીન, સમકાલીન અને નવા ગ્રંથોનો સંગ્રહ થતો રહ્યો. પાટણના હસ્તલિખિત ગ્રંથભંડાર :
પાટણના લગભગ વીસ જેટલા હસ્તપ્રતભંડારોનો એક રસપ્રદ ઇતિહાસ છે. એમાં પ્રાકૃત, સંસ્કૃત, જૂની ગુજરાતી, હિંદી, મરાઠી વગેરે ભાષાઓમાં રચાયેલા લગભગ બધા જ વિષયોના ગ્રંથો સચવાયા છે, જેમાં જૈન અને બીજા ધર્મોની રચનાઓનો સમાવેશ થાય છે. આને લીધે પાટણના ભંડારો દેશ-વિદેશમાં વિદ્વાનોના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. આજે પાટણના બે સિવાયના બધા જ ભંડારોની તાડપત્ર ઉપરની તેમજ કાગળ પરની હસ્તપ્રતોનો સંગ્રહ એકત્રિત થઈને પાટણના જૈન સંઘના તાબાના “શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર”માં સચવાઈ રહ્યો છે. આશરે વીસ હજાર પ્રતો કાગળ પર લખાયેલી સચવાઈ છે. આ જ્ઞાનમંદિરની સ્થાપના સને ૧૯૩૯માં થઈ હતી. પાટણના વિખ્યાત ગ્રંથભંડારો કાયમને માટે સચવાઈ રહે અને પ્રાચીન વિદ્યા તથા સાહિત્યના ક્ષેત્રે કામ કરતા વિદ્વાનો એ હસ્તપ્રતોનો સરળતાથી લાભ લઈ શકે એ હેતુથી આ જ્ઞાનમંદિરની સ્થાપના થઈ છે.
પાટણના નામાંકિત ભંડારોમાં સંઘવીના પાડાનો તાડપત્રીય ગ્રંથભંડાર વિદ્વાનોના આકર્ષણનું ખાસ કેન્દ્ર બનેલો. આ ભંડારની મુલાકાતે પાશ્ચાત્ય, વિદ્વાનો અને સંશોધકો આવતા હતા. ભંડારમાં કુલ ૪૩૪ તાડપત્ર ઉપરની હસ્તપ્રતો છે. એમાંની કેટલીક હસ્તપ્રતો સચિત્ર છે. એમાંનાં ચિત્રો મધ્યકાલીન પશ્ચિમ ભારતની ચિત્રશૈલીના ઉત્તમ નમૂના પૂરા પાડે છે. આ શૈલીનાં ચિત્રો લઘુ-ચિત્ર સ્વરૂપે મળે છે. પશ્ચિમ ભારતની ચિત્રકલાનું જન્મસ્થાન અને પોષણસ્થાન ગુજરાત છે. એમાં ગુજરાતનાં ધર્મ અને સમાજજીવનનું પ્રતિબિંબ પડે છે. આ લધુચિત્રોની શૈલીના નમૂના મોટે ભાગે ગુજરાત અને રાજસ્થાનના જૈનભંડારોમાંથી અને ખાસ કરીને જૈન કે જૈનાશ્રિત લખાયેલા ગ્રંથોનાં લઘુ ચિત્રોરૂપે મળે છે. ચિત્રોની આ શૈલીને ગુજરાતની શૈલી કે મારુ-ગુર્જર શૈલી પણ કહે છે. પાટણના સંઘવીપાડાના ભંડારમાં કેટલીક તાડપત્ર પરની સચિત્ર હસ્તપ્રતો સુરક્ષિત છે. એવા શ્વેતાંબર જૈન સંપ્રદાયના ગ્રંથ “નિશીથચૂર્ણિ”ની
૨મી સદીની પ્રત ગુજરાતી સચિત્ર તાડપત્રનો સહુથી જૂનો નમૂનો છે. આ પ્રત મૃગુકચ્છ(ભરૂચ)માં લખાયેલી છે. એમાં એક પત્ર ઉપર વર્તુળાકારમાં હાથીસવારનું ચિત્ર આલેખાયેલું છે. ચિત્રમાં માળા ધારા સ્ત્રીઓનાં આલેખન છે, જે ઘણું કરીને અપ્સરાઓ હોવાનું જણાય છે. આ સંગ્રહમાંની ‘કલ્પસૂત્ર'ની એક ૧૩મી સદીની હસ્તપ્રતમાં જૈન સાધ્વીઓ અને શ્રાવિકાઓનાં ચિત્રો આલેખેલાં છે. ૧૩મી સદીની “કથારત્નસાગર”ની હસ્તપ્રતમાં પાર્શ્વનાથ અને શ્રાવક-શ્રાવિકાનાં સુંદર ચિત્રો મળે છે.
આવી જ એક બીજી આ જ સમયની “કલ્પસૂત્ર'ની હસ્તપ્રતમાં જૈનપરંપરામાં વત્તેઓછે અંશે પુજાતા બ્રહ્મશાંતિ યક્ષ અને લક્ષ્મીદેવીનાં આકર્ષક ચિત્રો મળે છે. આ ઉપરાંત ‘ઋષભદેવચરિત'ની આશરે ૧૩મી સદીની હસ્તપ્રતમાં ઋષભદેવ અને જૈન યક્ષિણી ચકેશ્વરીનાં સુંદર ચિત્રો દોરેલાં છે. “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત”ની પ્રતનાં છેલ્લાં ત્રણ પત્રો ઉપર હેમચન્દ્રસૂરિ, રાજા કુમારપાલ અને શ્રાવિકા શ્રીદેવીનાં મનોરમ ચિત્રો આલેખાયાં છે.
પાટણના વખતજીની શેરીના ભંડારમાંની એક પ્રતમાં ચાર સુંદર ચિત્રો અંકિત કરેલાં છે, જેમાં હેમચન્દ્રાચાર્યને વ્યાકરણના ગ્રંથ લખવા માટે વિનંતી કરતો રાજા સિદ્ધરાજ, વ્યાકરણગ્રંથને અંબાડી પર મૂકીને હું પાર્શ્વનાથનું મંદિર અને વ્યાકરણગ્રંથની નકલ મેળવવા આનંદપ્રભ ઉપાધ્યાયને વિનંતી કરતા કર્મણ મંત્રી વગેરે પ્રસંગોનાં આબેહુબ ચિત્રો આલેખેલાં છે. આ ચિત્રોમાં કલાકારનાં પ્રતિભા તથા કૌશલ્યનાં દર્શન થાય છે.
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૮૬
For Private and Personal Use Only