________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદાત્ત અને ચિરસ્મરણીય છે.
જૈનોમાં ભાવનગર અમદાવાદથી બીજા નંબરે જૈનપુરી તરીકે જાણીતું છે. અહીંનાં જૈનોની દેવધર્મ-ગુરુધર્મ પ્રત્યેની ભક્તિ-ભાવના સારી રીતે જાણીતી છે. એક રીતે કહીએ તો પ્રાચીન હસ્તપ્રતોનો વારસો ભાવનગર પાસે સચવાઈ રહ્યો હોય તેમ જણાય છે. શ્રી આત્મારામજી જૈન કૃત લાઇબ્રેરીમાં સચવાઈ રહેલી હસ્તપ્રતોની માહિતી
શ્રી જૈન ધર્મ પ્રબોધક સભા અને જૈન હિતેચ્છુ સભાનાં પુસ્તકો અને જૂના વખતમાં અપ્રાપ્ય પુસ્તકો આ લાઇબ્રેરીમાં સચવાઈ રહ્યા છે. જેમાં શ્રી ભક્તિ વિજયજી મહારાજના સંગ્રહની ૧૩૨૫ હસ્તપ્રતો, મુનિશ્રી હીરવિજયજી મહારાજના શિષ્ય લબ્ધિ વિજયજી મહારાજના સંગ્રહની ૨૧૦ હસ્તલિખિત પ્રતો છે. તેમાં જૂનામાં જૂની હસ્તલિખિત પ્રત સંવત ૧૪૫૧ માં લખાયેલ શ્રી સિદ્ધસેનસૂરિત ‘નમસ્કાર માહાભ્યાદિ સ્તવન' છે. પંદરમા અને સોળમા સૈકામાં લખાયેલી હસ્તપ્રતો સારા પ્રમાણમાં છે. સંવત ૧૫૬૯ માં લખાયેલ સુંદર અને સચિત્ર કલ્પસૂત્રની પ્રત ખરેખર એક અમૂલ્ય ખજાનો છે તે પાટણના કોઈક શ્રેષ્ઠી પીતામ્બરે લખેલી કુલ પૃષ્ઠ ૧૪૪ છે. દરેક પૃષ્ઠ ઉપર સાડાસાત ઈંચની લંબાઈવાળી સાત લીટીમાં લખાણ છે અને તેમાં પ્રસંગનાં કુલ ૫૧ ચિત્રો છે તેમાં બે આખાં પાનાં અને બાકીનાં અર્ધા પાનાં છે, તેથી નાનાં છે. પશ્ચિમ ભારતીય શૈલીમાં આલેખાયેલ આ ચિત્રો ખરેખર દર્શનીય છે, એટલું જ નહીં પણ સિદ્ધહસ્ત ચિત્રકારના હસ્તે આલેખાયેલાં આ ચિત્રોમાં સાચો સોનેરી રંગ વાપરવામાં આવેલો છે. બીજા રંગોમાં લીલો, હિંગળોક, નીલો, સફેદ અને પીળો છે. આ કલ્પસૂત્ર કાળી શાહીથી લખાયેલું છે. પાનાંની વચ્ચે વચ્ચે હિંગળોક અને કૃમિદાણાના રંગથી લીટી, હાંસિયો વગેરે દોરવામાં આવે છે.
| ચિત્રોમાં નેમીનાથની વરયાત્રા, મુખિલોચ, મહાવીર જન્મ, આમલકી ક્રીડા વગેરે ખરેખર નયનરમ્ય છે જે સોળમી સદીની જૈન ચિત્રકળાના સર્વોત્કૃષ્ટ નમૂના સમાન છે.
આ ઉપરાંત અન્ય ગ્રંથો જેવા કે તિબેટના ત્રિપિટક ગ્રંથોનું કેટલોગ અને ઇન્ડેક્ષ વગેરે આત્માનંદ ફ્રી લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે, તેમ જ મધ્યકાલીન જૈન પ્રબંધ સાહિત્ય અને રાસાઓ વગેરે આ ગ્રંથાલયમાં આપણને જોવા, મળે છે. આવું જ્ઞાન મંદિર ભાવનગર જૈન સમાજ માટે ગૌરવ લઈ શકાય તેવું છે. જરૂર છે જૈન સાહિત્યનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી અને અર્ધમાગધી શિખવતા ગુરુઓની- જે માટે આપણે રાહ જોવી જ રહી. ભાવનગરના અલ્પ ગ્રંથભંડારો
- ભાવનગર ખાતે આવેલ જૈન પ્રસારક સભા પાસે યશોવિજયજી જૈન ગ્રંથમાળા નીચે પ્રકાશિત થયેલ જૈન સાહિત્ય અમૂલ્ય ખજાનો છે, તેમજ મોટા દેરાસરજી (ભાવનગર દરબારગઢ પાસે આવેલ દેરાસર)માં જૈન આગમ ગ્રંથોની હસ્તપ્રતો સચવાઈ રહેલી છે, તેમ જ દાદાસાહેબ ખાતે આવેલ ગ્રંથભંડારમાં પણ અપ્રાપ્ય હસ્તપ્રતો સચવાઈ રહેલ છે, જેની વ્યવસ્થિત નોંધ કરવાની જરૂર જણાય છે.
એક રીતે કહીએ તો ભાવનગર ખાતે પોતીકી કહી શકાય તેવી યુનિવર્સિટી ઉપલબ્ધ છે, ત્યારે જૈન સાહિત્યનો ગહન અભ્યાસ થઈ શકે તે રીતે આયોજન વિચારશે, તો ભાવનગર ખાતે પ્રાપ્ય વિદ્યામંદિર હોવું જોઈએ, તેવું કહેનાર કેટલાક મૂર્ધન્ય પંડિતો અને મૂર્ધન્ય વિદ્વાનોને સાચા અર્થમાં તર્પણ કર્યાનું ફળ મેળવી શકાશે.
सुज्ञेषु किं बहुना ।
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૧૬૨
For Private and Personal Use Only