________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્થાઓમાં એના અભ્યાસક્રમો (ડિગ્રી, ડિપ્લોમા) પણ ચાલી રહ્યા છે, પરંતુ આ ધાંધલિયા યુગમાં આવાં સંગ્રહાલયો અને તેમાં સંગૃહીત ચીજોના અધ્યયન-સંશોધન માટેની અભિરુચિ ઓછી થઈ ગઈ છે, એ ઘણી ખેદજનક બાબત છે. ભારતમાં સંગ્રહસ્થાનનો વિકાસ કેમ થયો તેનો ઇતિહાસ, સંગ્રહસ્થાનની આર્થિક વ્યવસ્થા, તેની કાર્યપદ્ધતિ. શિક્ષણની દૃષ્ટિએ સંગ્રહસ્થાનોનું મહત્ત્વ, સંગ્રહસ્થાનો વચ્ચે સહકાર, સંસ્થાઓમાં કાર્યસાધકતા લાવવા માટેની સૂચનાઓ, લોકશિક્ષણના કાર્યમાં મદદરૂપ થઈ શકે તેવા આ સંસ્કૃતિ અને જ્ઞાનનાં કેન્દ્રો તરફ સમજુ માણસોએ જરૂર લક્ષ આપવું ઘટે. ભારતમાં લાખ માણસની વસ્તી કરતાં વધારે વસ્તી ધરાવનાર શહેરોમાં આજે સંગ્રહસ્થાનોનું નામ નથી, એવાં ઘણાં શહેરો છે. એ આપણી સંસ્કારિતાને ઝાંખપ અપાવે તેવી બાબત છે. આવાં શહેરોમાં લોકશિક્ષણની દૃષ્ટિથી કે ઇતિહાસ-સંગ્રહની દૃષ્ટિથી સંગ્રહસ્થાનો ઊભાં થવાં જોઈએ.
કેટલાંક સંગ્રહસ્થાનોમાં ઉમદા ચીજો એવી ખરાબ રીતે મુકાયેલ હોય છે, તેનું રક્ષણ એવી બેદરકારીથી થાય કે એ અમૂલ્ય ચીજો કીડા અને હવાની વિકૃતિનો ભોગ થઈ પડે છે. આવું જો ચાલુ રહેશે તો ભારતની મૂળ સંસ્કૃતિની સાબિતી માટે યુરોપ અને અમેરિકાના સંગ્રહસ્થાનોમાં જવું પડશે. જગતમાં સંગ્રહસ્થાનનો શિક્ષણની સંસ્થા તરીકે અને સંસ્કારિતાના ખજાના તરીકે ઉપયોગ કરવામાં ભારતમાં જાગૃતિ લાવવાની જરૂર છે.
ભારતમાં અત્યારે ક્રમશઃ મનુષ્ય જીવનને વિકાસ થતો ગયો તે બતાવનાર, કપડાં, રાચરચીલાં, ઘરેણાં, હથિયારો, ઓજારો, હુન્નર કલાઓ, લોકકલાઓ વગેરે પુષ્કળ સામગ્રી આજે મળી આવે છે. તેને સંગ્રહસ્થાનોમાં લાવી મૂકવાની બહુ જ જરૂર છે. એવી પ્રજાના જીવન પ્રસંગોનાં ચિત્રો પણ એક કાળે મૂલ્યવાન સંગ્રહ ગણાશે.
આપણા સંગ્રહસ્થાન પુસ્તકાલયમાં, લેબોરેટરી અને વર્કશોપમાં દેશના યુવાનોની શક્તિનો વિકાસ કરવાની સંભાવના ધણી જ દેખાય છે. એવી સંસ્થાઓ જેટલો પ્રચાર વધે તેટલી કાર્યશક્તિ વધવાની એ વાત દીવા જેવી છે. આજે નગર, શહેર, જિલ્લા અને તાલુકા મથકોએ સ્થાનિક ઇતિહાસ-સંસ્કૃતિ અને લોકકલાનું જતન કરતાં સંગ્રહસ્થાનો ઊભાં કરવાની તાતી જરૂર છે. જેનો વહીવટ-દેખરેખની જવાબદારી સ્થાનિક ઉચ્ચ અમલદાર અથવા સાર્વજનિક સંસ્થાઓને સરકારી સહાય આપીને આવાં સંસ્કૃતિ અને જ્ઞાનનાં કેન્દ્રો શરૂ થવાં જોઈએ. આ સંગ્રહસ્થાનોમાં સંગૃહીત ચીજોની જાળવણી ખૂબ જ માવજતથી થાય તો જ આવનારા વર્ષોમાં નવી પેઢી આપણા કલા અને સાંસ્કૃતિક વારસાને સાચવી શકશે, સમજી શકશે. આ સંગ્રહસ્થાનો વર્તમાનયુગના અને ભાવિ પેઢીના વિદ્યાના ઉપાસકો અને સંશોધકોની મોટી મૂડી સમાન છે. આમ, આ સંગ્રહાલયો એ ભારતીય સંસ્કૃતિ અને કલાના ભવ્ય વારસા સમાન છે.
ગુજરાત સરકારના સીધા માર્ગદર્શન હેઠળનાં કેટલાંક મહત્વનાં સંગ્રહાલયોમાં આજે માનવસંસ્કૃતિના ઉજ્જવળ ઇતિહાસનાં પ્રદર્શનો જ્ઞાન અને વિજ્ઞાનનો વિકાસ સાધી રહેલાં જોવા મળે છે. આમાં વડોદરાનું મુખ્ય સંગ્રહાલય, રાજકોટનું વૉટ્સન સંગ્રહાલય, કચ્છ સંગ્રહાલય, જૂનાગઢનું દરબાર હોલ અને સક્કરબાગ સંગ્રહાલય, જામનગરનું લાખોટા સંગ્રહાલય, ધરમપુરનું લેડી વિલ્સન સંગ્રહાલય, પ્રભાસ પાટણનું પ્રાચીન અવશેષોનું લાખોટા સંગ્રહાલય તથા વડનગર અને શામળાજીના સંગ્રહાલય વગેરે નોંધપાત્ર છે.
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે૨૦૦૧ ૧૬૯
For Private and Personal Use Only