________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
માનવસંસ્કૃતિ અને જ્ઞાનનું કેન્દ્ર “સંગ્રહાલય’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડૉ. આર. ટી. સાવલિયા*
પ્રત્યેક પળ માનવી માટે મહત્ત્વની હોય છે, એટલે જ સમયમાં વિલીન થયેલી પળ મનમાં સ્મૃતિ બની રહે છે. સતત ઘૂમતા ચક્રમાં ભૂતકાળ એ વર્તમાનની દિશાસૂઝ અને ભવિષ્ય એ વર્તમાનની આશા છે. માનવજીવન જેમ જેમ વિકસ્યું તેમ તેમ સંસ્કૃતિઓ ઉદ્ભવી અને એ સંસ્કૃતિઓ ભૂતકાળ બની ગઈ. આ સંસ્કૃતિઓનો વારસો ભવ્ય છે. ઊડીને આંખે વળગે એવા અવશેષોનો ઇતિહાસ પણ એટલો જ જાજરમાન છે. આવી આપણી ગરવી સંસ્કૃતિનો ઐતિહાસિક વારસો આપણા સંગ્રહાલયોમાં આજે સચવાયેલો છે.
સંગ્રહાલયો આપણા ભવ્ય ભૂતકાળનો સાંસ્કૃતિક અને વિદ્યાકીય વારસો જાળવે છે. એની પ્રવૃત્તિના ઘડતરમાં માનવસંસ્કૃતિના અવશેષોનું બહુમૂલ્ય પ્રદાન છે. સંગ્રહાલય કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યની સમાજરચનામાં લોકશિક્ષણનું અસરકારક અને અધિકૃત માધ્યમ છે. રાષ્ટ્રના ભવ્ય ભૂતકાળ તથા-સંસ્કૃતિનું જ્ઞાન પુસ્તકો દ્વારા મળે તે કરતાં સંગ્રહાલય દ્વારા જીવંત રીતે પ્રાપ્ત થતું હોય છે, કેમ કે ભૂતકાળ અને વર્તમાનની કડી અને ભવિષ્યનું પ્રેરણાસ્થાન સંગ્રહાલય છે.
સંગ્રહાલય માટે ઘણાના માનસમાં એવો ખ્યાલ હોય છે કે સંગ્રહાલયમાં જૂના જમાનાની ચીજો રાખવામાં આવી હોય છે. ત્યાં જઈએ તો પહેલાનાં જમાનામાં બધું કેવું હતું તે જોવા-જાણવાનું મળે. આ ખ્યાલ બહુ જ ટૂંકી ષ્ટિનો અને કશા પણ જ્ઞાન વગરનો છે. સંગ્રહાલય એટલે આપણી સંસ્કૃતિ અને કલા વારસાને પ્રદર્શિત કરી તેના ભવ્ય જાજરમાન ઇતિહાસને સાચવી-જાળવીને જાણકારી આપતું માનવ સંસ્કૃતિનું સર્વોત્તમ કેન્દ્રસ્થાન.
સંગ્રહાલય એ માત્ર ઇતિહાસના ગ્રંથોને ધ્યાનમાં રાખી ખોદકામમાંથી નીકળેલી કે એકઠી કરેલી વસ્તુઓનું પ્રદર્શન જ નથી હોતું, પણ ઇતિહાસ સાથે માનવસંસ્કૃતિનાં અન્ય પાસાંઓનું પણ જતન કરી તે અંગેનું જ્ઞાન આપતી વિદ્યાપીઠ છે.
સંગ્રહાલયમાં પ્રાચીન અવશેષો જરૂર હોય છે. અલબત્ત, બધી જ પ્રાચીન ચીજો હોય છે, એવું પણ નથી. માનવના જીવાતા જીવન સાથે જોડાયેલ સંસ્કૃતિની ઝલક પણ બતાવાય છે. સંગ્રહાલયમાં જે ચીજો પ્રદર્શિત કરેલી હોય તેમાંથી જ્ઞાન મળવું જોઈએ. એમાંના દરેક પદાર્થને પોતાનું અલગ અસ્તિત્વ-વ્યક્તિત્વ સંસ્કૃતિ હોય છે. જો કે જ્ઞાન આપનારી ચીજો તો શાળા, મહાશાળા કે વિદ્યાલયોમાં પણ હોય છે, પરંતુ સંગ્રહાલયમાં સામાન્ય માણસ સહેલાઈથી માહિતી મેળવી શકે તેવી અપ્રાપ્ય કે દુષ્પ્રાપ્ય ચીજોનો સંગ્રહ હોય છે. સામાન્ય રીતે આપણે ઇતિહાસ, સંસ્કૃતિનું જ્ઞાન ગ્રંથોમાંથી મેળવીએ છીએ, જ્યારે સંગ્રહાલયમાં આ ચીજો-નમૂનાઓ પ્રત્યક્ષ જોવા, જાણવા અને માણવા મળે છે અને એ રીતે સંગ્રહાલયમાં ઇતિહાસ-સંસ્કૃતિનું સાકાર સ્વરૂપ જોવા મળે છે. સંગ્રહાલયમાં ઇતિહાસ સાથે માનવસંસ્કૃતિનાં બીજા તત્ત્વોનો ઉમેરો થતાં જ્ઞાનનું ફલક વિસ્તૃત થાય છે.
સંગ્રહાલયનું આજે જે સ્વરૂપ છે, તેની શરૂઆત યુરોપમાં ૬ઠ્ઠી સદીની આસપાસ થયેલી. ખ્રિસ્તી પાદરીઓ પોતાના પૂજય ગુરુઓના અવશેષો, એમની વપરાશની ચીજો વગેરે દેવળમાં પ્રસાદીરૂપે સાચવી રાખતા અને તે ધર્મના અનુયાયીઓ આ વસ્તુઓના દર્શન કરીને પોતાની જાતને ધન્ય માનતા, પછીના સમયમાં રોમન રાજાઓ પોતાના પૂર્વ પુરુષોનાં સ્મૃતિચિહ્નો સંઘરતા થયા. આમ, દેવળને સમાંતર રાજાઓના સંગ્રહાલયો ઊભાં થવાં લાગ્યાં. આ સંગ્રહાલયોમાં રાજાના શોખની અનેક વસ્તુઓ જોવા મળતી અને તે વધુને વધુ આકર્ષક થતાં ગયાં. આમ સંગ્રહાલયોની મહત્તા વધતાં યુરોપના બીજા દેશો પોતાનાં સંગ્રહાલયો બનાવવા લાગ્યા અને સંગ્રહાલયની પ્રવૃત્તિ વેગવંતી બની. પ્રાચીન રાજવંશોની રાજધાનીઓના સ્થાનોમાં આવેલ મહેલો અને રાજાના શોખ અને યુદ્ધની સામગ્રી
* અધ્યાપક, ભો.જે. વિદ્યાભવન, એચ.કે. કૉલેજ કમ્પાઉન્ડ, આશ્રમ રોડ, અમદાવાદ-૯
પથિક♦ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૬૭
For Private and Personal Use Only