________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એન. સી. મહેતા સંગ્રહ, અમદાવાદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમિતાભ મડિયા*
ગુજરાત મ્યુઝિયમ સોસાયટીની એન.સી.મહેતા ગૅલરી ખાતે સંગૃહીત એન.સી.મહેતા સંગ્રહ ભવ્ય અને અનન્ય હોવાને કારણે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. આ સંગ્રહના સંગ્રહકર્તા સ્વ.નાનાલાલ ચિમનલાલ મહેતાનો જન્મ ૧૮૯૪ના નવેમ્બરની ૧૭મીએ ગુજરાતમાં જરમઠા ગામે થયો હતો. રાજકોટમાં અને પછી મુંબઈની વિલ્સન કૉલેજમાં પ્રારંભિક શિક્ષણ લીધા પછી તેઓ કૅમ્બ્રિજમાં જોડાયા અને ત્યાંથી અર્થશાસ્ત્રમાં ‘ટ્રાઈપૉસ’ મેળવ્યો. ૧૯૧૫માં તે ઇન્ડિયન સિવિલ સર્વિસમાં જોડાયા. અહીં ૧૯૪૪માં તે નિવૃત્ત થયા ત્યાં સુધી (હાલમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલ તરીકે ઓળખાતા)ત્યારના યુનાઈટેડ પ્રોવિન્સિસમાં તેમણે જુદા જુદા હોદ્દા સંભાળ્યા. ૧૯૫૦માં હિમાચલ પ્રદેશના રાજયપાલ તરીકે નિવૃત્ત થતાં તેમની લાંબી અને યશસ્વી કારકિર્દીનો અંત આવ્યો.
પ્રથમ હોદ્દો મથુરામાં સંભાળ્યો, ત્યારથી જ મથુરા શિલ્પ પ્રત્યે જાગેલા આકર્ષણથી મહેતાની રસજ્ઞ કલારુચિ ઘડાતી ગઈ. તે જાણીતા વિદ્વાન રાય કૃષ્ણદાસના સંપર્કમાં આવ્યા. રાય કૃષ્ણદાસ બનારસના પ્રતિષ્ઠિત ભારત કલાભવનના તે સમયે નિયામક હતા. પ્રણાલિગત ભારતીય કલાની કદર કરવાની દૃષ્ટિ અને રુચિનો વિકાસ મહેતામાં થયો તે પાછળ કૃષ્ણદાસનો ફાળો ખરો જ. લઘુચિત્રો એકઠાં કરવાના મહેતાને લાગેલા નાદને કારણે વરસો વીતી જતાં આ સંગ્રહ ઘણો જ સમૃદ્ધ થયો; કુલ ચિત્રોની સંખ્યા ૧૦૮૮ થઈ. લઘુચિત્રોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે થઈને તેમણે સંસ્કૃત અને મધ્યકાલીન હિન્દી સાહિત્યનો અભ્યાસ કર્યો. ભારતીય લઘુચિત્રકલાના ઇતિહાસ અને આસ્વાદની આધુનિક સમજ વિકસાવવામાં તેમણે લખેલા ગ્રંથો અને લેખોએ અમૂલ્ય ફાળો આપ્યો છે. ૧૯૨૬માં તેમનું પુસ્તક ‘સ્ટડીઝ ઇન ઇન્ડિયન પેઇન્ટિગ્સ' તારાપોરવાલા પ્રકાશને મુંબઈથી પ્રકટ કર્યું. ૧૯૩૧માં તેમનું પુસ્તક “ગુજરાતી પેઇન્ટિગ્સ ઇન ફિફટીન્થ સેન્ચ્યુરી'' ઇન્ડિયન સોસાયટીએ પ્રકટ કર્યું. ૧૯૪૫માં ‘જર્નલ ઑફ ધ ગુજરાત રિસર્ચ સોસાયટી’ એ તેમનો લેખ ‘અ ન્યૂ ડૉક્યુમેન્ટ ઑફ ગુજરાતી પેઈન્ટિગ્સ - ગુજરાતી વર્ઝન ઑફ ગીતગોવિંદ’ પ્રકટ કર્યો. ૬૪ વરસની ઉંમરે ૧૯૫૮ના મેની ૧૮મીના રોજ કાશ્મીરમાં હ્રદયરોગના હુમલાને કારણે અચાનક તેમનું અવસાન થયું.
શ્રી મહેતાના અવસાન પછી તેમનાં પત્ની શાન્તાબહેન મહેતાએ સમગ્ર સમાજના લાભાર્થે અમદાવાદની ગુજરાત મ્યુઝિયમ સોસાયટીને આ સંગ્રહનું ઉદારતાપૂર્વક દાન કર્યું. તે સમયે અમદાવાદના પાલડી વિસ્તારમાં નવા તૈયાર થયેલા મકાન ‘સંસ્કાર કેન્દ્ર’માં આ સંગ્રહના કાયમી મ્યુઝિયમનું ઉદ્ઘાટન ૧૯૬૩માં વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ કર્યું, પરંતુ પ્રદૂષિત વાતાવરણને કારણે અહીં કલાકૃતિઓમાં બગાડ થતો હોવાથી આ મ્યુઝિયમને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના નવરંગપુરા, અમદાવાદ સ્થિત પરિસરમાં ૧૯૯૩માં ખસેડવામાં આવ્યું. એન.સી.મહેતા સંગ્રહમાં સમાવેશ પામેલી કલાકૃતિઓમાં અરબી, પર્શિયન, જૈન, સલ્તનત, રાજપૂત, કાશ્મીરી, મુઘલ, પહાડી, નેપાળી અને કમ્પની શૈલીનાં ચિત્રો તથા પોથીઓ છે. સંગ્રહની સૌથી જૂની કલાકૃતિ કૂફી શૈલીમાં લખાયેલી ૧૧મી સદીની અરબી ધર્મપુસ્તિકા છે.
કાલકાચાર્યકથા અને કલ્પસૂત્ર જેવા જૈન પોથીચિત્રોના નમૂના તથા જૈન-પશ્ચિમ ભારતીય શૈલીએ આલેખાયેલ વૈષ્ણવ કથાઓ ‘બાલગોપાલ સ્મ્રુતિ’ અને ‘ગીતગોવિંદ’ વડે મ્યુઝિયમના પ્રદર્શનની શરૂઆત થાય છે.
સલ્તનત શૈલીનાં ચિત્રોમાં ‘હમ્ઝાનામા', ‘સિંકદરનામા’ અને ‘ચૌરપંચાશિકા' ચિત્રશ્રેણીનો સમાવેશ થાય છે. ‘ચૌરપંચાશિકા’ ચિત્રશ્રેણી એન.સી.મહેતા સંગ્રહનું મહામૂલું આભૂષણ છે. આ ચિત્રશ્રેણી ૧૬મી સદીમાં જૌનપુર
* ક્યુરેટર, એન.સી.મહેતા ગૅલરી, ગુજરાત મ્યુઝિયમ સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ-૯
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૦ ૯૫
+
For Private and Personal Use Only