________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. પુરાતત્ત્વ વિભાગ :
પુરાતત્ત્વ વિભાગને અહીં બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે : પ્રથમ વિભાગમાં અમરેલી સ્થાનિકના ‘ગોહિલવાડ ટીંબા’ તથા વેણીવદરના પ્રાચીન અવશેષો, જેમાં ખરગ્રહ પહેલા તથા ધ્રુવસેન બીજાના સમયનાં તામ્રપત્રો, ક્ષત્રપ, ગુપ્ત તથા મૌર્ય વંશના સિક્કાઓ, રોમન પૉટરી, ટેરેકોટા, ઘંટો, રમકડાં, કાચની કલાત્મક વસ્તુઓ વગેરે પ્રદર્શિત કરાયાં છે. ઉપરાંત ખોદકામ સમયની તસવીરો પણ અહીં મૂકવામાં આવી છે.
બીજા વિભાગમાં ભારતીય ભાતીગળ શિલ્પ-સ્થાપત્યના વારસાને પ્રદર્શનીમાં મૂકવામાં આવેલ છે, જેમાં ભગવાન વિષ્ણુ, ગરુડેશ્વર, બ્રહ્માજી, ચતુર્ભુજ વિષ્ણુ, નવદુર્ગા વગેરેની કલાત્મક મૂર્તિઓ રખાઈ છે. વધારામાં દ્વારકા તથા નજીકના વસઈના જૈન તીર્થના સ્થાપત્યનાં કલાશિલ્પો અને મૂર્તિઓ પ્રદર્શિત કરાયાં છે. ગુજરાતનાં પુરાતત્ત્વ સંશોધન-સ્થળો, ભારતીય ઉમદા સ્થાપત્ય કૃતિઓની તસવીરો તથા મોહેં-જો-દડોના સમયના સિક્કાઓની પ્લાસ્ટરપ્રતિકૃતિઓ આ વિભાગનું આકર્ષણ છે.
૪. કાઠીઘર :
સૌરાષ્ટ્રનાં નાનાં મોટાં કેટલાંક રજવાડાંઓના રાજવીઓ અને દરબારો મૂળ કાઠી કોમના એટલે એની અસ્મિતાને રજૂ કરતા આ વિભાગમાં કાઠી પુરુષનું એના અસલ પહેરવેશ સાથેનું માનવકદનું પૂતળું, કાઠી કોમના ભરતકામના નમૂના, હીર-કામના નમૂના, ચાકળા, ઘરવખરી, હથિયારો વગેરે રજૂ કરાયાં છે. ઉપરાંત કાઠિયાવાડના ભૂતપૂર્વ રાજવીઓના વિસ્તાર તેમ નકશા વગેરે પણ દર્શાવવામાં આવેલ છે.
૫. સ્વાતંત્ર્યસેનાની ગૅલેરી તથા ડૉ. જીવરાજ મહેતા ગૅલેરી :
પ્રજામાં સ્વાતંત્ર્યના નૈતિક મૂલ્યો, દેશપ્રેમ તથા નાગરિક ફરજની ભાવનાના સંસ્કારોનું સિંચન થાય એ ઉદ્દેશ્યથી આ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના ફોટા વગેરે પ્રદર્શિત કરાયા છે.
આ વિભાગ સાથે જ ડૉ. જીવરાજ મહેતા ગૅલેરી આવેલી છે. ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી અને અમરેલીના સપૂત એવા ડૉ. જીવરાજ મહેતાને લગતાં પત્રો ને સાહિત્ય વસ્તુઓ, તસવીરો વગેરેને એમની અવિરત સેવાનાં જીવિત સ્મારક તરીકે જાળવી એમના સેવાશ્રમથી ઊભી કરેલી અસ્મિતા તેમ કર્મયોગ અને એમના વિરલ યોગદાનને વાચા આપવામાં આવી છે.
૬. બાલભવન :
સંગ્રહાલયની સાથે સાથે ૧૯૫૭માં અહીં બાલભવનની સ્થાપના પણ કરવામાં આવી છે. ત્યારથી અત્યાર સુધી બાલભવને ક્રમશઃ ખૂબ જ સુંદર પ્રગતિ કરી છે અને આ એક નમૂનેદાર બાલભવન તરીકે ગુજરાતમાં પ્રસિદ્ધ છે. આ બાલભવન નવી દિલ્હીની ‘બાલભવન સોસાયટી ઑફ ઇન્ડિયા' સાથે સંકળાયેલ છે.
અહીં બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. બાળકો માટે મેદાનની તથા ખંડની રમતોનું કેન્દ્ર ચલાવવામાં આવે છે, જેનો લાભ ૨૦૦ થી વધુ બાળકો લઈ રહેલ છે.
સંગીતના વર્ગો પણ ચલાવવામાં આવે છે, જેમાં હારમોનિયમ, તબલાં વગેરેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. રાજ્યના કે રાષ્ટ્રીય કાર્યક્રમો કે સ્પર્ધાઓમાં અહીંના બાળ કલાકારો નિયમિત ભાગ લે છે.
કલાવર્ગમાં ચિત્રકામ, મિડિયા-પ્રોજેક્ટ, વેશભૂષા, ઓરેંગામી, પેપર-પેસ્ટિંગ-મોડેલ-મેઇકિંગ વગેરેનું શિક્ષણ બાળકોને આપવામાં આવે છે. ૫૦૦ થી વધુ બાળકોએ અત્યાર સુધી આ શિક્ષણ મેળવેલ છે.
સાયન્સ કૉર્નર દ્વારા જ્ઞાન સાથે ગમ્મત પમાડે તેવા વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાબિત કરતાં સાધનોનો બાળકો સ્વયંસંચાલનથી લાભ લઈ રહેલ છે.
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૦૪
For Private and Personal Use Only