________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ૨.પા.આર્ટ્સ એન્ડ કે.બુ.કૉમર્સ કૉલેજ મ્યુઝિયમ, ખંભાત
ડૉ. ક્રિષ્ના પંચોલી*
આ સંગ્રહાલયની સ્થાપના ૧૯૬૦માં આ કૉલેજના ભારતીય સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ ડૉ. જે.પી. અમીને કરી હતી. અનેક પુરાતન ચીજવસ્તુઓ ખંભાત નગર તેમ જ તેની નજીકના નગરા, વડવા, કાણિસા, કોટેશ્વર, નેજા વગેરે સ્થળોએ પ્રવાસ કરીને પુરાવશેષો એકત્રિત કરી આ સંગ્રહાલયમાં સુરક્ષિત રાખવામાં આવ્યા. આ સંગ્રહાલયમાં સચવાયેલ મોટા ભાગની મહત્ત્વની તમામ પ્રતિમાઓ, શિલ્પો, સિક્કાઓ, અભિલેખો વગેરેની નોંધ ચિત્રો સાથે માર્ગદર્શિકા નામક લઘુગ્રંથ સ્વરૂપે પ્રગટ કરવામાં આવી છે. અહીં વિશેષતા એ છે કે વિષયને કેવળ માહિતીપ્રદ ન બનાવતાં તેને રસિક તેમ જ જ્ઞાનપ્રદ બનાવવાના ઉદ્દેશથી તેમાં ભૂમિકારૂપે તેનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ પણ નિરૂપ્યું છે.
આ સંગ્રહાલયમાં ગણેશ-કાર્તિકેય, શૈવ દેવ-દેવીની મૂર્તિઓ, વૈષ્ણવ પ્રતિમાઓ, બ્રહ્મા તેમ જ શાક્ત દેવી પ્રતિમાઓ, જૈન શિલ્પો તથા અન્ય દિવ્ય સ્વરૂપોની પ્રતિમાઓ, તેમ જ પ્રકીર્ણ મૂર્તિ-શિલ્પોનું સુંદર પ્રદર્શન ગોઠવેલું છે.
અહીં નોંધપાત્ર કેટલાક નમૂનાઓમાં શિવ-પાર્વતીની ૧૧મી સદીની આરસની યુગલ પ્રતિમાઓ, પાર્વતી, ચામુંડા, મહિષાસુરમર્દિની, વિષ્ણુનાં વિવિધ સ્વરૂપો, લક્ષ્મી, બ્રહ્માનાં વિવિધ સ્વરૂપો, સરસ્વતી સૂર્યાણી, ક્ષેમંકરી વગેરેનાં મનોહર શિલ્પો જોઈ શકાય છે.
જૈન પ્રતિમાઓમાં તીર્થંકરની મૂર્તિ, પબાસન અને પરિકર, જૈન શાસન દેવી અંબિકા, ચક્રેશ્વરી વગેરેનાં વિશિષ્ટ શિલ્પો આરસમાં કંડારેલાં છે. તે ઉપરાંત અન્ય દિવ્ય સ્વરૂપોમાં અશ્વિનીકુમાર, યક્ષ, અપ્સરા, નંદી, ગરુડ, દિવ્યહરણ, સ્વર્ગારોહણ, મિથુન શિલ્પો સહિત કાષ્ઠકલાના ઉત્તમ નમૂનાઓ પ્રદર્શિત કરેલા છે.
અભિલેખો અને સિક્કા વિભાગમાં ત્રણ ફારસી અભિલેખો, પ્રતિમાલેખોનો સમાવેશ થાય છે. સિક્કાઓમાં ક્ષત્રપ, નવાબી સિક્કા અને વિદેશી સિક્કાઓનો સંગ્રહ છે.
* પ્રાધ્યાપક, ભારતીય સંસ્કૃતિ, અમદાવાદ
આમ, ખંભાતનું આ કૉલેજ મ્યુઝિયમ વિદ્યાર્થીઓ, સંશોધકો અને મુલાકાતીઓ માટે માહિતી અને જ્ઞાનવર્ધક કેન્દ્ર સમાન બની રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓને કલા-સંસ્કૃતિની જાળવણીના માર્ગદર્શક સમાન બની રહે છે.
પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૨૬
For Private and Personal Use Only