________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતા, પરંતુ ધીમે ધીમે માટીકામ, મીનાકામ, કાચકામ, ચાંદીકામ વગેરેની કળામાં પણ એમણે નિપુણતા મેળવી હતી. રાવશ્રી લખપતજીએ ઈ.સ. ૧૭૪૧ થી ૧૭૬૦ સુધી રાજ્ય કર્યું, પરંતુ આ ૨૦ વર્ષની અંદર કચ્છની કળાકારીગરી સમૃદ્ધિની ટોચે પહોંચી. લખપતજીને સાહિત્યપ્રેમીઓ તથા કળાસ્વામીઓ તરફ માન હતું. ભારતમાં તથા કદાચ દુનિયામાં પ્રખ્યાત એવી વ્રજ ભાષાની પાઠશાળા પણ એમણે સ્થાપી અને આ પાઠશાળામાં કવિઓનું સર્જન થયું. ગુજરાતના જાણીતા કવિ દલપતરામ પણ આ શાળાના વિદ્યાર્થી હતા.
રાવશ્રી લખપતજીએ મુધલ બાદશાહનો દબદબો જોઈ કચ્છમાં પણ એમણે કંઈ કરવાનો મનસૂબો કર્યો. એમની મહેચ્છા કચ્છમાં એક મોટો મહેલ બાંધવાની હતી અને એ ઉદ્દેશ પાર પાડવા માટે રામસિંહ માલમે તૈયારી બતાવી અને આખરે ભૂજના આયના મહેલની શરૂઆત થઈ.
આયના મહેલમાં જવા માટે દરબારગઢના મુખ્ય દરવાજામાંથી પસાર થઈ સામે પ્રાગમહેલ આવે છે, એની બાજુમાંથી પસાર થઈ પછી એક ચોકમાં કે જેમાં રાજાશાહીના વખતમાં દિવાળીના દિવસોમાં દારૂખાનું ફોડાતું એ ચોકમાંથી પસાર થઈ, પગથિયાં ચડી અને પહેલે મજલે આયના મહેલમાં જઈ શકાય છે.
આયના મહેલ એ પ્રથમ એક સાધારણ જૂનો મહેલ હતો. એના અમુક ખાસ ભાગને પસંદ કરી આયના મહેલ બનાવવામાં આવ્યો છે. આ આયના મહેલમાં દીવાને આમ, દીવાને ખાસ, ઉનાળામાં તાપથી બચવા પાણીનાં ફુવારાવાળી ખાસ વ્યવસ્થાવાળી બેઠક, ખાનગી રૂમ અને આયના હૉલ એમ વ્યવસ્થા કરી, રૂમની ચારે બાજુ છૂટથી ફરી શકાય એવી લોબીઓ છે. મુંબઈ ગેઝેટિયરની નોંધ પ્રમાણે આ આયના મહેલ તૈયાર કરવાનું બે લાખ પાઉન્ડ એટલે એ વખતની ૮૦ લાખ કોરી એટલે લગભગ પચ્ચીસ લાખ રૂપિયા જેટલું ખર્ચ કરવામાં આવ્યું અને આ કામ સને ૧૭૫૦ની આસપાસ પૂરું થયું.
આયના મહેલની રચનાનો સાધારણ ખ્યાલ આમ આપી શકાય : પ્રથમ મુઘલકાલીન પ્રવેશદ્વાર વટાવ્યા બાદ દીવાનેઆમ આવે છે. અહીં લાકડા પર કોતરકામ સારું છે. ત્યાર બાદ સાદા ફુવારા અને હોજવાળો રૂમ આવે છે. અહીં હોજની વચ્ચે બેઠક છે. ચારે તરફ થાંભલા તેમ જ ભીંતો ઉપર હસ્તચિત્રો અને તસવીરો મૂકવામાં આવી છે. હોજના કિનારાની પાળી ઉપર મીણબત્તીઓ મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શીતળ ફુવારા ઊડતા હોવાથી ગરમીના દિવસોમાં પણ ઠંડક અનુભવાય છે.
ફુવારાનું પાણી આયના મહેલથી લગભગ એક હજાર ફૂટ છેટેથી એક ઊંચી ટાંકીમાંથી આવે છે. આ ટાંકી નીચે એક કોઠાવાવ નામનો કૂવો છે. જેમાં રેંટ ચલાવવાથી કૂવા ઉપરની ઊંચી ટાંકીમાં પાણી પડે છે. આ પાણી માટેના પાઈપમાંથી દરબારગઢમાં આયના મહેલ સુધી લઈ જવામાં આવેલ છે. એ વખતે લોખંડના પાઈપો ન હતા, પરંતુ માટીના પાઈપો પણ બહુ જ સારા અને પાકા બનાવવામાં આવ્યા છે. આયના મહેલની અંદર જ્યારે સંગીત હોય, ફૂવારાનું પાણી ઊડતું હોય, અરિસામાં સેંકડોની સંખ્યામાં દીવાઓનું પ્રતિબિંબ પડતું હોય અને ઠંડી ખુશનુમા હવા ચાલતી હોય, ત્યારે આ બધાંથી વાતાવરણ ઘણું જ આહ્લાદક બને છે. ફુવારાનું પાણી મહેલ બહાર નીકળી જાય એને માટે યોગ્ય ગટરો પણ કરવામાં આવી છે. રાજાશાહીના વખતમાં કાળી ચૌદશ અને દિવાળીને દિવસે કચેરી બેસે એટલે કે રાજા પોતે બેસતા અને સંગીત ચાલુ થતું.
ફુવારાના હૉલ બાદ એક આયનાવાળો હોલ છે, જેનું માપ ૪૬ ફૂટ × ૪૦ ફૂટ અને ઊંચાઈ ૧૬ ફૂટની છે. આ રૂમની બહાર થાંભલાઓ ઉપર આયનાઓ જડવામાં આવ્યા છે. આ લાદીઓ ઉપર સુંદર ઓપ ચડાવવામાં આવ્યો છે. દીવાલોમાં આરસ જડવામાં આવ્યો છે અને વચ્ચે વચ્ચે લવેલ જડવામાં આવેલ છે. પાછળ લૉબીમાં પ્રકાશનિયંત્રણ થાય એવા વિવિધ રંગના કાચ જડવામાં આવ્યા છે. આ કાચ પણ સ્થાનિક બનાવટના છે. આમ, ૨૦૦ વર્ષ પ૨ કચ્છની કળા-કારીગરી કેટલી ઉચ્ચ કક્ષાની હશે, એનો ખ્યાલ આવી શકે.
અહીં એક ભૂજના સુથારે બનાવેલ લાકડાંનાં કમાડ છે, જેના પર અદ્ભુત કોતરણી છે અને એમાં
પથિક – દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૩૪
For Private and Personal Use Only