________________
સમડી ! તારી અધમ મનોદશા પર તને ક્યારેય રડવું નથી આવતું ?' એક વૃક્ષ પર ભેગા થઈ ગયેલ મોરે સમડીને પૂછી લીધું. કઈ અધમ મનોદશા?”,
આ જ કે તું ઊડતી હોય આકાશમાં અને અચાનક તારી નજર પડી જાય જમીન પર પડેલા કોક મરેલા ઉંદર પર, તો તું પળની ય વાર લગાડ્યા વિના આકાશની ઊંચાઈને છોડી દેવા તૈયાર થઈ જાય ! મને એમ લાગે છે કે તારા જેવી અધમ મનોદશા તો આ જગતમાં બીજા કોઈની ય નહીં હોય !” વાત તારી સાચી છે પણ એક વાત કહું ? મારા કરતાં ય અધમ મનોદશા તો માણસની છે. એને પૈસા દેખાય છે અને એ પરમાત્મા છોડી દે છે. એને બૈરી દેખાય છે અને એ મા-બાપ છોડી દે છે. એને ભોગસુખો દેખાય છે અને એ સદ્ગુણો છોડી દે છે. એને પ્રલોભનો દેખાય છે અને એ મર્યાદા છોડી દે છે. મને આનંદ હોય તો એટલો જ છે કે હું માણસ જેટલી અધમ તો નથી જ !