________________
હાઈકોર્ટના એક ન્યાયાધીશે હાઈકોર્ટની પોતાની ઑફિસમાં જ સારસ-સારસીની જોડીને સરસ મજેના પિંજરામાં રાખી હતી. એમની ઑફિસમાં આવતા સહુ કોઈને મનમાં પ્રશ્ન ઊઠતો હતો કે કબૂતરને, પોપટને, કોયલને કે ચકલીને પિંજરમાં ન રાખતા આ ન્યાયાધીશે સારસ-સારસીની જોડીને જ પિંજરમાં કેમ રાખી હશે ? ન્યાયાધીશને એમના કડક સ્વભાવના કારણે કોઈ સીધું પૂછી શકતું નહોતું પણ આખરે એક યુવાન વકીલે હિંમત કરીને એમને જ્યારે આ પ્રશ્ન પૂછી જ લીધો ત્યારે એમણે શાંતચિત્તે અને પૂરી સ્વસ્થતાથી જવાબ આપ્યો કે ‘નાની નાની બાબતોને બહુ મોટું અને ઉગ્ર સ્વરૂપ આપીને જે પતિ-પત્ની મારી પાસે છૂટાછેડા માટે સલાહ લેવા આવે છે એ તમામને હું આ સારસ દંપતીની જોડી બતાવી દઉં છું. લગ્નની કોઈ વિધિ કર્યા વિના ય આ સારસદંપતી જિંદગીની અંતિમ પળ સુધી એક-બીજાનો સાથ નભાવે છે અને તમે અગ્નિની સાક્ષીએ લગ્નગ્રંથિથી જોડાયા પછી ય એકબીજાથી છૂટા થવા તૈયાર થઈ ગયા છો ? સમાધાન કરી લો અને સંબંધ નિભાવી લો.
YO