________________
સમસ્ત જંગલમાં આજે ઉત્સાહનું વાતાવરણ હતું. વનરાજ કેસરીના અધ્યક્ષપણા હેઠળ જંગલનાં તમામ પશુઓ એકઠા થયા હતા. નિમિત્ત હતું, આકાશનાં કેટલાંક પંખીઓનું વનરાજ કેસરીના હાથે બહુમાનનું. ‘આપણા જંગલમાં ક્યાંય પણ કોઈ પણ પશુ મરે છે, એના શબની દુર્ગધ ફેલાય અને જંગલમાં રોગચાળો ફાટી નીકળે એ પહેલાં ગીધો આકાશમાંથી નીચે આવીને એ પશુશબનો નિકાલ કરી દઈને આપણા જંગલને રોગચાળામુક્ત અને દુર્ગધમુક્ત રાખે છે. એ બદલ હું ગીધ સમાજના પ્રમુખનું સુવર્ણચન્દ્રકથી બહુમાન કરું છું. અને હા, આ કોયલબહેન હંમેશાં મધુર ટહુકાઓથી સમસ્ત જંગલના વાતાવરણને પ્રસન્નતાથી તરબતર રાખે છે જે બદલ એનું રજતચન્દ્રકથી બહુમાન કરવાની હું જાહેરાત કરું છું. તો આપણા સહુને માટે જેનું જીવન આદર્શરૂપ છે, જેની વિવેકદૃષ્ટિ આપણા સહુને માટે અનુકરણીય છે, એ હંસનું કાંસ્યચન્દ્રકથી બહુમાન કરવાનું હું જાહેર કરું છું' વનરાજ કેસરીની આ જાહેરાતને એટલી તાળીઓ મળી કે જેના અવાજથી શહેરમાં વસતા માણસોએ ગભરાઈ જઈને પોતાના ઘરના દરવાજાઓ બંધ કરી દીધા.