________________
આ જગતમાં સૌથી વધુ નસીબદાર કોણ? માનવ ? પશુ? કે પંખી ?' આ વિષય પર પ્રશ્નપત્રમાં પુછાયેલ નિબંધમાં સલ્લુ પોપટે લખ્યું કે માનવ નસીબદાર લાગે ખરો પણ એની પાસે માત્ર પગ જ છે અને ચાલવા માટે જમીન છે. પશુઓ પણ નસીબદાર લાગે ખરા પણ એમની પાસે માત્ર સ્વબચાવની જ તાકાત છે અને એમાં ય સફળતા સંદિગ્ધ છે જ્યારે પંખીઓ સૌથી વધુ નસીબદાર છે કારણ કે એમની પાસે પાંખ છે અને ઊડવા માટે વિરાટ આકાશ છે. શું લખું? માનવોએ બનાવેલ ગીતો અને કવિતાઓ પર નજર ફેરવી જોવી હોય તો ફેરવી જોજો. એમાં તમને પાંખનાં અને આકાશનાં જેટલાં ગુણગાન થયેલા જોવા મળશે એટલા સંપત્તિનાં કે સત્તાનાં ગુણગાન થયેલા જોવા નહીં મળે. આખરે પરમાત્માનું નિવાસસ્થાન પણ આકાશ જ છે ને ? તમે જ કહો. પંખીઓ બધા કરતાં વધુ નસીબદાર ખરા કે નહીં ?'
૮૫