________________
કલ્યુ કબૂતરના લગ્ન પ્રસંગે બહાર પડેલ પત્રિકામાં એના પપ્પા જલુ કબૂતરે સ્વહસ્તાક્ષરમાં લખ્યું હતું કે મારા દીકરાના લગ્ન પ્રસંગે યોજાયેલ જમણવારમાં નીચે જણાવેલ પંખીઓએ ખાસ ન આવવું. માંસ ખાનાર સમડીઓએ. માછલી ખાનાર બગલાઓએ. કીડાઓ ખાનાર મરઘાઓએ. લોહી પી રહેલા મચ્છરોએ. સર્પો પર આક્રમણ કરતા મોરોએ. ગંદવાડ ખાતા કાગડાઓએ. મડદાંઓ ચૂંથતા ગીધોએ. આખરે અમારા આખા ખાનદાનમાં જ્યારે કોઈએ ક્યારેય માંસાહાર કર્યો જ નથી અને કોઈને ય કરાવ્યો જ નથી ત્યારે એ ભવ્ય પરંપરાને જાળવી રાખવાનો અમારા સમસ્ત પરિવારે સંકલ્પપૂર્વક દઢ નિર્ણય કર્યો છે. હું ઇચ્છું છું કે અમારા સમસ્ત પરિવારની આ ભાવનાને માંસાહારી પંખીઓ સારી રીતે સમજી શકશે.’