________________
‘આપણે તો વ્યોમવિહારી છીએ. સમસ્ત માનવજાત ત્રસ્ત છે એની આપણામાંથી કોને જાણ નથી એ પ્રશ્ન છે. તો પછી આપણે એ માનવોને પ્રસન્ન રાખવા ગંભીરતાપૂર્વક શા માટે પ્રયાસો શરૂ કરી દેવા ન જોઈએ ?' ગરુડરાજની ગેરહાજરીમાં અધ્યક્ષસ્થાને બેઠેલા ગીધરાજે પંખીઓ સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો. ‘હું માનવવસતિમાં સર્જાતી ગંદકી દૂર કરીને શહેરોને-ગામડાંઓને સ્વચ્છ રાખતો રહીશ’ કાગડો બોલ્યો, ‘મીઠું બોલતા રહીને માણસોને હું પ્રસન્ન રાખવા પ્રયત્નો કરતી રહીશ” કોયલ બોલી. ‘ગાઢ નિદ્રામાં સૂતેલા માનવોને સમયસર જગાડી દેવાની જવાબદારી હું નિભાવતો રહીશ’ કૂકડો બોલ્યો. ‘વ્યભિચાર માટે ઉત્તેજિત કરતા યુવતીઓનાં નગ્ન નૃત્યોને જોવાનું માનવો બંધ જ કરી દે એ માટે હું માનવો સમક્ષ વધુ ને વધુ વાર નૃત્યો કરતો રહીશ’ મોર બોલ્યો. માનવ બાળોમાં નિર્દોષતાના સંસ્કારો દઢ થતા રહે એ માટે એમની સાથે સ્કૂલોમાં અમે પણ જતા રહેશું” કબૂતરજગત વતી કબૂતર બોલ્યું. પંખીઓની આ પરગજુ વૃત્તિને જોઈને ગીધરાજની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયા.