________________
જમીન પર પડેલા ઉંદરના શબને ઉઠાવીને એક સમડી આકાશમાં ઊડી તો ખરી પણ એ સમડીના મોઢામાં રહેલ મરેલા ઉંદરને જોઈને અન્ય સમડીઓનાં મોઢામાં પાણી આવી ગયું. બધી જ સમડીઓ એ સમડીની પાછળ પડી ગઈ. પેલી સમડીએ તમામ તાકાત લગાવીને આકાશમાં ભાગવાનું ચાલુ તો કરી દીધું પણ એમ કાંઈ એ સમડીના મોઢામાં રહેલ મરેલા ઉંદરને છોડી દેવા અન્ય સમડીઓ તૈયાર નહોતી. એ બધી સમડીઓએ પણ પોતાની ઝડપ વધારી દીધી. આખરે પેલી સમડીએ પોતાના મોઢામાં પકડી રાખેલ મરેલ ઉંદર છોડી તો દીધો પણ જેવો
એ ઉંદર બીજી સમડીએ પોતાના મોઢામાં ઝીલ્યો, બાકીની બધી જ સમડીઓ એ સમડી પાછળ પડી ગઈ. એ જોઈને એક વૃક્ષ પર બેસી ગયેલ પેલી સમડીએ પોતાની બાજુમાં બેઠેલ કાગડાને એટલું જ કહ્યું કે ‘દોસ્ત ! એવી એક પણ ચીજ પકડી રાખીશ નહીં કે જેના કારણે બીજાઓને આપણા દુશ્મન બનવાનું મન થઈ જાય !'