________________
(૩૯)
વૃક્ષની ઊંચી ડાળ પર સમડી અને ચકોર, બંને ભેગા થઈ ગયા. વાતમાં ને વાતમાં સમડીએ ચકોરને પૂછી લીધું. ‘મને હજી એ સમજાતું નથી કે માણસજાતે જે પણ કવિતાઓ બનાવી છે. એમાંની મોટા ભાગની કવિતાઓમાં તારી સ્તુતિ છે અને મારી નિંદા છે. કારણ શું છે?' ‘સાવ સીધુંસાદું કારણ છે. તમે આકાશમાં ભલે ગમે તેટલા ઉપર હો, તમારી નજર કાયમ નીચે જમીન તરફ જ હોય છે અને જમીન પર પણ તમારી નજર મડદાં જ શોધતી હોય છે. જ્યારે રાતોની રાતો હું ઘણી ય વાર ધરતી પર હોઉં છું પણ ત્યારે ય મારી નજર આકાશ તરફ જ હોય છે અને આકાશમાં મારી નજર ચન્દ્રને જ શોધતી હોય છે. સમડીબહેન આપણે ક્યાં છીએ એ જેટલું મહત્ત્વનું હોય છે એના કરતાં અનેકગણું મહત્ત્વ તો આપણી નજર ક્યાં હોય છે એ હોય છે ! નિંદા-સ્તુતિ પાછળનું કારણ સમજાઈ ગયું ને?
૩૮