________________
આંબાના વિશાળ વૃક્ષ પર ચાલી રહેલ નર્સરીમાં સ્કૂલનાં પંખીબાળોને ભણાવી રહેલ ક્લાસટીચર કોયલબહેને એક દિવસ સહુને સુંદર સલાહ આપી કે ‘જુઓ, આપણે ઊડતા ઊડતા થાકી જવાના કારણે ક્યારેક આકાશમાંથી ધરતી પર આવી પણ જઈએ છીએ તો ય નીચે જો અગ્નિ દેખાય છે તો આપણે તમામ તાકાત કેળવીને કાં તો પાછા ઊડી જઈએ છીએ અને કાં તો ધરતી પર બીજે ચાલ્યા જઈએ છીએ. તમને સહુને મારી ખાસ સલાહ છે કે તમારે આ રીતે ક્યારેક ધરતી પર આવવાનું બને તો ક્યારેય માણસે બનાવેલ મનોરંજનના એક પણ સ્થળ પર ઊતરશો નહીં, એક પળ માટે ય એ સ્થળ પર બેસશો નહીં. કારણ કે મનોરંજનનાં એણે બનાવેલ તમામ સ્થળો વિલાસ-વ્યભિચાર-વ્યસન અને વિકૃતિનાં જ વાહક છે. શક્ય છે કે તમે ત્યાં બેસો અને તમને એ સ્થળો પર રહેલ વાતાવરણની અસર થઈ જાય અને તમારામાં પણ એ તમામ દૂષણો આવી જાય કે જે દૂષણોથી આજે માનવજાત વ્યાપ્ત બની ગઈ છે. આખરે તમારા શિરે આપણા બાપ-દાદાના સંસ્કારો જાળવવાની જવાબદારી છે. અસાવધ રહો એ તો શું ચાલે ?
૪૯