________________
ભર બપોરે બાર વાગે ય જે ઘટાદાર વૃક્ષની ડાળીઓની આરપાર સૂર્યકિરણ પ્રવેશી શકે તેમ નહોતું એવા અંધારિયા વૃક્ષની ઓથમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ પર ગુપ્તચર વિભાગે છાપો મારતા જે વસ્તુઓ પકડાઈ એની યાદી નીચે મુજબ છે. ચલુ કાગડા પાસેથી બ્લ્યુ ફિલ્મની કેસેટો. પલ્લુ પોપટ પાસેથી ગંદુ સાહિત્ય. કલુ ચકલા પાસેથી દારૂની બૉટલો. ખલ્લુ કબૂતર પાસેથી હલકાં મેગેઝીનો. ગલ્લુ તેતર પાસેથી બ્રાઉન સુગર. છલુ તીડ પાસેથી વિદેશી સિગરેટો અને ભલ્લુ ગીધ પાસેથી એ.કે. ૪૭ ની રાઇફલો. આ તમામને રિમાન્ડ પર લેવામાં આવતા એ સહુએ પોતાનો ગુનો કબૂલી તો લીધો છે પરંતુ એ તમામ પાસેથી જાણવા મળ્યું છે કે એમને આવી બધી પ્રવૃત્તિઓ કરવાની પ્રેરણા મળી હતી શહેરની કૉલેજોમાં ભણી રહેલ યુવક-યુવતીઓ પાસેથી. આશ્ચર્યોનું આશ્ચર્ય તો એ સર્જાયું છે કે આ દરોડા દરમ્યાન વૃક્ષની નીચે જ રહેલા દસ-બાર કૉલેજના યુવક-યુવતીઓએ આ તમામ બદમાસ પંખીઓને બચાવવા ગુપ્તચર વિભાગના માણસો પર જબરદસ્ત પથ્થરમારો કર્યો છે.