________________
એક વિરાટ વૃક્ષ પર કાગડા, કબૂતર, મેના, પોપટ, મોર, હંસ, ચકલી, સમડી, ગીધ વગેરે તમામ પક્ષીઓની મળેલ અસાધારણ સભામાં સર્વાનુમતે એક ઠરાવ પસાર કરી દેવામાં આવ્યો. જેમાં લખ્યું હતું કે પવિત્ર એવી ધરતી પર બળાત્કાર કરતા રહીને ન ધરાયેલ માણસ જાતે સાગર-નદી અને સરોવરના જળને પણ પ્રદૂષિત કરી નાખ્યા છે અને હમણાં હમણાં વિમાન-રૉકેટ-ઉપગ્રહો-મિસાઇલ્સ વગેરે ઉડાડતા રહીને એણે આકાશને પણ પ્રદૂષિત કરવાનું શરૂ કરી દીધું છે. આપણે માણસજાતને એમ કરતાં રોકી કદાચ ન પણ શકીએ તો ય એ કામ તો આપણે સહુએ કરવાનું જ છે કે આકાશમાં જ્યાં ક્યાંય પણ વિમાન કે રૉકેટ વગેરે જતા આપણને દેખાય, આપણે કોઈએ એ બાજુ ફરકવાનું પણ નથી. માણસજાતથી અને એણે બનાવેલાં રાક્ષસી સાધનોથી આપણે જેટલા દૂર રહીશું એટલા જ આપણે સલામત રહી શકશું. એટલા જ આપણે સ્વસ્થ રહી શકશું.”