________________
પંખી જગતના ઇતિહાસમાં પહેલી વાર આ કરુણાંતિકા સર્જાઈ હતી કે એક ગીધ એક કોયલનું અપહરણ કરીને ભાગી ગયો હતો. ઘણી તપાસ કર્યા પછી અને ગુપ્તચર વિભાગને એ કેસ સોંપ્યા પછી એ બંને પકડાઈ ગયા હતા. ભરી અદાલતમાં એ બંનેને હાજર કરવામાં તો આવ્યા પણ સહુ પંખીઓ સમક્ષ કોયલે જે બયાન રજૂ કર્યું એ સાંભળીને તો સહુ સ્તબ્ધ થઈ ગયા. ‘ગીધે મારું અપહરણ કર્યું જ નથી. હું પોતે સામે ચડીને રાજીખુશીથી એની સાથે ભાગી ગઈ હતી. આખરે અમે બંને શહેરની એક ખ્યાતનામ કૉલેજના વૃક્ષ પર રોજ બેસતા હતા. ત્યાં પોતાનાં માબાપની આંખમાં ધૂળ નાખીને જલસા કરી રહેલા કૉલેજીયન છોકરા-છોકરીઓને અમે રોજ જોતા હતા. આખરે સત્સંગ [2] ની અસર તો કોને નથી થતી? મારાં માતા-પિતાને મારે એટલું જ કહેવું છે કે અમને બંનેને એ લગ્નજીવનના મંગળ આશીર્વાદ હવે આપી જ દે !