________________
પ્રાકથન
“શ્રી કેવળીપ્રભુનો સાથ”ના ત્રણ ભાગના અનુસંધાનમાં આ ચોથો ભાગ વાચકોનાં કરકમળમાં મૂકતાં આનંદ અનુભવાય છે. અને શ્રી પ્રભુને અંતરમાંથી પ્રાર્થના થાય છે કે, “હે પ્રભુ! તમારી કૃપાથી અને આજ્ઞાથી લખાયેલા આ ગ્રંથના સર્વ ભાગ વાચકોને આત્મશાંતિ તથા આત્મશુદ્ધિ મેળવવા માટે તથા વધારવા માટે ખૂબ સહાયક થાઓ. તે સાથે તેઓમાંથી કોઈ પણ આ ગ્રંથનાં નિમિત્તથી અશુભભાવમાં જાય નહિ તેવી કૃપા કરજો; કેમકે તમારા નિમિત્તે કોઈ પણ જીવ આત્માર્થે બંધાય નહિ તેવી મારી અંતઃકરણની ઊંડી અભિલાષા છે. આ ગ્રંથ લખવામાં મને કોઈ પણ પ્રકારનો કર્તાભાવ કે માનભાવ વર્તતો નથી તેની જાણકારી સહુને તમારી પરમ કૃપાથી અને પોતાના અનુભવથી થાઓ, એ જ મારી આપને નમ્ર વિનંતિ છે. આ ગ્રંથ લખવામાં માત્ર ‘પ્રભુની આજ્ઞા’ જ નિમિત્તરૂપ છે, બાકી સર્વ પ્રકારે નિસ્પૃહતા છે તેની સ્પષ્ટતા આપની આજ્ઞાથી કરી, પૂર્વનાં પ્રાકથનનાં અનુસંધાનમાં તે વિશેની હકીકતો રજૂ કરવા આપની આજ્ઞા માગું છું.” ૐ શાંતિઃ
ત્રીજા ભાગના પ્રાથનમાં મેં લખ્યું હતું કે શ્રી રાજપ્રભુએ સ્વયં મને ધ્વનિથી જણાવ્યું હતું કે તેઓ વર્તમાનમાં ‘તીર્થંકર પદે' બિરાજે છે. આ હકીકત જાણવાથી મારા આનંદ તથા ઉલ્લાસની અવધિ ન હતી, સાથે સાથે આ હકીકતે મારા પર કામણ કર્યું હતું. તેથી શ્રી કૃપાળુદેવે તીર્થંકરપદ બંધાય તેવા ભાવ કેવી રીતે આદર્યા, પોષ્યા તથા તેની એંધાણીઓ તેમનાં પત્રલેખનમાં કેવી રીતે વ્યક્ત થાય છે, તે સર્વ વિશેની જાણકારી મેળવવાની મારી તાલાવેલી વધતી ગઈ. વળી, શ્રી અરિહંતના મહિમાને ઓળખવા માટે, મનન કરવા માટે, અનુભવ કરવા માટે, વેદવા માટે તથા
xi