Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
14
• પ્રસ્તાવના ૦
“રોજ દશને પ્રતિબોધ ન કરું ત્યાં સુધી અન્ન-પાણી ગ્રહણ ન કરવા' - આવી પ્રતિજ્ઞા કરવા દ્વારા નંદીષેણે પોતાનું અનુશાસન કર્યું. તેથી અનુશાસ્તિસ્વરૂપ વૈયાવચ્ચ ગુણ એમનામાં સમર્થ હતો. તેમજ પોતાનું ચારિત્રથી પતન થતાં રોજ પોતાની જાતને ઉપાલંભ = ઠપકો આપતા હતા. એટલે ઉપાલંભસ્વરૂપ વૈયાવચ્ચ ગુણ પણ એમનામાં હતો. તથા નંદીષેણ રોજ ૧૦ આત્માને પ્રતિબોધ કરતા હતા. માટે ઉપગ્રહસ્વરૂપ વૈયાવચ્ચ ગુણ પણ સ્વાભાવિક હતો.
આમ નંદીષેણમુનિનું (મુનિપણાનું) દસપૂર્વસંબંધી સમ્યજ્ઞાન ઉપરોક્ત ત્રણ પ્રકારની અપ્રતિપાતી વૈયાવચ્ચને લાવનાર હોવાથી તેનું જ્ઞાન પણ અપ્રતિપાતી બનવાની યોગ્યતા ધરાવે છે.
અલબત્ત, ઉપાધ્યાયજી મહારાજ આવો કોઈ આયાસ કરતા નથી. એટલે કે “જ્ઞાન વૈયાવૃત્યસંપાદક હોઈ અપ્રતિપાતી છે' એમ ન કહેતા મહાનિશીથસૂત્રની સાક્ષીએ જ્ઞાનને સ્વતંત્રતયા અપ્રતિપાતી ગુણ તરીકે જણાવે છે.
આ વાતને મજબૂત કરવા એક સિદ્ધાંત બતાવે છે કે... જ્યાં સમ્યજ્ઞાન હોય ત્યાં સમ્યગ્દર્શન હોય જ. એક વાર સમ્યગ્દર્શન આવ્યા પછી ચાલ્યું જાય.. તો પણ એક કોડાકોડીસાગરોપમથી વધુ કર્મબંધ જીવ નથી કરતો.
આમાં જે તથ્ય છુપાયેલ છે, તેને કર્ણિકાકાર ખોલે છે... એક વખત સમ્યજ્ઞાન ઉત્પન્ન થયા પછી સ્વરૂપથી નાશ પામે (મિથ્યાત્વે ચાલ્યા જવાથી). તો પણ સંસ્કારરૂપે તે આત્મામાં હાજર જ રહે છે. અને તથાવિધ સંસ્કાર દ્વારા દીર્ઘસ્થિતિવાળા કર્મબંધને અટકાવવા સ્વરૂપ પોતાનું કાર્ય તે સમ્યજ્ઞાન કરે જ છે. જો આવું નહિ માનીએ તો સમ્યજ્ઞાનથી ભ્રષ્ટ થયેલ જીવ ૭) કોડાકોડીસાગરોપમપ્રમાણ સ્થિતિવાળા કર્મને ક્યારેક બાંધી દેશે તેવું માનવાની આપત્તિ આવશે.
સાતમી ગાથામાં તો જ્ઞાનનો ગજબ મહિમા કર્યો છે... જે જ્ઞાની છે (ગીતાર્થ છે), દ્રવ્યાદિચતુષ્કનો જાણકાર છે.. તે કેવલી સમાન છે (યાદ રહે, ઉપાધ્યાય શ્રીમાનવિજયજી મહારાજે ધર્મસંગ્રહની પ્રશસ્તિમાં મહોપાધ્યાયશ્રીને શ્રુતકેવલી તરીકે બિરદાવ્યા છે.)
અને છેલ્લી ગાથામાં જ્ઞાનને અલગ અનેક ઉપમાઓ આપીને ૧૫મી ઢાળનો પ્રથમ વિભાગ પૂરો કર્યો છે.
૧૫મી ઢાળના બીજા વિભાગમાં પણ આ જ જ્ઞાનના અઢળક ગુણલા ગાયા છે. બીજી ગાથામાં એમ જણાવ્યું છે.. નિરુપક્રમ કર્મના ઉદયથી જેઓ જ્ઞાન/ક્રિયાથી રહિત છે.. પણ જ્ઞાની ગુરુના ચરણકમલને જેઓ સેવે છે, તેઓ પણ માર્ગસ્થ છે. આનો આધ્યાત્મિક ઉપનય વાંચવાથી આ વાત વ્યવસ્થિત સમજાય તેમ છે.
આગળની ગાથાઓમાં અજ્ઞાની જીવોનું સ્વરૂપ વિગતે સમજાવ્યું છે, તેમજ અજ્ઞાની માણસ ગમે તેટલી ક્રિયા કરે તો પણ તેમનામાં અને જન્માંધ વ્યક્તિમાં કોઈ ફરક નથી. વળી આવા જીવો માયાવી અને જૂઠાબોલા કેવી રીતે હોય છે ? તેની પણ વાત વ્યવસ્થિત રીતે રજૂ કરી છે. અંતમાં શ્રાવકના જીવનમાં જ્ઞાન મુખ્ય છે, જ્યારે સાધુજીવનમાં જ્ઞાન અને ક્રિયા બંને મુખ્ય છે - એમ જણાવીને પંદરમી ઢાળ પૂરી કરી છે.