Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના જતાં તો ડોળીમાં બેસીને જ જતાં. આવી અસંયમપ્રવૃત્તિ તો ગુર્જરમારવાડના સર્વ સંધમાં પ્રસિદ્ધ છે. તેવી જ રીતે કારણ વગર એક ઠેકાણે રહેવાની તથા ડોળી પ્રમુખમાં બેસવાની અને પરિગ્રહાદિના સંચયની અસંયમપ્રવૃત્તિ બહારની પોળવાળા શ્રી મણિવિજયની પણ હતી. તેથી જ મુહપત્તિ ચર્ચાના પ૯મા પાનામાં બુટેરાયજી લખે છે કે “બાઈ દીક્ષા લેવાવાળી હતી. તે દરેકની રૂપિયા ચડાવીને પૂજા કરવા લાગી. પ્રથમ રૂપિયા ચડાવીને રત્નવિજયની પૂજા કરી. પછી મણિવિજય આગળ રૂપિયા ચડાવીને પૂજા કરી, ત્યારબાદ મને રૂપિયા ચડાવવા લાગી. ત્યારે નીતિવિજયજી બોલ્યા મારા આગળ રૂપિયા ચડાવવાનું કંઈ કામ નથી. અમારે રૂપિયાનો ખપ નથી. આવું કહી ના પાડી દીધી. ત્યારે અમે ત્યાંથી ઊઠીને ચાલ્યા ગયા. પાછળ ત્રણેય જણ બાઈને દીક્ષા આપી શહેરમાં ચાલ્યા ગયા”.
એ વાક્યમાં સ્પષ્ટ માલમ પડે છે કે જો ડહેલાવાળા રત્નવિજયજી તથા લવારની પોળવાળા મણિવિજયજીના પરિગ્રહનો સંચય નહોતાં રાખતાં તો સાધુભક્તિકૃત અગ્રપૂજાને બુટેરાયજી પ્રમુખ મના કરત નહીં, પણ મણિવિજય તથા રત્નવિજય સંચય કરતાં હતાં, તેથી બુટેરાયજી રૂપિયા ચડાવવાની ના પાડી ઊભા થઈને ચાલતા થઈ ગયા.
આના ઉપરથી એ પણ સાબિત થાય છે કે જો બુટેરાયજીએ મણિવિજયને સંયમી ગુરુ માનીને ફરી દીક્ષા લીધેલ હોત તો “ઊભા થઈને ચાલતા થયા” આવી મોટી પોતાના ગુરુની આશાતના કરત નહીં.
આમ સાબિત થાય છે કે બુટેરાયજીએ મણિવિજયને સંયમી ગુરુ ધાર્યા નહીં. આમેય મણિવિજય તો પીળા કપડાં ધારણ કરતાં હતાં. અને બુટેરાયજીનો મત તો યશોવિજયજી ઉપાધ્યાયને મળતો હતો. યશોવિજયજીએ તો દશમતાધિકારસ્તવનમાં તથા કુમતિકપટસ્વાધ્યાયમાં તથા ઉપાધ્યાયની પરંપરામાં થયેલા શ્રી ઉદયવિજયજી વાચક પ્રમુખ શ્રી હિતશિક્ષાપત્રિશિકામાં અને શ્રી ગચ્છાચારવિચારબોલપત્રકગ્રંથમાં પીળા કપડાં પહેરનારને કુલિંગી નિદ્ભવ અસંયતી કહ્યા છે. તે મૂળ પાઠ કોઈને જોવા હોય તો મારા રચેલ ગ્રંથ સ્તુતિનિર્ણયવિભાકરમાં જોઈ લેવા.