________________
આઠ દૃષ્ટિની સજ્ઝાય
સાંસારિક વાસનાઓ ત્યજી આત્મકલ્યાણની પ્રાપ્તિ માટે સાધુનો અવશ્ય સંગ કરવો. તેઓનો સંગ જ આ જીવને સંસારથી તારનાર છે. આજકાલ ઘણા લોકો સાધુથી દૂર રહે છે. અને સ્વતંત્રપણે સ્વાધ્યાયની મંડળી જમાવે છે. અને તેને સત્સંગ માની લે છે. પરંતુ જૈનશાસનમાં સાધુપદની ઘણી પ્રધાનતા છે. સાધુની નિશ્રાએ સ્વાધ્યાય થવો જોઈએ. જ્યાં સાધુનો યોગ ન હોય ત્યાં પણ સાધુને અનુસરવાની બુદ્ધિ તો અવશ્ય હોવી જ જોઈએ. પરંતુ “આ કાલે ભગવાને કહ્યા તેવા સાધુ છે જ નહીં અને જે છે તે સાચા સાધુ નથી, સર્વે કોઈને કોઈ દોષોથી ભરેલા જ છે.” આવું કહીને સાધુથી વિમુખ થઈને જે મંડળી જમાવે છે, તે ભગવાનના ચતુર્વિધ સંઘરૂપ તીર્થના ઉચ્છેદક જાણવા. ભગવાનનું શાસન પાંચમા આરાના છેડા સુધી ચાલવાનું છે. તેથી તેમાં ચતુર્વિધ સંઘ અવશ્ય છે જ. માટે સાચા સાધુ પણ તે સંઘમાં જ છે. સંપૂર્ણપણે નિર્દોષ હોય તેને જ જો સાધુ કહીએ તો ૧૩-૧૪ ગુણસ્થાનકવાળા કેવળીને જ સાધુ કહેવાના રહે છે. છઠ્ઠા-સાતમા ગુણઠાણાવાળા જીવોમાં પોતાની ભૂમિકા પ્રમાણે ગુણો પણ હોવાના, અને કોઈક દોષો પણ હોવાના જ. માત્ર ગુણોની અધિકતા અને દોષોની હાનિ જ જોવાની હોય છે. આવા ઉત્તમ સાધુઓ આ કાળે પણ લભ્ય છે. સાધુઓની સાથે પરિચય કરીએ તો ખ્યાલ આવે કે આ કાળે પણ તેઓ કેવા તપસ્વી-જ્ઞાની-વૈરાગી-અને ઉત્તમ ભાવનાઓ વાળા હોય છે. બાકી સાધુપદ ગમતું જ ન હોય એટલા માટે જ જો ઉપરની દલીલ કરાતી હોય તો પોતાની આ મિથ્યા માન્યતા જ પોતાના વિકાસની વિઘાતક છે. સાર એ છે કે સાધુસંગ પણ આગમાભ્યાસ માટે જ કરવો. અન્ય પ્રલોભનો રાખવાં નહીં. અને આગમનો અભ્યાસ પણ સાધુસંતો પાસે જ કરવો. સ્વચ્છંદ મતિથી ન કરવો.
૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org