________________
૧૭૮
આઠ દૃષ્ટિની સજ્ઝાય
વિકલ્પવાળી હોવાથી તેની પ્રાપ્તિની ઘણી ઝંખના અને અપ્રાપ્તિનું ઘણું જ દુ:ખ વર્તતું હોય છે. સર્વત્યાગને પ્રાપ્ત કરવા માટે જ્ઞાનોપયોગમાં સદા મસ્ત રહે છે. પ્રાપ્ત થયેલાં મુક્તિનાં બે સાધનોનો સફળતાપૂર્વક પૂરેપૂરો પ્રયત્ન કરી અપ્રાપ્ત એવા ત્રીજા સાધનને મેળવી લેવા પૂરેપૂરી કોશિષ કરે છે. જે જ્ઞાન અને દર્શનાદિ ગુણો આત્માનું અવશ્ય કલ્યાણ કરનારા છે પરંતુ અપૂર્ણ સાધનસામગ્રી હોવાથી વિરતિ મેળવીને પરિપૂર્ણ સામગ્રીવાળા બનવા માટે અને અલ્પકાળમાં મુક્તિ પ્રાપ્ત કરવા તીવ્ર ઇચ્છા રાખે છે.
કોઈપણ મનુષ્ય પૈસો કમાવવા દુકાન કરે, ફરનીચર કરે, સારો માલ લાવે અને વ્યવસ્થિત ગોઠવે, એટલે પૈસો કમાવવાની સર્વ સામગ્રી મેળવી. પરંતુ દુકાન - ફરનીચર અને માલ માત્ર જોઈ જોઈને જ જો રાજી થાય, ધંધો કરે નહી, માલ વેચવા પ્રયત્ન કરે નહી, અને સારો નફો બેસે તેનું ધ્યાન રાખે નહીં તો તે દુકાન આદિ સામગ્રી ધારેલું ફળ આપે નહીં. તેવી જ રીતે અહીં દર્શન-જ્ઞાનાદિ ગુણ સામગ્રી પામીને જો આ જીવ પ્રમાદ કરે, આળસુ થાય અને મળેલી સામગ્રીનો શેષગુણોની પ્રાપ્તિ માટે અપ્રમત્તભાવે જો ઉપયોગ ન કરે તો સાચી સફળતા મેળવે નહીં. તેથી આ મહાત્માઓ સંસારનું ગમે તે કામ કરતા હોય તો પણ તેઓનું મન પતિવ્રતા સ્ત્રીના ચિત્તની જેમ શ્રુતધર્મની આરાધનામાં જ, તત્ત્વજ્ઞાન મેળવવામાં જ, તેની વિચારણામાં જ વર્તતું હોય છે. અન્યત્ર નહીં. ।।૬।।
પ્રશ્ન
ચિત્ત જ્ઞાન-દર્શનમાં આકર્ષાયેલું જ રહે એવું ઉત્તમોત્તમ જ્ઞાન ભલે અહીં છે. એટલે કે ચિત્તાક્ષેપક જ્ઞાનવાળા આ મહાત્માઓ છે. તો પણ અવિરતિનો ઉદય સંભવિત હોવાથી સાંસારિક ભોગોમાં અને ઘરના વ્યવસાયમાં ગુંથાવાનું આવવાનું જ છે. તેથી યોગમાર્ગની સાધનામાં શું વિઘ્નો નહીં આવે ? અર્થાત્ વિઘ્નો આવશે જ. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મ. શ્રી જણાવે છે કે
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org