________________
અધ્યાત્મમતપરીક્ષા
૭૮૮. ટીકાર્ય :- ‘વિષય’- વિષયઉપનિપાતના અભાવમાત્રથી જ કાર્યરૂપ વ્યક્તિનું અજનન છે.
ગાથા - ૧૫૭
-
‘અન્યથા’ – પૂર્વમાં કહ્યું કે દાનાદિલબ્ધિઓ સિદ્ધમાં હોવા છતાં વિષયઉપનિપાતના અભાવમાત્રથી જ કાર્યરૂપ વ્યક્તિને પેદા કરતી નથી. તેની પુષ્ટિ કરતાં કહે છે કે અન્યથા=એમ ન માનો તો, સિદ્ધનો જીવ પણ પૂર્વની જેમ પરિણામવિવર્તને પેદા નહીં કરતો ખરેખર નિઃસ્વભાવ થશે.
ભાવાર્થ :- સિદ્ધાંતકા૨ને એ કહેવું છે કે, ચ૨ણદાનાદિલબ્ધિઓ જો મોક્ષમાં પણ જીવની સાથે જતી હોય તો ત્યાં તેઓનું ફળ શું છે ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, તમને જેવું અભિમત છે તેવું તો કોઇ ફળ ત્યાં હોતુ નથી, પરંતુ એટલામાત્રથી કોઇ હાનિ થતી નથી. કારણ કે કાર્યનું કોઇ પ્રયોજન નથી એવા ભયથી સામગ્રી કાર્યોત્પાદ ન કરે એવું બનતું નથી. તેથી ચારિત્રમોહાદિકર્મક્ષયરૂપ સામગ્રી ચારિત્રાદિ સ્વભાવોને ઉત્પન્ન તો કરે જ છે. વળી મોક્ષઅવસ્થામાં ચરણદાનાદિલબ્ધિઓનો સ્વભાવ અક્ષત જ છે.
અહીં પ્રશ્ન થાય કે, ચરણદાનાદિલબ્ધિઓ પોતાનું કાર્ય કરતી નહીં હોવા છતાં તેઓનો સ્વભાવ અક્ષત કેમ છે ? તેથી કહે છે કે, વિષયઉપનિપાતના અભાવમાત્રથી જ કાર્યરૂપ વ્યક્તિનું અજનન છે.કહેવાનો આશય એ છે કે, જેમ સંસારમાં ચરણદાનાદિલબ્ધિઓ છે તેમ સિદ્ધાવસ્થામાં પણ છે. પરંતુ સંસારમાં ચારિત્રના વિષયભૂત કર્મ વિદ્યમાન છે તેથી ચારિત્ર કર્મનાશની ક્રિયા કરે છે, પરંતુ સિદ્ધમાં ચારિત્રના વિષયભૂત કર્મનો અભાવ હોવાના કારણે કર્મનાશરૂપ કાર્યવ્યક્તિને ચારિત્ર પેદા કરતું નથી; કેમ કે ચારિત્રનું કાર્ય એ કર્મનાશ છે અને તે કાર્ય પેદા થઇ ગયું છે. તે જ રીતે દાનલબ્ધિનું કાર્ય સંસારમાં દાન આપવાની પ્રવૃત્તિ છે, અને સિદ્ધમાં સ્વભાવરૂપ દાનલબ્ધિ ક્ષાયિકભાવરૂપે હોવા છતાં શરીર અને દેય પુદ્ગલો ત્યાં નહીં હોવાથી દાનક્રિયારૂપ કાર્ય ત્યાં પેદા થતું નથી; તો પણ દાનાદિ લબ્ધિઓનો ક્ષાયિકભાવરૂપે વર્તતો સ્વભાવ સિદ્ધમાં અક્ષત જ છે. અને દાનાદિલબ્ધિઓ સિદ્ધમાં હોવા છતાં વિષયઉપનિપાતના અભાવમાત્રથી જ કાર્યવ્યક્તિને પેદા કરતી નથી. (સિદ્ધમાં દાનાદિ લબ્ધિઓ કર્મના ક્ષયથી પેદા થઇ હોવા છતાં દાનાદિની સામગ્રીનો અભાવ હોવાને કારણે જ સિદ્ધોમાં દાનાદિ ક્રિયાઓ થતી નથી.) તેમ ન માનો તો સિદ્ધનો જીવ પણ પૂર્વની જેમ પરિણામવિવર્તને પેદા કરતો નથી, અર્થાત્ સંસારઅવસ્થામાં નવા નવા ભવાદિરૂપ પરિણામોને પામતો હતો તેવા પરિણામો સિદ્ધ અવસ્થામાં કરતો નથી, તેથી ખરેખર નિઃસ્વભાવ થશે.
કહેવાનો આશય એ છે કે, સંસા૨વર્તી જીવોમાં ચેતના છે અને તે ચેતના રાગાદિના પરિણામરૂપ વિવર્તોને પેદા કરે છે. ‘રાગાદિ'માં આદિથી દેવ-મનુષ્યાદિરૂપ વિવર્તો, ચારિત્રાદિના વિવર્તોનું ગ્રહણ કરવું. અને તે જ ચેતના સિદ્ધાવસ્થામાં છે, તો પણ સંસારી અવસ્થામાં જેવા પરિણામના વિવર્તો થતા હતા તેવા સિદ્ધાવસ્થામાં થતા નથી; તેથી સિદ્ધાવસ્થામાં રહેતી ચેતના નિઃસ્વભાવ છે તેમ માનવું પડશે, અને તેથી સિદ્ધને પણ નિઃસ્વભાવ કહેવાનો પ્રસંગ આવશે; કેમ કે પૂર્વની જેમ કાર્યવ્યક્તિને સિદ્ધના જીવ પેદા કરતા નથી. જેમ સંસારવર્તી જીવોમાં દાનાદિલબ્ધિઓ કાર્યવ્યક્તિને પેદા કરતી હોવા છતાં સિદ્ધાવસ્થામાં કાર્યવ્યકિતને પેદા કરતી નથી, માટે સિદ્ધના જીવોનો ક્ષાયિકભાવે દાનાદિલબ્ધિસ્વભાવ નથી તેમ કહો છો; તે રીતે સંસારમાં સિદ્ધના જીવો હતા ત્યારે તેમની ચેતના પરિણામના વિવર્તોને પેદા કરતી હતી, હવે સિદ્ધાવસ્થામાં તેઓની ચેતના પરિણામના વિવર્તરૂપ કાર્ય કરતી નથી, માટે સિદ્ધોમાં તે ચેતના નથી તેમ સ્વીકારીને, સિદ્ધોને ચેતના સ્વભાવ વગરના માનવા પડશે.