________________
ગાથા = ૧૭૩
અધ્યાત્મમતપરીક્ષા
૮૮૩ ‘તથાપિ’ – તો પણ=પૂર્વપક્ષીએ પૂર્વમાં સ્થાપન કર્યું કે સુખત્વાદિ સામાનાધિકરણ્યથી સિદ્ધત્વજ્ઞાન જ ઇચ્છાનું વિરોધી છે તેમ સ્વીકારીએ તો પણ, સામાન્ય ઇચ્છાના વિચ્છેદમાં પણ વિશેષ ઇચ્છાના અવિચ્છેદનો પ્રસંગ છે.
ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી કહે કે, સુખત્વાદિ સામાનાધિકરણ્યથી સિદ્ધત્વજ્ઞાન થયા પછી સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ થઇ ગયા પછી પણ જીવ વિશેષદર્શી હોવાને કારણે જે વિશેષ ઇચ્છા થાય છે, તેનું કારણ જીવને ભ્રમ છે=પૂર્વમાં પોતાને જે સુખ સિદ્ધ થયું છે તેનાથી આ સુખ જુદા પ્રકારનું છે એવો જીવને ભ્રમ થાય છે, તેથી વિશેષ ઇચ્છા થાય છે, અને જે વ્યક્તિને તેવો ભ્રમ ન થાય તેને વિશેષ ઇચ્છા થાય નહિ. તેથી કામના ઉપભોગથી સિદ્ધત્વજ્ઞાન થવાને કારણે ઇચ્છાઓનું શમન થાય છે તેમ સ્વીકારવું ઉચિત છે. તેને ગ્રંથકાર કહે છે
ટીકાર્ય :- ‘તાનિાનાં' – તેટલી ઇચ્છાઓના ભ્રમત્વકલ્પનાની અપેક્ષાએ સમાનવિષયત્વની પ્રત્યાસત્તિથી સમાનપ્રકારક સિદ્ધત્વજ્ઞાનના પ્રતિબંધકપણાની કલ્પનાનું ન્યાય્યપણું છે.
ઉત્થાન :- આ રીતે સિદ્ધાંતકારે પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવ સ્થાપન કર્યો ત્યાં, પૂર્વપક્ષીના કથન પ્રમાણે ભ્રમત્વકલ્પનામાં જેમ ગૌરવ છે, તેમ પોતાના વિશેષ પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવ સ્વીકારમાં પણ અનંત પ્રતિબધ્યપ્રતિબંધકભાવની કલ્પનાકૃત ગૌરવ છે. તેથી અનંત પ્રતિબધ્ય-પ્રતિબંધકભાવની કલ્પનામાં ગૌરવને ટાળવા માટે સામાન્ય પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવ બતાવે છે
ટીકાર્થ :- ‘તત્ તત્’- તે તે સુખથી ભિન્નત્વેન સુખેચ્છાનું, જ્ઞાતથી અન્ય કાંતા-અવલોકનત્વાદિરૂપે ઇષ્ટસાધનતાના જ્ઞાનોનું, જ્ઞાતથી અન્ય કાંતા-અવલોકનત્વાદિરૂપે ઇચ્છાહેતુત્વની કલ્પનાની અપેક્ષાએ અવચ્છેદકાવચ્છેદેન જ સિદ્ધત્વજ્ઞાનના પ્રતિબંધકપણાની કલ્પનાનું યુક્તપણું છે.
ભાવાર્થ :- પૂર્વમાં પૂર્વપક્ષીએ એ સ્થાપન કર્યું કે, સુખત્વાદિ સામાનાધિકરણ્યથી સિદ્ધત્વજ્ઞાન ઇચ્છાનું વિરોધી છે; અને તેના દ્વારા એ સિદ્ધ કર્યું કે, ભોગને ભોગવી લેવાથી સિદ્ધત્વજ્ઞાન થાય છે, તેથી ભોગની ઇચ્છા થતી નથી. ત્યાં ગ્રંથકાર કહે છે કે, સુખત્વાદિ સામાનાધિકરણ્યથી સિદ્ધત્વજ્ઞાન થાય તો સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ થવા છતાં પણ વિશેષની ઇચ્છાઓ થઇ શકે છે. તે આ રીતે
કોઇ વ્યક્તિએ પોતાની ધારણા પ્રમાણે ભોગવિલાસ કર્યો હોય, ધન મેળવ્યું હોય, માન-સન્માન-ખ્યાતિ આદિ પ્રાપ્ત કર્યું હોય, અને તેના કારણે તે વ્યક્તિને થાય કે સુખ-ધન આદિ બધાં મને સિદ્ધ થઇ ચૂક્યાં છે, તેથી સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ તે વ્યક્તિને થઇ જાય; તો પણ જીવ સુખનો અર્થી છે તેથી પોતાને પ્રાપ્ત થતા તે તે સુખને ફરી ભોગવવાની ઇચ્છા થવાની, તેમ પોતે જે સુખો મેળવ્યાં છે તેનાથી અન્ય સુખની પ્રાપ્તિની પણ તેને ઇચ્છા થવાની; કેમ કે જો તે સુખોને છોડી દે તો સુખ વગરની અવસ્થાની પ્રાપ્તિરૂપ ભોગોના ત્યાગમાં તેને દુઃખની પ્રતીતિ જણાય. તેથી ભોગથી સર્વ ઇચ્છાઓનું શમન સદા માટે થઇ શકે નહિ, કિંચિત્કાળ માટે સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ દેખાય. એમ કહીને ગ્રંથકારને એ કહેવું છે કે, ઇચ્છાના વિચ્છેદનું કારણ ભોગ નથી પરંતુ વૈરાગ્યાદિ ભાવો જ છે.
B-૨૧