________________
१४
ટીકા અને ભાવાનુવાદ સહિત આ ગ્રન્થ ઘણો વિશાળકાય બની જવાથી આ ગ્રન્થને બે ભાગોમાં વિભાજિત કર્યો છે. પહેલા ભાગમાં પહેલા, બીજા અને ત્રીજા પ્રસ્તાવોનો સમાવેશ કર્યો છે. ચોથા અને પાંચમા પ્રસ્તાવોનો સમાવેશ બીજા ભાગમાં કર્યો છે.
ગ્રન્થની શરૂઆત થતાં પહેલા વિસ્તૃત વિષયાનુક્રમ મૂકેલ છે. તેનાથી ગ્રન્થના વિષયોનો સામાન્ય બોધ થશે. ગ્રન્થના વિષયોનો વિશેષ અને વિશદ બોધ તો ગ્રન્થસાગરમાં ડૂબકી લગાવ્યા પછી જ થશે.
ગ્રન્થની પૂર્ણાહુતિ બાદ ગ્રન્થની શોભામાં અભિવૃદ્ધિ કરનાર છ પરિશિષ્ટો મૂક્યા
છે.
પહેલા પરિશિષ્ટમાં યોગસારની મૂળગાથાઓ મૂકી છે. તેથી કંઠસ્થ કરનારને સરળતા
પડે.
બીજા પરિશિષ્ટમાં યોગસારની મૂળગાથાઓની અકારાદિક્રમે સૂચિ આપી છે. ત્રીજા પરિશિષ્ટમાં પદ્મીયાવૃત્તિમાં સાક્ષી તરીકે બતાવેલા ગ્રન્થોની સૂચિ છે. ચોથા પરિશિષ્ટમાં પદ્મીયાવૃત્તિમાં બતાવેલા શાસ્ત્રપાઠોની સૂચિ છે.
પાંચમા પરિશિષ્ટમાં યોગસાર મૂળમાં અને પદ્મીયા વૃત્તિમાં બતાવેલા દૃષ્ટાંતોની સૂચિ છે.
છઠ્ઠા પરિશિષ્ટમાં પદ્મીયાવૃત્તિમાં ટાંકેલા સૂક્તરત્નોની સૂચિ છે.
પરમ કૃપાળુ પરમાત્મા અને પરમ પૂજ્ય ભીમભવોદધિતારક ગુરુદેવશ્રી વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના કૃપા, પ્રેરણા અને માર્ગદર્શન વડે જ આ સંશોધન, સર્જન અને સંપાદન શક્ય બન્યું છે. એ પૂજ્યોના ચરણોમાં કૃતજ્ઞભાવે અનંતશઃ વંદના.
ગ્રન્થકાર એક મહાન સાધકપુરુષ હતા. જ્યારે હું અલ્પબુદ્ધિવાળો છું. મેં મારા ક્ષયોપશમ અનુસાર ગ્રન્થકારના આશયને પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો છે. છતાં મતિમંદતાના કારણે ક્યાંય ગ્રન્થકારના આશય વિરુદ્ધ નિરૂપણ કર્યું હોય અને ટીકામાં બીજી કોઈપણ જાતની ક્ષતિ રહી ગઈ હોય કે જિનાજ્ઞાવિરુદ્ધ નિરૂપણ થયું હોય તો તે બધાની ત્રિવિધે ત્રિવિધે ક્ષમા યાચું છું અને બહુશ્રુત વિદ્વાનોને તે સુધારવાની પ્રાર્થના કરું છું.
ઘણા ફૂલોનો રસ નિચોવ્યા પછી થોડું અત્તર મળે છે. તે અત્તરનું ટીપું પણ મનને અને શરીરને તરબતર કરી દે છે. હા, અત્તરની શીશીને ખીસ્સામાં રાખી મૂકવા માત્રથી તેની સુગંધ મળતી નથી. તે શીશીને ખીસ્સામાંથી કાઢી તેનું ઢાંકણું ખોલી, હાથ પર અત્તર લઈને નાકથી સૂંઘવાથી સુગંધ મળે છે.