________________
નમોલ્થ સૂત્ર
૧૦૧
ઘણા વિષયનું વિશાળ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. વિવિધ વિષયોની તે સુંદર છણાવટ કરી શકે, તોપણ તેનું જ્ઞાન આત્મા માટે હિતકર બનતું નથી. આત્મિક દૃષ્ટિએ તેનાથી કાંઈ જ લાભ થતો નથી. માટે તે ઝાંઝવાના જળ જેવું મિથ્યા હોય છે,
જ્યારે સમ્યગ્દષ્ટિને તો આત્માનું સંવેદન હોવાથી પોતાના હિત-અહિતને સંપૂર્ણપણે તે જાણે-સમજે છે. નાનું બાળક, ભલે વિશેષ કાંઈ ન જાણતું હોય છતાં પણ પોતાને થતાં સુખ-દુઃખના સંવેદનને તે બરાબર અનુભવે છે. અગ્નિમાં ભૂલેચૂકે હાથ પડી જાય તો દુઃખનું સંવેદન થવાથી બાળક રડવા માંડે છે, આમ ઊંડી સમજ ન હોવા છતાં જેમ બાળક પોતાનાં સુખ-દુઃખને અનુભવી અને સમજી શકે છે, તેમ સમ્યગ્દષ્ટિ આત્માને ઊંડો શાસ્ત્રબોધ ન હોય તોપણ પોતાના હિતઅહિતનું વેદન કરવામાં, પોતાના-પરિણામોનો વિવેક કરવામાં તેની બુદ્ધિ કુશાગ્ર હોય છે. સ્વમાં પ્રગટેલા વિવેકને કારણે સમ્યગ્દષ્ટિ આત્મા હેયને હેય તરીકે અને ઉપાદેયને ઉપાદેય તરીકે, આત્મા માટે હિતકર વસ્તુને હિતકર તરીકે અને અહિતકરને અહિતકર તરીકે સમજે છે, સ્વીકારે છે અને સંવેદે છે.
સમ્યગુદર્શનના લક્ષણ :
.
બોધિની પ્રાપ્તિ થતાં જ આત્મામાં સમ્યગ્દર્શન સાથે અવિનાભાવી એવો આસ્તિક્ય નામનો ગુણ પ્રગટે છે. આત્મા, પુણ્ય, પાપ, પરલોક આદિ તત્ત્વો ભગવાને જે પ્રકારે કહ્યાં છે, તે પ્રકારે જ છે તેની દૃઢ શ્રદ્ધા હોવી તે આસ્તિક્ય છે.
આત્મા આદિ તત્ત્વો ઉપર શ્રદ્ધા ઉત્પન્ન થવાને કારણે જીવને અન્ય જીવો પણ પોતાના જેવા દેખાય છે. પોતાને જે સુખ-દુઃખની અનુભૂતિ થાય છે તેવી જ બીજાને થતી હશે એવું સમજાય છે. તેથી તે કષાયોથી ગ્રસ્ત એવી પોતાની જાતને અને અન્ય જીવોને થતી બાહ્ય-અંતરંગ પીડા અને વ્યથાને સ્વયં સમજી શકે છે. બીજાના દુ:ખ જોઈ તેને સ્વયં પણ દુ:ખ થાય છે. તેને દૂર કરવાનો પરિણામ થાય છે. આમ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી સાધકમાં સ્વ-પરના દ્રવ્યભાવ દુ:ખે જોઈ તેને દૂર કરવાની ઇચ્છારૂપ અનુકંપાનો (દયાનો) પરિણામ પ્રગટે છે.
અનુકંપાથી દ્રવિત હૃદયવાળો સાધક જ્યારે સંસાર તરફ દૃષ્ટિ કરે છે ત્યારે આખો સંસાર, તેની તમામ પ્રવૃત્તિઓ તેને સ્વ-પરની દ્રવ્ય અને ભાવ હિંસાથી વ્યાપ્ત દેખાય છે. આ જોઈ તેને સંસાર પ્રત્યે તિરસ્કાર થાય છે અને આવા નિર્ગુણ સંસારમાંથી ભાગી છૂટવાની તીવ્ર ઈચ્છા સ્વરૂપ નિર્વેદનો પરિણામ થાય છે.