________________
૨૬૦
સૂત્રસંવેદના-૨ ૨
,
ત્યારે તે જ શ્રુતજ્ઞાનના સંસ્કારો તેને પતનની ખાઈમાંથી પુન: ઉત્થાનની દિશામાં આગળ વધારી પરમાનંદ સુધી પહોંચાડે છે. આથી જ શ્રુતજ્ઞાન નિરર્થક નથી, સાર્થક જ છે.
અહીં એ ધ્યાનમાં રાખવું કે, આ શ્રુતજ્ઞાન તે માત્ર બોલાતાં કે લખાયેલા શબ્દ સ્વરૂપ નથી, પરંતુ શબ્દના સહારે આત્મામાં મોહનીય કર્મના ક્ષયોપશમ સહકૃત જે શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે, કે જેના આધારે પદાર્થનો યથાર્થ બોધ થાય છે. હેય-ઉપાદેયનો વિવેક પ્રગટે છે તે ક્ષયોપશમ જ વાસ્તવિક શ્રુતજ્ઞાન છે. આ ક્ષયોપશમ ચરમાવર્તકાળમાં જ્યારે જીવના રાગાદિ ભાવમલો ઘટે છે ત્યારે જ થાય છે.
જેઓ ચરમાવર્તમાં આવ્યા નથી જેમના રાગાદિ ભાવમલો દૂર થયા નથી તેવા જીવો કોઈ નિમિત્ત લઈ શાસ્ત્રાભ્યાસ કરે તો પણ તેમને શાસ્ત્રજ્ઞાન યથાર્થ બોધ કરાવી હેય-ઉપાદેયનો વિવેક પ્રગટાવી શકતું નથી, પરંતુ તેમાં ખામી શ્રુતજ્ઞાનની નથી હોતી પણ જીવની યોગ્યતાની ખામી હોય છે. આવા જીવો ક્યારેક શ્રુતજ્ઞાનને પામ્યા પછી પણ દુર્ગતિમાં જાય તો તેનું કારણ શ્રુતજ્ઞાન નથી પણ તેમની અયોગ્યતા જ છે.
જીવમાં જ્યારે યોગ્યતા ખીલે છે ત્યારે તો શ્રુતજ્ઞાનના બે-ચાર શબ્દ પણ જો કાને પડી જાય અને તેના ઉપર ચિંતન-મનન શરૂ થઈ જાય તો આત્મા એના પરમાર્થને પામી ન્યાલ થઈ જાય છે.
મહાપાપી ચિલાતીપુત્રની જ્યારે યોગ્યતા ખીલી અને ભાગ્યોદયે તેને સદ્ગુરુનો ભેટો કરાવ્યો ત્યારે તેમની યોગ્યતા જોઈને ગુરુએ તેમને માત્ર શ્રુતજ્ઞાનના ત્રણ શબ્દ “ઉપશમ-વિવેક-સંવર’ સંભળાવ્યા. ચિલાતીપુત્રે આ ત્રણ શબ્દ ઉપર ચિંતન શરૂ કર્યું “અહો ! મહાનુભાવ ધર્મધ્યાન કરતા હતા, તેમાં મેં અંતરાય કરી ધર્મ પૂક્યો, તો હવે આ ધર્મપદોના અર્થો કયા હશે ?” મારા ઉપર કૃપા કરી તેઓશ્રીએ મને આ ત્રણ પદોમાં ધર્મ આપ્યો છે. આ ત્રણ પદોનો અર્થ શું હશે ? ઊંડો વિમર્શ કરતાં સમજાયું કે, ઉપશમ એટલે ક્રોધનો નિગ્રહ કરવો. ક્રોધને કાબુમાં લેવો. હું ક્રોધથી અંધ બન્યો અને ન કરવાનું કરી બેઠો. હવે, મારે ક્રોધનો સર્વથા ત્યાગ કરવાનો છે અને ઉપશમભાવમાં સ્થિર થવાનું છે. વિવેકનો અર્થ છે સાર-અસારનો – હેય-ઉપાદેયનો વિભાગ.